www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરના વેપારી સાથે રાજકોટના ત્રણ ભેજાબાજોની 11.18 કરોડની છેતરપીંડી


ખેતીની જણસોની લે-વેચની લેણી નિકળતી રકમ ચુકતે ન કરી બોગસ બિલ રજૂ કરી હાથ ઉંચા કરી દેતા સનસનાટી: ફરિયાદ થતા આરોપીઓનું પગેરૂ દબાવવા પોલીસની કવાયત

સાંજ સમાચાર

જામનગર,તા.17
જામનગર બ્રાસનું હબ હોવાથી વેપારીઓ સાથે છેતરપીંડીના અવારનવાર કિસ્સાઓ સામેં આવતા હોય છે. આમ વેપારીને ચુનો ચોપડ્યાની ઘટના કોઈ નવી નથી. પરંતુ જામનગરના એક વેપારી સાથે એક... બે નહિ 11.18 કરોડની રકમની છેતરપીંડીની ચોંકાવનારી ઘટના સામે આવતા વેપારી આલમમાં સોંપો પડી ગયો છે.

રાજકોટના ભેજાબાજ 3 આરોપીઓ સાથે જામનગરના વેપારી ખેતીની જણસોના લે, વહેંચ અંગેનો વ્યવહાર ધરાવતા હતા. આ દરમિયાન આશરે 1 વર્ષના હિસાબ લેખે આરોપીઓ પાસેથી વેપારીને 11.18 કરોડ જેવી માતબાર રકમ લેવાની નીકળતી હતી. જે ચૂકતે ન કરી ઉપરાંત આરોપીએ રકમ આપી દીધી હોવાના બોગસ બિલ રજૂ કર્યાનો પણ ધડાકો થયો છે. આ સમગ્ર બનાવ પોલીસ સમક્ષ પહોચતા સનસનાટી મચી ગઇ છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓના પગેરું દબાવવા કવાયત હાથ ધરી છે. 

આ ચોંકાવનારી ઘટનાની પંચકોશી બી. ડીવીઝન પોલીસ ચોપડે નોંધાયેલી વિગત એવી છે કે હિરેનભાઇ વિજયભાઇ કોટેચા જે જામનગરના પારસ સોસાયટી,બંગ્લા નં.બી/67માં રહેતા 39 વર્ષીય યુવાન ખેતીની જણસોના વેપાર સાથે સંકળાયેલ છે. જે જામનગર, હાપા માર્કેટીંગ યાર્ડ રોડ,સેન્ટ્રલ વેરહાઉસની સામે,પ્લોટ નં.1/બી સર્વે નં.19,માં ઓફીસ ધરાવે છે. આ યુવા વેપારીને રાજકોટના મેલી મુરાદવાળા કહેવાતા વેપારીનો ભેટો થઇ જતા તે મોટી છેતરપીંડીનો ભોગ બન્યા છે.

રાજકોટના જલારામ-02,ઇન્દીરા સર્કલ,મોહન ક્રુપામાં રહેતા હેમંતભાઇ મોહનભાઇ દાવડા અને રવીભાઇ હેમંતભાઇ દાવડાએ જામનગરના વેપારી હિરેનભાઇ વિજયભાઇ કોટેચા સાથે વર્ષ દરમિયાન અલગ અલગ સમયે ખેત ઉત્પાદનની જણસોની વહેચાણ અને ખરીદીના સોદા કર્યા હતા અને આ લે-વહેચના સોદાઓને પગલે હિરેનભાઇ વિજયભાઇ કોટેચાને આજદિન સુધી હેમંતભાઇ મોહનભાઇ દાવડા અને રવીભાઇ હેમંતભાઇ દાવડા પાસેથી કુલ રૂ.11,18,28,463 રૂપિયા લેવાના નીકળતા હતા. આ રૂપિયાની ચૂકવણીમા આરોપીઓએ ઠાગાઠેયા કરતા જામનગરના વેપારીએ અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરી હતી. છતાં પણ આ ઉઘરાણીને ન ગણકારી આરોપીઓએ લેણી રકમ ચુકવી ન હતી. વિશ્વાસઘાતના આ ફિલ્મી પ્રકરણમાં હવે એન્ટ્રી થાય છે.

પલકભાઇ કીરીટભાઇ રૂપારેલ રાજકોટના જ ઇન્દીરા સર્કલ પાસે જલારામ-2માં લવ કુશ એપાર્ટ મેન્ટ,ફ્લેટ નં.202માં રહેતા પલકભાઇ કીરીટભાઇ રૂપારેલની. આ વેપારીએ તો તમામ હદ વટાવી જામનગરના વેપારીને વોટ્સેપમા પાંચ કરોડ અઠયાવીસ લાખ છવીસ હજાર એકોતેર રૂપીયા ચૂકવી દીધા હોવાનું એટલે કે આર.ટી.જી.એસ. થી જમા કરાવ્યા હોવાની ત્રણ બનાવટી પોહચો અને ખોટુ બેન્ક સ્ટેટમેન્ટ પણ મોકલી દીધું હતું. આમ રૂપિયા ચાઉ કરી જવાના ઇરાદે આરોપી હેમંતભાઇ મોહનભાઇ દાવડા અને રવીભાઇ હેમંતભાઇ દાવડા અને પલકભાઈએ જામનગરના વેપારી હિરેનભાઇ કોટેચાની લેણી નિકળતી રકમ તેણે ન ચુકવવાના ઇરાદે વિશ્વાસઘાત અને છેતરપીંડિ કરી હોવાનું ચકચારી પ્રકરણ સામેં આવ્યું છે.

એટલું જ નહીં ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને બેન્ક ખાતામા નાણા મોક્લ્યા અંગેની ખોટી પહોચ બનાવી ત્રણે આરોપીઓએ રૂ.11,18,28,463ની છેતરપીંડીનો મામલો પોલીસ મથકે પહોંચતા ખળભળાટ મચી ગયો છે.

આ ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ સામેં કલમ 465, 467, 468, 406, 420, 114 હેઠળ ગુન્હો દાખલ કરી આરોપીઓ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ પ્રકરણની પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પ્રો.આઇ.પી.એસ અજયકુમાર મીણા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Print