રાજકોટ, તા.21
હાલમાં જ રાજકોટ એસટી વિભાગને દિવાળીનું એકસ્ટ્રા સંચાલન ખુબ જ ફળ્યું છે અને આ એકસ્ટ્રા સંચાલન થકી એસટી વિભાગને નોંધપાત્ર કમાણી પણ થવા પામી છે. ત્યાં ફરી હવે જુનાગઢના ગીરનારની તળેટીમાં આગામી દિવસોમાં લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રક્રિમા માટે પણ રાજકોટ એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજકોટ એસટી વિભાગ દ્વારા જૂનાગઢની લીલી પરિક્રમા માટે આવતીકાલ તા.22થી 27 સુધી રાજકોટ સહિતના જુદા જુદા 9 ડેપોમાંથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. એસટી વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે પણ 100 એકસ્ટ્રા બસો લીલી પરિક્રમા માટે દોડાવામાં આવનાર છે. સૌથી વધુ ગોંડલ અને રાજકોટ ડેપો ખાતેથી વધારાની બસો દોડાવવામાં આવશે. જ્યારે અન્ય 7 ડેપોમાંથી પણ ટ્રાફિકની જરુરીયાત અનુસાર એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.