નવી દિલ્હી તા.21 : વર્લ્ડકપનાં સમાપન સાથે હવે ફરી દ્વિપક્ષીય શ્રેણી શરૂ થવામાં છે.23 મીથી ઓસ્ટ્રેલીયા સામે ભારતની ટી-20 શ્રેણી શરૂ થશે. પાંચ મેચોની શ્રેણી માટે ભારતીય ટીમનું એલાન થયુ છે.કેપ્ટન તરીકે સુર્યકુમાર યાદવ તથા વાઈસ કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડની પસંદગી કરવામાં આવી છે.
ભારતીય ટીમમાં વર્લ્ડકપ રમેલા ત્રણ જ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. બાકીનાને આરામ આપવામાં આવ્યો છે. પ્રસિધ્ધ કૃષ્ણા, ઈશાન કિશન, તથા સુર્યકુમાર યાદવ, ટી-20 શ્રેણી રમશે.શ્રેયસ ઐય્યર અંતિમ બે મુકાબલામાં જોડાશે અને ઋતુરાજ ગાયકવાડના સ્થાને વાઈસ કેપ્ટન બનશે. અનુભવી વિકેટકીપર બેટર સંજુ સેમસનને તક આપવામાં આવી નથી. વર્લ્ડકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલીયાએ ભારતને હરાવ્યું હતું તેની સામે જ ભારત પાંચ મેચોની ટી-20 શ્રેણી રમવા ઉતરશે.
23 મીએ પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. બીજો મેચ 26 નવેમ્બરે તિરૂવંથપુરમ, 3જો મેચ 28મીએ ગુવાહાટીમાં, ચોથો મેચ 1 ડીસેમ્બર રાયપુરમાં તથા અંતિમ 5 મો મેચ 3 ડીસેમ્બરે બેંગ્લોરમાં રમાશે.મહત્વની વાત એ છે કે ભારતીય ટીમ છેલ્લી 13 સીરીઝથી ઘરઆંગણે અજેય છે અને 13 માંથી એકપણ ટી-20 શ્રેણી હારી નથી. છેલ્લા 2019 માં ઓસ્ટ્રેલીયાએ ભારતને ટી-20 મેચની શ્રેણીમાં હરાવ્યું હતું. ભારતની જેમ ઓસ્ટે્રલીયન ટીમમાં પણ કેટલાંક ફેરફાર છે. કેપ્ટનપદે મેથ્યુ વેડ છે વર્લ્ડકપ રમેલા કેટલાક ખેલાડીઓ રમવાના નથી.
ભારતીય ટીમ
સુર્યકુમાર યાદવ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રીંકુસિંહ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપસિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશખાન તથા મુકેશકુમાર
ઓસ્ટ્રેલિયન ટીમ
મૈથ્યુ વેટ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, સીન એબોટ, ટીમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લીશ, સ્પોન્સર જોનસન, ગ્લેન મેકસવેલ, તનવીર સાંધા, મૈટ શોર્ટ, સ્ટીવ સ્મીથ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ જેમ્પા.