રાજકોટ, તા.21 : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજાુ શિયાળો જામતો નથી અને ઠંડી પડતી નથી ત્યારે વિક એન્ડમાં કમોસમી વરસાદ-માવઠુ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યમાં હજાુ શિયાળાના કોઇ અણસાર ન હોય તેમ ઠંડી પડતી નથી.
ન્યુનતમ તાપમાન બે થી 6 ડીગ્રી ઉંચુ રહે છે. સામાન્ય રીતે અત્યારે નોર્મલ ન્યુનત્તમ તાપમાન ગુજરાતમાં 17 થી 18 ડિગ્રી તથા રાજસ્થાન બોર્ડરને જોડતા ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 થી 16 ડીગ્રી ગણાય તેના બદલે અમદાવાદમાં આજે ન્યુનત્તમ તાપમાન 21.8 ડીગ્રી તથા ડીસામાં 20 ડીગ્રી હતું તે નોર્મલથી પાંચ ડીગ્રી વધુ હતું. રાજકોટનું ન્યુનતમ તાપમાન 24.2 ડીગ્રી તથા વડોદરાનું 22.2 ડીગ્રી હતું તે નોર્મલથી 6 ડીગ્રી ઉંચુ હતું. ભુજમાં ન્યુનત્તમ તાપમાન 19.2 ડીગ્રી નોંધાયું હતું તે નોર્મલ કરતા બે ડીગ્રી વધુ હતું.
મહત્તમ તાપમાન પણ નોર્મલ કરતા એક થી બે ડીગ્રી વધુ રહે છે. નોર્મલ મહત્તમ તાપમાન હાલ 33 ડીગ્રી ગણાય છે. તેઓએ કહ્યું કે આગામી 25મી નવેમ્બર આસપાસ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પસાર થશે અને તેના પ્રભાવ હેઠળ 5.8 કિ.મી. તથા તેથી ઉપરના લેવલે ટ્રફ સર્જાવાની શક્યતા છે. ઉપલા લેવલે તોફાની તેજ પવન ફુંકાઇ શકે છે. સામાન્ય રીતે ટ્રફ રાજસ્થાન-પાકિસ્તાન પરથી પસાર થતું હોય છે તે આ વખત ઉત્તર પૂર્વીય રબી સમુદ્ર તથા ગુજરાત પર આવી જવાની શક્યતા છે.
આ ટ્રફ પશ્ચીમથી પૂર્વ તરફ સરકશે અર્થાત કચ્છ, સૌરાષ્ટ્ર તથા ગુજરાત પરથી પસાર થશે. આ ઘટનાક્રમની અસર હેઠળ તા.25થી 27 નવેમ્બર દરમ્યાન રાજ્યમાં એકથી વધુ દિવસ માવઠાની શક્યતા છે.તાપમાનને લાગેવળગે છે ત્યાં સુધી ન્યુનત્તમ તાપમાન નોર્મલથી ઉંચુ જ રહેવાની સંભાવના છે. જો કે, માવઠાના દિવસો વખતે તાપમાન બે ડીગ્રી ઘટી શકે છે. આગાહી સમય દરમ્યાન ઉતર-ઉતરપૂર્વના અર્થાત શિયાળુ પવન ફુંકાશે, જો કે અમુક દિવસોમાં પૂર્વના પવન ફુંકાશે.