અમદાવાદ તા.21
પંચમહાલના ગોધરા હાઈવે પર બે ખાનગી લકઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત નિપજયા હતા અને 11થી વધુ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોમાંથી અમુકની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.
અમદાવાદથી ઈન્દોર જતી ખાનગી લક્ઝરી બસ ખરાબ થતા રોડ પર ઊભી હતી, ત્યારે જ અચાનક પાછળથી આવતી બસ ધડાકાભેર તેની સાથે અથડાઈ હતી. અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિગતો મુજબ, અમદાવાદથી ઈન્દોર જતી ખાનગી લક્ઝરી બસમાં ખામી સર્જાતા હાઈવે પર જ ઊભી રાખીને રિપેર કરવામાં આવી રહી હતી. આ સમયે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે પાછળથી ટક્કર મારી હતી. જે બાદ ચાલકે બસનો કાબુ ગુમાવતા રોડની બાજુના ખાડામાં તે ખાબકી હતી. તો બસની ટક્કરમાં ઊભેલી લક્ઝરી બસના પાછળના ભાગે બેઠેલા 4 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે બાળકો, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે 11 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસનો કાફળો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં એક બાળક અને બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.