ટાટાના IPOથી ફરી પ્રાયમરી માર્કેટમાં ક્રેઝ : અરજી-ડીમેટ ખાતાના જંગી વેપાર

21 November 2023 09:49 AM
Ahmedabad Business Gujarat India Rajkot Top News
  • ટાટાના IPOથી ફરી પ્રાયમરી માર્કેટમાં ક્રેઝ : અરજી-ડીમેટ ખાતાના જંગી વેપાર

♦ ચાલુ સપ્તાહમાં જ પાંચ કંપનીઓના આઈપીઓ

♦ લાંબા વખત બાદ ‘અરજી લાગે કે ન લાગે’ના ચિકકાર વેપાર : ડીમેટ ખાતુ ભાડે આપીને 10 લાખની અરજી કરવા દેવા પર 5000 સુધીનો ભાવ : નવા ડીમેટ ખાતા ખોલવામાં બ્રોકરો ‘હાંફવા’ લાગ્યા

રાજકોટ,તા.21
પ્રાયમરી માર્કેટના આઈપીઓમાં નાણાં રોકવાનો ટ્રેન્ડ ફરી એક વખત ‘ક્રેઝ’ સ્વરૂપ બન્યો છે. ખાસ કરીને દેશના સૌથી પ્રતિષ્ઠિત પૈકીના એક એવા ટાટા ગ્રુપના આઈપીઓના કારણે પ્રાયમરી માર્કેટમાં અભૂતપૂર્વ ક્રેઝ ઉભો થયો છે. માર્કેટમાં ફરી એક વખત અરજી લાગે કે ન લાગે ના જંગી વેપાર થયા છે. ઉપરાંત ડીમેટ એકાઉન્ટ ભાડે આપવા નાણાં અપાય રહ્યા છે. નવા ડીમોટ ખાતા ખોલાવવા પણ લાઈનો લાગી છે.

શેરબજારમાં લાંબા વખતથી વધઘટે તેજીનો માહોલ પ્રવર્તી જ રહ્યો છે અને તેને કારણે પ્રાયમરી માર્કેટ પણ સતત ધમધમે છે. સારૂ એવુ રીટર્ન મળતુ હોવાથી આઈપીઓ ભરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ભૂતકાળના ક્રેઝ વખતે અરજીના સોદા પડતા હતા જે કેટલાંક વર્ષોથી બંધ થઈ ગયા હતા. હવે ટાટા-ઈરડા જેવી કંપનીઓના આઈપીઓ પુર્વે તે ફરી શરૂ થયા છે.

રાજકોટ ઉપરાંત અમદાવાદ તથા મુંબઈના બ્રોકરો ગમે તેટલી અરજીઓ લઈ રહ્યા હોવાથી જંગી વેપાર થયા હોવાનો નિર્દેશ છે. ટાટા ટેકનોલોજીના આઈપીઓને લાગેવળગે છે ત્યાં સુધી રૂા.500ના ઓફરભાવ પર ગ્રે માર્કેટમાં રૂા.350નું પ્રીમીયમ બોલાય રહ્યું છે. તેના આધારે 70 ટકા રીટર્ન ગણી શકાય. આઈપીઓમાં રહેલી અરજી લાગે કે ન લાગે તેનો ભાવ 1800 રૂપિયા છે.

જયારે ડીમેટ ખાતુ ભાડે આપીને 10 લાખની અરજી કરવાની સવલત આપવા પર 4થી5 હજાર રૂપિયા ઓફર કરાય રહ્યા છે. માત્ર ટાટા ટેકનોલોજી જ નહીં, અન્ય કંપની ઈરડાના આઈપીઓમાં પણ અરજી લાગે કે ન લાગેમાં 1000ના ભાવે જંગી વેપાર થઈ રહ્યા છે.

પ્રાયમરી માર્કેટના જાણકાર તથા રાજકોટના જાણીતા શેરબ્રોકર પરેશ વાઘાણીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ચાલુ સપ્તાહમાં જ ટાટા ટેકનોલોજી સહિત પાંચ આઈપીઓ છે અને તેમાં કરોડો રૂપિયાના ભરણા થશે. પ્રાયમરી માર્કેટ વધુ એક વખત અભૂતપૂર્વ રંગમાં છે. ટાટા ટેકનોલોજીનો આઈપીઓ 3042 કરોડ રૂપિયાનો છે. રૂા.2ની ફેઈસ વેલ્યુના શેરમાં 475 થી 500 રૂપિયાની પ્રાઈસ બેન્ડ છે. બે દાયકા બાદ ટાટા ગ્રુપનો આઈપીઓ આવતો હોવાથી રોકાણકારોમાં પ્રચંડ ઉત્સાહ છે. ટાટા મોટર્સના શેરધારકો માટે પણ અલગ કવોટા રાખવામાં આવ્યો છે અને તેઓને બે લાખ રૂપિયાની અરજીની છુટ્ટ છે.

ટાટા ગ્રુપના આઈપીઓમાં ક્રેઝ અને ગ્રે માર્કેટમાં જંગી સોદા વચ્ચે આ,પીઓમાં નાણાં ભરવા માટે અમુક કંપનીઓ દ્વારા ફાઈનાન્સ પણ આપવામાં આવી રહ્યું છે. ટાટા ટેકનોલોજી ઉપરાંત ઈન્ડીયન રીન્યુએબલ એનર્જી એજન્સીના આઈપીઓમાં પણ આકર્ષણ છે. આ સિવાય ગંધાર સહિત પાંચ કંપનીઓના આઈપીઓ ખુલવાના છે. ટાટા, ઈરડા જેવી કંપનીઓમાં રોકાણની તક જવા દેવા જેવી નથી. એક સાથે પાંચ આઈપીઓને કારણે સેક્ધડરી માર્કેટમાંથી અબજો રૂપિયા પ્રાયમરી માર્કેટમાં ટ્રાન્સફર થવાની શકયતા છે.

તેઓએ કહ્યું કે શેરબજાર એકંદરે પોઝીટીવ જ રહ્યું છે. કંપનીઓના બીજા કવાર્ટરના પરિણામો સારા આવ્યા છે. જીએસટી તથા ઈન્કમટેકસ કલેકશનમાં મોટી વૃદ્ધિ જોવા મળી રહી છે. ઈઝરાયેલ યુદ્ધ સહિત વિશ્વમાં કેટલાક ભૌગોલિક ટેન્શન છે પરંતુ તે ઉકેલાઈ જવાનો આશાવાદ સેવાતો હોવાથી માર્કેટમાં ગંભીર અસર નથી. વિદેશી સંસ્થાઓએ કેટલાક દિવસોમાં નાણાં ઠાલવ્યા છે. ખરીદી ચાલુ રહેવાના સંજોગોમાં તેજીનુ નવુ કારણ બની શકે છે.

સેકન્ડરી માર્કેટના જોરે પ્રાયમરી માર્કેટમાં પણ ધમધમાટ રહ્યો જ છે. ટાટા સહિતની કંપનીઓના આઈપીઓના ભરણા અનેક ગણા છલકાવાની શકયતા ઈન્વેસ્ટરોના વર્તમાન વલણ પરથી માલુમ પડી રહ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement