► સર્વે શાખા નાબુદ થતા વેંચાણના કોઇ રેકર્ડ પણ નથી! હજુ વોંકળાની જગ્યા પર માલીકી હોય તો બાંધકામની મંજૂરી આપવી પડે છે : કેનાલ રોડ સહિતના રસ્તે બાંધકામો ચાલુ
રાજકોટ, તા.23 : શહેરના ડો.યાજ્ઞિક રોડ લાગુ સર્વેશ્વર ચોકમાં સપ્ટેમ્બર માસમાં વોંકળા પરનો સ્લેબ તુટી પડવાની ઘટનામાં એક મહિલાનું મૃત્યુ અને ડઝન લોકોને ઇજાનો બનાવ બન્યો હતો. આ પૂરેપૂરો સ્લેબ વેંચાયેલા વોંકળા પરના બિલ્ડીંગ આગળ ગેરકાયદે ઢાંકી દેવાયેલા વોંકળા પર બંધાયો હતો.
જે ગંભીર ઘટનામાં આજ સુધી કોઇની જવાબદારી ફિકસ થઇ નથી ત્યારે કોર્પોરેશને આ ઘટનાની તપાસની જવાબદારી પણ પોલીસ ઉપર ઢોળી દીધી છે. ગઇકાલે મળેલા જનરલ બોર્ડમાં વોર્ડ નં.15ના કોંગી કોર્પોરેટર ભાનુબેન પ્રવિણભાઇ સોરાણીએ આ દુર્ઘટનાને લગતી તપાસની વિગતો પૂછી હતી જેનો લેખિત જવાબ તંત્રએ આપ્યો છે. આ ઘટના બાદ કોર્પો. દ્વારા પોલીસ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે અને તેની પોલીસ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
જે જગ્યાએ સ્લેબ તુટયો તે જગ્યાની માલીકી વોંકળા પૈકીની છે અને તેના પર સીડી તથા ઓટલાનું દબાણ રહેલું નથી. તા.25-9-23થી સ્લેબ અને અન્ય ભાગનું અમદાવાદની કસાડ એજન્સી દ્વારા ટેકનીકલ ઇન્સ્પેકશન કરવામાં આવ્યું છે. પરંતુ સ્લેબની ડિઝાઇન જ ઉપલબ્ધ નથી. કારણ કે આ બાંધકામની કોઇ પરવાનગી ન હતી. આથી ચોકકસ કારણો રજૂ કરાયા નથી. છતાં રસ્તા પરના સ્લેબ કરતા વોંકળાના સ્લેબની થીકનેસ ઓછી છે, સ્ટ્રકચર જુનુ અને જર્જરીત હોવાનું લાગ્યું છે.
વધુમાં તંત્રએ સત્તાવાર રીતે જવાબમાં જણાવ્યું છે કે કોમ્પલેક્ષનું બાંધકામ જે તે સમયે મંજૂરીથી કરવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા તા.19-10થી તપાસ માટે પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. જેની તપાસ ચાલે છે. આથી કોર્પો. દ્વારા કોઇ પગલા લેવાતા નથી. કોની સામે પગલા લેવા તે પણ નકકી થતું નથી કારણ કે કોણે વોંકળો ઢાંકયો તે જ કોઇ જાણતું નથી. હાલ શિવમ-1 અને શિવમ-2ના કબ્જેદારોને સ્ટેબીલીટી પ્રમાણપત્ર રજૂ કરવા જણાવાયું છે. આથી આ બિલ્ડીંગ આજની તારીખે પણ સીલ જેવી હાલતમાં છે.
કુલ વોંકળા
શહેરમાં કુલ પર વોંકળા આવેલા છે. 1993થી 2004 સુધી સર્વે શાખા દ્વારા વોંકળાની જમીન વેંચવામાં આવતી હતી. પરંતુ હવે સર્વે શાખા અસ્તિત્વમાં ન હોય, શહેરમાં કેટલા વોંકળા વેંચાયા તેની કોઇ વિગત હાલ નહીં હોવાનું પણ તંત્રએ કહ્યું છે. વોંકળા પરના બાંધકામોનો સર્વે ચાલુ છે અને 13 દબાણ હટાવવામાં આવ્યા છે.
હજુ મંજૂરી
હજુ વોંકળા પર કયા નિયમના આધારે બાંધકામ મંજૂરી મળે છે તેવા સવાલના જવાબમાં પણ ચોંકાવનારી વિગત રજૂ થઇ છે. નિયમ મુજબ ખાનગી માલિકીની તથા કોર્પો.એ જે તે સમયે હરરાજીથી વેંચી હોય તેવી વોંકળાની જગ્યામાં વોટર-વે ખુલ્લા રહે તે પ્રકારે બાંધકામ પરવાનગી આપવામાં આવે છે.
જાણકારોના કહેવા મુજબ વર્ષો જુની સનદ (દસ્તાવેજ નહીં) જેની પાસે હોય તેને વોંકળા પર બાંધકામની મંજૂરી આપી શકાય છે. જે તે સમયે સનદને માલિકી જ ગણીને આવી મંજૂરી અપાતી હતી અને હજુ આપવામાં આવે છે. વોંકળા પર વોટર-વે ખુલ્લો રાખીને બાકીની જગ્યામાં બાંધકામ કરી શકાય છે! હાલ વોર્ડ નં.14માં કેનાલ રોડ, વોર્ડ નં.7, વોર્ડ નં.1, વોર્ડ નં.3માં વોંકળા પર આવા ઘણા બાંધકામ કાયદેસર ચાલી રહ્યાનું પણ બહાર આવી રહ્યું છે.