www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠક પર ‘આપ’ ચુંટણી લડશે: કોંગ્રેસ સાથે સમજુતી


◙ લાંબી મથામણ બાદ દિલ્હી ઉપરાંત હરિયાણા, ગુજરાત, ગોવા અને ચંદીગઢ માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત ચુંટણી લડશે

સાંજ સમાચાર

◙ જો કે ભરૂચની બેઠક મુદે હવે અહમદ પટેલ ફેમીલી પર નજર: કોંગ્રેસમાં ભડકાના એંધાણ

નવી દિલ્હી,તા.24
આગામી લોકસભા ચુંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠક સમજુતી થઈ ગઈ છે અને દિલ્હી ઉપરાંત ગુજરાત તેમજ હરિયાણા તથા ચંદીગઢ અને ગોવામાં બંને પક્ષો સાથે ચુંટણી લડશે. જો કે પંજાબમાં હજુ સુધી કોઈ નિર્ણય લઈ શકાયો નથી.

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ 26માંથી 24 બેઠકો પર ચુંટણી લડશે જયારે ભાવનગર અને ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને અપાશે. ભરૂચ બેઠક મુદે કોંગ્રેસમાં સ્વ. અહમદ પટેલના પુત્ર-પુત્રી દ્વારા આ બેઠક લડવા માટે દાવો થયો છે પરંતુ કોંગ્રેસ મોવડીમંડળે ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને ફાળવી દેતા હવે પટેલ ફેમીલી તેમાં કઈ રીતે પક્ષના નિર્ણયને સ્વીકારે છે કે બળવો કરશે તેના પર નજર છે.

ભાવનગરની બેઠક પર આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનશે જયારે ભરૂચ બેઠક પર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ચુંટણી લડાવવા ‘આપ’એ અગાઉ જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં સાત બેઠકોમાંથી કોંગ્રેસ ત્રણ અને આમ આદમી પાર્ટી ચાર બેઠક લડશે.

કોંગ્રેસના મહાસચીવ મુકુલ વાસનિકના જણાવ્યા મુજબ કોંગ્રેસ પક્ષ ચાંદની ચોક, ઉતર, પુર્વ દિલ્હી અને ઉતર પશ્ચિમ દિલ્હીની ચુંટણી લડશે જયારે આમ આદમી પાર્ટી નવી દિલ્હી પશ્ચિમ દિલ્હી અને પુર્વ દિલ્હીની ચુંટણી લડશે.

હરિયાણામાં 10 લોકસભા બેઠકમાંથી કુરુક્ષેત્રની એક જ બેઠક આમ આદમી પાર્ટી લડશે જયારે બાકીની નવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચુંટણી લડશે. ચંદીગઢમાં કોંગ્રેસ પક્ષને ચુંટણી લડવા ‘આપ’ એ સંમતી આપી છે આ જ રીતે ગોવામાં પણ બંને બેઠકો પર કોંગ્રેસ ચુંટણી લડશે.

લોકશાહી બચાવવા બેઠક સમજુતી: તમામ સીટો પર કોંગ્રેસ-આપ કાર્યકરો કામ કરશે
વિધાનસભા પેટાચૂંટણી માટે પણ ગઠબંધન થશે: ઇસુદાન ગઢવી

અમદાવાદ, તા.24
કોંગ્રેસ સાથે ગુજરાતમાં ગઠબંધન મામલે ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું કે સમજુતી મુજબ ‘આપ’ને ભાવનગર તથા ભરૂચ બેઠક ફાળવવામાં આવી છે. પરંતુ કોંગ્રેસ જે 24 બેઠકો લડનાર છે ત્યાં પણ ‘આપ’ના કાર્યકર્તાઓ પુરી નિષ્ઠાથી કામ કરશે. ભરૂચમાંથી ચૌતરફ વસાવા તથા ભાવનગરમાંથી ઉમેશ મકવાણાને ઉમેદવાર તરીકે અગાઉથી જ જાહેર કરી દેવાયા છે.

તેઓએ ચોખવાટ કરી કે વર્તમાન સમજુતી લોકસભા ચૂંટણી માટે છે. વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી માટે હવે નિર્ણય થશે. તેઓએ ઉમેર્યું કે ભાજપને હરાવીને લોકતંત્રને બચાવવા ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો જીતશે. તમામ રાજકીય પક્ષોનું ગઠબંધન થવાના સંજોગોમાં 370 બેઠકો જીતવાનો દાવો કરનારા 170ની વાત પણ ન કરી શકત તેવી ટકોર તેઓએ કરી હતી.

ભરૂચની બેઠક મુદે ફૈઝલ પટેલે પાર્ટી લાઇનમાં જવાની જાહેરાત કરી: પણ મુમતાઝ પટેલ હજુ આક્રમક
મારા પિતાનો વારસો એળે જવા દઇશ નહીં: મુમતાઝની પોસ્ટ: કોંગ્રેસ માટે બેઠક મેળવી ન શકવા બદલ સમર્થકોની માફી માંગી

રાજકોટ, તા.24
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયેલી બેઠક સમજુતી બાદ ભરુચની બેઠક પર દાવો કરનાર પક્ષના દિગ્ગજ નેતા સ્વ. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે એક ચાન્સ લેવા દિલ્હી જઇને તેઓ ભરુચ બેઠક લડવા માંગે છે તેવી રજૂઆત કરવા જાહેરાત કરી છે. તો બીજી તરફ મુમતાજ પટેલે હજુ તેનું આક્રમક વલણ જાળવી રાખ્યું છે અને એક પોસ્ટમાં કહ્યું કે 45 વર્ષથી ભરુચમાં અમારા સ્વ. પિતાનું જે કામ છે તેને એળે જવા નહીં દઇએ.

જો કે કોંગ્રેસના સુત્રોએ જણાવ્યા મુજબ દિલ્હી કક્ષાએ સમજુતી થઇ હોવાથી ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ કોઇ બળવો નહીં કરે. ફૈઝલ પટેલે તો ત્યાં સુધી કહ્યું કે તેઓ પક્ષની લાઇનમાં કામ કરશે. પરંતુ મુમતાઝ હજુ પક્ષના નિર્ણય પર સવાલ ઉઠાવી રહી છે. તેણે પોતાના સમર્થકોની માફી માંગતા કહ્યું કે ગઠબંધનમાં ભરુચ લોકસભા બેઠક કોંગ્રેસ માટે સુરક્ષીત નહીં કરવા બદલ હું કોંગ્રેસના કાર્યકર્તાઓની માફી માંગુ છું પરંતુ સ્વ. અહમદ પટેલનો વારસો એળે જવા દેશું નહીં. હવે તે ક્યું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.

Print