કપથી ચુકયા... છતાં ટીમ ઈન્ડીયા માટે યાદગાર બન્યા અનેક ક્ષણ

21 November 2023 12:10 PM
Sports
  • કપથી ચુકયા... છતાં ટીમ ઈન્ડીયા માટે યાદગાર બન્યા અનેક ક્ષણ

અમદાવાદ તા.21 : વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલીયા સામે પરાજય થતાં વિશ્વ વિજેતા બનવાનું ભારતનું સ્વપ્ન ચકનાચુર થઈ ગયુ હતું. ટીમ-ખેલાડીઓ ઉપરાંત કરોડો ભારતીયો પણ આઘાત-હતાશામાં ગરકાવ થયા હતા. ફાઈનલ ન જીતવા છતાં સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતનું પરફોમન્સ અભૂતપૂર્વ રહ્યું હતું અને યાદગાર ક્ષણો કયારેય ભુલાઈ તેમ નથી. અવિસ્મરણીય છે.ટુર્નામેન્ટનાં સળંગ દસ મેચ ભારતે જુસ્સાભેર જીત્યા હતા અને ક્રિકેટનાં ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય ટીમની અનેક યાદગાર ક્ષણોમાંથી કેટલીક અવિસ્મરણીય બની રહેશે.

ઓપનીંગમાં આઘાત લાગ્યો ત્યારે વિરાટ કોહલી બન્યો ઢાલ
વર્લ્ડકપનાં ભારતના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલીયા સામે ટકકર થઈ હતી. ભારતીય બોલરોની ઘાતક બોલીંગ સામે ઓસ્ટ્રેલીયા માત્ર 199 રનમાં ઢેર થઈ ગયુ હતું. ઓસ્ટ્રેલીયન બોલીંગ આક્રમણ સામે ભારતની 3 વિકેટ માત્ર બે રનમાં પડી ગઈ હતી. ભારતીય છાવણીમાં સોપો પડી ગયો હતો.જયારે વિરાટ કોહલીનાં 85 રન તથા રાહુલનાં 93 રનની મદદથી ભારતે છેવટે છ વિકેટે જીત હાંસલ કરીને વિજય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

કેપ્ટન રોહીત શર્માએ દર્શાવ્યુ પ્રચંડ-સ્ફોટક રૂપ
દિલ્હીમાં અફઘાનીસ્તાન સામેનો ભારતનો મેચ તથા કેપ્ટન રોહીત શર્માનું પ્રદર્શન યાદગાર બન્યુ હતું. ભારતને 273 રનનો ટારગેટ હતો. અફઘાનીસ્તાનનાં સ્પીન એટેક સામે તે જરાય સરળ નહોતો. પરંતુ પ્રથમ મેચમાં નિષ્ફળ ગયેલા હીટમેન રોહીત શર્માએ કમબેક કરીને પ્રચંડ સ્વરૂપ દર્શાવ્યુ હોય તેમ 84 દડામાં 16 ચોકકા અને પાંચ છગ્ગા સાથે 131 રન ઝુડી નાખ્યા હતા અને પ્રતિસ્પર્ધી ટીમનાં બોલીંગ એટેકને અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો.રોહીતની આ સ્ફોટક ઈનીંગ્સ ત્યારપછીનાં તમામ મેચો બુસ્ટર ડોઝ બની હતી. ત્યારબાદનાં લગભગ તમામ મેચોમાં સ્ફોટક રમતનું પ્રદર્શન કરીને ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી. અફઘાનીસ્તાન સામેનો મેચ ભારત 8 વિકેટથી જીત્યુ હતું.

પાકિસ્તાન સામે જોરદાર જીત સાથે સર્જાતો 8-0 નો રેકોર્ડ
ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાન સામેનો મેચ હાઈ વોલ્ટેજ બની રહેતો હોવાનું સ્પષ્ટ છે.આ મુકાબલો ફાઈનલ સમાન જ ગણવામાં આવે છે. બન્ને દેશો માટે મેચ પ્રતિષ્ઠાનો સવાલ બનતો હોય છે.આ વખતે પણ ભારતે મેચ વન-સાઈડ બનાવી નાખ્યો હતો. પાકિસ્તાન બોલીંગ તાકાત પર મુશ્તાક હતું પરંતુ ભારતે બોલીંગમાં જ વેરવિખેર કરી નાખી હતી. ઉપરાંત બુમરાહ, સિરાજ, હાર્દિક જાડેજા તથા કુલદીપનાં બોલીંગ એટેક સામે પણ ઘુંટણીયે પડી ગયુ હતું. પાકિસ્તાન 191 માં તંબુભેગુ થયુ હતું ભારતે માત્ર 30.3 ઓવરમાં ટારગેટ સર કરી લીધો હતો.

કિવીઝનાં પડકારને પાર થતા આત્મ વિશ્વાસ પરાકાષ્ટાએ પહોંચ્યો
વર્લ્ડકપ 2019 માં ન્યુઝીલેન્ડે ભારતને સેમીફાઈનલમાં હરાવી દીધુ હતુ. આ વખતે 22 ઓકટોબરે બન્ને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો થયો હતો.ન્યુઝીલેન્ડના ડેરીલ મીચલે 130 રનની શાનદાર સદી ફટકારી હતી. રવિન્દ્રનાં 75 રનની મદદથી 213 નો જુમલો ખડકયો હતો.ટુર્નામેન્ટનો પ્રથમ મેચ રમતા શામીએ પાંચ વિકેટ ખેડવીને ઘણા અંશે અંકુશ મુકયો હતો. વિપરીત હવામાન વચ્ચે કીવીઝનાં બોલરો બોલ્ટ, ફર્ગ્યુસન તથા હેનરીનાં પેસ આક્રમણ સામે ટારગેટ સરળ ન હતો. પરંતુ આ વખતે વિરાટ કોહલીના 95 રન સાથે જીત મળી હતી. અને ભારતનો આત્મ વિશ્વાસ નવી ઉંચાઈએ પહોંચ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement