રાજકોટ,તા.20
પ્રતિ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ રાજકોટમાં વસવાટ કરતા પશ્ર્ચિમ બંગાળ બિહાર, યુપી, સહિતના લોકો દ્વારા છઠ્ઠ પૂજાની ધર્મસભર વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.છઠ્ઠ પૂજા મુખ્યત્વે બિહાર અને ઉત્તરપ્રદેશનો મહત્વનો ઉત્સવ છે આ બંને રાજયના લોકો જયાં પણ વસવાટ કરતા હોય ત્યાં છઠ્ઠ પૂજાની ઉજવણી અવસ્ય કરે છે.
એ જ રીતે રાજકોટ અને રાજકોટની આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારમાં કામ ધંધાર્થે રહેતા બિહાર અને ઉત્તરપ્રદેશના હજારો લોકોએ છઠ્ઠ પૂજાનો ઉત્સવ ઉમંગભેર ઉજવ્યો હતો.આ દિવસે એટલે કે કારતક સુદ છઠ્ઠના દિવસે પાણીના સાનિધ્યમાં સૂર્ય નારાયણ ભગવાનને અર્ધ્ય આપવાનું મહત્વ છે પરિણામે જયાં પણ બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો વસવાટ કરતા હોય ત્યાંની નદીના કિનારે એકઠા થાય છે
છઠ્ઠના દિવસે મહિલાઓ નારિયેળ, ફળ, શેરડી તેમજ કંકુ, ચોખા સહિત પૂજન સામગ્રી સાથે સુર્યદેવની પૂજા કરે છે. આમ રાજકોટમાં ગઈકાલે આજી નદીના કિનારે મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ સૂર્ય નારાયણ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી.આજી નદીના કિનારે જાણે મિનિ ભારત બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.