મુંબઇ, તા.21 : શેરબજારમાં કેટલાક મહિનાઓથી સળંગ તેજીના દોર અને ખાસ કરીને મીડકેપ-સ્મોલ કેપ શેરોમાં જોરદાર ઉછાળાથી મોટાભાગના ઇન્વેસ્ટરોની કમાણીમાં મોટો વધારો થયો જ છે ત્યારે હજારો કરોડનો પોર્ટફોલીયો ધરાવતા અને ટોચના મોટાભાગના ઇન્વેસ્ટરોની યાદીમાં સ્થાન પામતા અનેક ધૂરંધરોએ તે ડબલ કમાણી કરી છે અર્થાત તેઓનું પોર્ટફોલીયો મૂલ્ય 100 ટકાથી પણ વધુ વધી ગયું છે. શેરબજારમાં ખાસ કરીને ગત એપ્રિલથી સ્મોલકેપ તથા મીડકેપ શેરોમાં સળંગ તેજી રહી છે. સંખ્યાબંધ શેરો ડબલ કે અનેકગણા વધી ગયા છે.
જ્યારે માર્કેટમાં હજારો કરોડના રોકાણ સાથે મોટા પોર્ટફોલીયો ધરાવતા ટોચના વ્યકિતગત ઇન્વેસ્ટરોની સંપતિમાં 8 થી 102 ટકા સુધીનો વધારો થયો છે. ઓછામાં ઓછો 1000 કરોડનો પોર્ટફોલીયો ધરાવતા આવા વ્યકિતગત ઇન્વેસ્ટરોએ રોકડાના શેરોની વર્તમાન તેજીમાં ધરખમ કમાણી કરી છે. ડી-માર્ટ સુપર માર્કેટના સ્થાપક રાધાકિશન દામાણીનું નામ ટોચ પર છે. તેઓનો પોર્ટ ફોલીયો 1.67 લાખ કરોડનો છે. એવન્યુ સુપર માર્કેટમાં બહુમતી હિસ્સો ધરાવતા ઉપરાંત તેઓ વીએમટી ઇન્સ્ટ્રીમાં ઇન્ડિયા સિમેન્ટ, ટ્રેન્ડ સહિતની કંપનીઓમાં હોલ્ડીંગ ધરાવે છે.
સપ્ટેમ્બર કવાર્ટરમાં જો કે, તેઓના પોર્ટફોલીયોમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય સ્વ. રાકેશ ઝુનઝુનવાલાના પરિવારના પોર્ટફોલીયોમાં 37 ટકાની વૃદ્ધિ થઇ છે. એપ્રિલથી સપ્ટેમ્બરમાં 44202 કરોડે પહોંચ્યો છે. કોઇપણ કંપનીમાં 1 ટકા કે વધુનું શેર હોલ્ડરીંગ હોય તેને જ ગણતરીમાં લેવામાં આવી છે. આ ઉપરાંત વિજય કેડીયા, મનીષ જૈન તથા દિલીપકુમાર લખીના પોર્ટફોલીયોનું મૂલ્ય પણ 1000 કરોડને વટાવી ગયું છે. ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના હેમેન્દ્ર કોડારી તથા ઇનામના આકાશ ભણસાલીની પોર્ટફોલીયો વેલ્યૂ સપ્ટેમ્બર ક્વાટર્રમાં ઘટી છે.
આ સિવાયના ટોપ-12 ઇન્વેસ્ટરોની પોર્ટફોલીયો વેલ્યૂ 11 થી 41 ટકાનો વધારો સૂચવે છે. પરમ કેપીટલના મુકુલ અગ્રવાલની પોર્ટફોલીયો વેલ્યુ એપ્રિલથી અત્યાર સુધીમાં 45 ટકાનો વધારો સૂચવે છે. આશિષ ધવન તથા આશિષ કચોલીયાની સંપતિ એપ્રિલથી સપ્ટેમ્બરના છ માસમાં 50 ટકાથી વધારો સૂચવે છે. ભારતીય શેરબજારમાં નાણાવર્ષની શરુઆત એપ્રિલથી તેજીનો માહોલ રહ્યો છે. જો કે, કેટલાંક વખતથી વૈશ્ર્વિક આર્થિક અને ભૌગોલિક ઘટનાક્રમોથી અફડાતફડીનો માહોલ પ્રવર્તી રહ્યો છે.