શહેરમાં 46 અર્બન હેલ્થ-વેલનેસ સેન્ટર શરૂ થશે

20 November 2023 05:23 PM
Rajkot
  • શહેરમાં 46 અર્બન હેલ્થ-વેલનેસ સેન્ટર શરૂ થશે

મનપાના સ્થાપના દિને વિધાનસભા-68, 69 અને 70માં કેન્દ્રોનો પ્રારંભ : લોકોને અનુકૂળ સમયે સારવાર મળશે

રાજકોટ, તા. 20
રાજકોટ મ્યુનિસિપાલિટીમાંથી મહાનગરપાલિકા તરીકે તા.19/11/1973ના રોજ અસ્તિત્વમાં આવતા મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની 50-મી વર્ષગાંઠ નિમિતે તા.19ના રોજ ત્રિ-દિવસીય વિવિધ કાર્યક્રમ અંતર્ગત ત્રણ જુદા જુદા સ્થળોએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

વિધાનસભા-68, ન્યુ સાગરનગર - 5, વોર્ડ નં.16 ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ મેયર નયનાબેન પેઢડિયાના હસ્તે કરાયો હતો. આ તકે પૂર્વ ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, કોર્પોરેટર રૂચિતાબેન જોષી, નાયબ કમિશ્નર અનિલ ધામેલિયા વગેરે ઉપસ્થિત રહેલ હતા. વિધાનસભા-69, લક્ષ્મીનગર મેઈન રોડ શેરી નં.6એના ખૂણા પાસે, વોર્ડ નં.8 ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ ધારાસભ્ય ડો. દર્શિતા શાહના હસ્તે કરાતા આ તકે સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, નાયબ આરોગ્ય અધિકારી ભૂમીબેન કમાણીવગેરે ઉપસ્થિત રહેલ હતા.

વિધાનસભા-70, નવલનગર 3, વોર્ડ નં.13 ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ તકે શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, આરોગ્ય ચેરમેન કેતનભાઈ પટેલ, સમાજ કલ્યાણ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, હાઉસિંગ ચેરમેન નીતિનભાઈ રામાણી, કોર્પોરેટર જયાબેન ડાંગર, નાયબ કમિશનર ચેતન નંદાણી, આરોગ્ય અધિકારી ડો.વકાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આયુષ્માન ભારત
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વિકેન્દ્રિત તથા વ્યાપક બનાવવા માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત શહેરમાં આરોગ્ય શાખા દ્વારા શહેરમાં 23 આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં દરેક આરોગ્ય કેન્દ્ર દીઠ બે એવી રીતે કુલ 46 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવશે. જે શહેરના આરોગ્યને લગતી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે મહત્વપુર્ણ પગલું છે.

લોકોને અનુકુળ રહે તેવા સમયે (સવારે 9:00 થી 1:00 તથા સાંજે 5:00 થી 9:00 સુધી ) દર્દીઓને મુશ્કેલીઓ ઘટાડવા સારવાર તેમજ સંભાળ માટેનો સમય ઘટાડવા અને સતત સંભાળ અને સારવાર કરવા સમુદાયની નજીક નિષ્ણાંત સેવાઓ અને પોલીક્લીનીક્સની પહોંચ વધારવાનો છે. આ ઉપરાંત વિસ્તારની સામાજિક સંસ્થાઓ તથા સમૂહોનું આરોગ્ય વિષયક સેવાઓમાં સંકલન વધારવાનું ઉદેશ્ય છે.

ઉપરાંત આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ, પ્રાણાયામ, કસરત જેવી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. આરોગ્ય મેળાઓ તથા વિવિધ પ્રચાર પ્રસારની પ્રવૃતિઓ વગેરે આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવશે. જેમના દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓનો વ્યાપ વધારવા અને જીવનધોરણ સુધારવાની પ્રયાસ છે.

વિધાનસભા-71
વિધાનસભા-71માં આજે સાંજે વાવડી વિસ્તારમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement