તહેવારોમાં મહિનામાં રેકોર્ડ બ્રેક વિજચોરી ઝડપાઇ: જામનગર ત્રીજા ક્રમે

21 November 2023 01:47 PM
Rajkot Saurashtra
  • તહેવારોમાં મહિનામાં રેકોર્ડ બ્રેક વિજચોરી ઝડપાઇ: જામનગર ત્રીજા ક્રમે
  • તહેવારોમાં મહિનામાં રેકોર્ડ બ્રેક વિજચોરી ઝડપાઇ: જામનગર ત્રીજા ક્રમે

► પીજીવીસીએલ દ્વારા ઓકટોબરમાં 34.39 કરોડ તથા છેલ્લા સાત માસમાં 164.23 કરોડની વિજચોરી પકડવામાં આવી: સુરેન્દ્રનગર-ભાવનગર વિજચોરીમાં મોખરે

► રાજકોટ શહેરમાંથી સાત માસમાં 13.50 કરોડ તથા ગ્રામ્યમાં 13.44 કરોડની વિજ ચોરી પકડાઇ: 1 કરોડથી વધુના બીલ એસેસમેન્ટના 5 તથા 50 લાખથી 1 કરોડના 19 કેસ

રાજકોટ, તા.21 : દિવાળીના તહેવારો ખતમ થતાની સાથે જ ફરી વખત વિજચોરી સામે ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. તહેવારોના મહિના એવા ઓકટોબરમાં સૌથી વધુ 34.39 કરોડની વિજચોરીનો પર્દાફાશ થયો હતો. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં 164 કરોડની વિજચોરી પકડાઇ હતી. વિજચોરીમાં ભાવનગર તથા સુરેન્દ્રનગર મોખરે રહ્યા છે. પશ્ચીમ ગુજરાત વિજ કંપની લી.ના સતાવાર રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ઓકટોબર મહિનામાં કુલ 34.39 કરોડની રેકોર્ડબ્રેક પાવરચોરી પકડી પાડવામાં આવી હતી.

આ દરમ્યાન કુલ 56477 વિજ કનેકશનોની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી 8219માં ગેરરીતિ માલુમ પડી હતી અને 34.39 કરોડના વિજબીલ ફટકારવામાં આવ્યા હતા. કનેકશનની દ્રષ્ટિએ અંદાજીત 15 ટકા વિજ જોડાણમાં ગેરરીતિનો પર્દાફાશ થયો હતો. સૌથી વધુ 6.31 કરોડની વિજચોરી સુરેન્દ્રનગરમાંથી પકડાઇ હતી. ભુજમાંથી 5.69 કરોડ તથા જામનગરમાંથી 4.50 કરોડની વિજચોરી પકડાઇ હતી. રાજકોટ શહેરમાંથી 2.01 કરોડ તથા રાજકોટ ગ્રામ્યમાંથી 1.78 કરોડની વિજચોરી પકડાઇ હતી.

મહત્વની વાત એ છે કે ઓકટોબર મહિનામાં તહેવારોની સીઝન શરૂ થઇ ગઇ હતી. નવરાત્રી સહિતના તહેવારો આવ્યા હતા અને તે મહિનામાં જ રેકોર્ડબ્રેક વિજચોરી પકડાયાનું સૂચક છે. બીજી તરફ એપ્રિલથી ઓકટોબરના સાત મહિનામાં વિજ તંત્ર દ્વારા કુલ 164.23 કરોડની વિજચોરી પકડવામાં આવી હતી. સૌથી વધુ 23.53 કરોડની વીજ ચોરી ભાવનગરમાંથી, 22.73 કરોડની વિજ ચોરી સુરેન્દ્રનગરમાંથી તથા 16.02 કરોડની વિજચોરી જામનગરમાંથી પકડાઇ હતી.

રાજકોટ શહેરમાંથી 13.50 કરોડ તથા રાજકોટ ગ્રામ્યમાંથી 13.44 કરોડની વિજચોરી પકડાઇ હતી. આ દરમ્યાન સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 294185 વિજ જોડાણની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંની 50840 કનેકશનોમાં ગેરરીતિ ખુલી હતી. 15 ટકાથી વધુ કનેકશનોમાં ગેરરીતિ હતી. રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે દરોડા ઝુંબેશ દરમ્યાન પાંચ સ્થળોએથી એક કરોડથી અધિકની વિજચોરી પકડાઇ હતી. 19 જોડાણોમાં 50 લાખથી 1 કરોડની તથા 17માં 25 થી 50 લાખની વિજચોરી પકડવામાં આવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement