♦ ખેડૂતોને ખલનાયક ચિતરવાનું બંધ કરવા પણ તાકીદ: દિલ્હી સરકાર રેપીડ ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે નાણા ફાળવે
નવી દિલ્હી:
દિલ્હીમાં પ્રદુષણની સમસ્યા અંગે સુનાવણી સમયે એક તરફ પંજાબ સહિતના રાજયો જે પરાળી સળગાવવાની જે સમસ્યા છે તેને જવાબદાર ગણવામાં આવી હતી તો બીજી તરફ આરઆરટીસી પ્રોજેકટ (રીજયોનલ રેપીડ- ટ્રાન્સપોર્ટ સીસ્ટમ) માટે દિલ્હી સરકાર નાણા નહી આપતી હોવાનું જણાવાતા જ સુપ્રીમ કોર્ટે એક તરફ સતત વધી રહેલા હવાના પ્રદુષણ માટે ખેડૂતોને ખલનાયક ચીતરવાની પ્રવૃતિ પર સખ્ત નારાજગી વ્યક્ત કરી હતી તો બીજી તરફ દિલ્હીની કેજરીવાલ સરકારને આડે હાથે લેતા તેમની પાસે અખબારો સહિતની જાહેરાતો માટે નાણા છે પણ પ્રોજેકટ માટે નાણા નહી હોવાની આકરી ટકોર કરતા ચીમકી આપી હતી કે તમારુ આ જાહેરાતનું બજેટ રોકી લેવાશે અને તે નાણા એટેચ કરીને રાષ્ટ્રીય પ્રોજેકટમાં ઉપયોગમાં લેતા સમયે અચકાશુ નહી. સુપ્રીમે કહ્યું કે પરાલી સળગાવવાનું કોઈપણ સંજોગોમાં રોકાવું જોઈએ પણ તે એક જ સમસ્યા નથી. ખેડુતોને વિલન ચિતરવાનું બંધ થવું જોઈએ. રાષ્ટ્રીય યોજના જે દિલ્હી મેરઠ રેપીડ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ લાંબા સમયથી અટકેલી છે તેના માટે શા માટે દિલ્હી સરકાર નાણા આપતી નથી. સુપ્રીમે પંજાબ સહિતના રાજયોને એકબીજા પર દોષારોપણ નહી કરવા પણ તાકીદ કરી હતી.