www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાવડીમાં કારખાનાની લિફ્ટમાં ફસાઈ જતાં મહિલાના મોત મામલામાં કારખાનેદાર સામે ગુનો નોંધાયો


લીફટ ચારેય બાજુથી ખુલ્લી, કોઇ પ્રોટેકશન જાળી કે સેફ્ટીના સાધનો પણ મુકવામાં આવેલ ન હતાં: તેમજ રીપેરીંગ કર્યા વગર મજૂરોના ઉપયોગમાં લેવાતી હતી: મૃતક મહિલાની પુત્રીની ફરીયાદ પરથી તાલુકા પોલીસે કાર્યવાહી કરી

સાંજ સમાચાર

રાજકોટ. તા.02
વાવડીમાં કારખાનાની લિફ્ટમાં ફસાઈ જતાં મહિલાના મોત મામલામાં કારખાનેદાર સામે મૃતક મહિલાની પુત્રીની ફરીયાદ પરથી તાલુકા પોલીસે સદોષ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે સુત્રાપાડામાં ઘંટીયા (પ્રાચી) ગામે રહેતી ક્રુપાબેન રમેશભાઇ દયાતર (ઉ.વ.24) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પિયુષ દેવચંદ ખૂંટ (રહે. શક્ય હાઇટ્સ, ગોવર્ધન ચોક, 150 ફૂટ રિંગરોડ) નું નામ આપતાં તાલુકા પોલીસે આરોપી વિરૂદ્ધ સદોષ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,તેમના પરીવારમાં પિતા રમેશભાઈ નારણભાઈ દયાતરનું તા.11/07/2010 ના અને માતા ગીતાબેન રમેશભાઇ દયાતરનું તા.15/02/2024 ના રોજ અવશાન થયેલ છે. તેણી ત્રણ બહેનો અને એક ભાઇમાં મોટી છે. તેમની માતા ગીતાબેન અને બહેન પ્રીય બને વાવડી ગેઇટની સામે પી.જી.વી.સી.એલ.ની ઓફીસની સામે શેરી નં-1 માં એડીશન એન્ટરપ્રાઇઝમાં છેલ્લા 23 દિવસથી કામ કરતા હતાં.  ગઇ તા.15/02/2024 ના તેમની બહેન પ્રીયાનો ફોન આવેલ કે, આપળી માતાને કાઇક થઇ ગયેલ છે.

તુ જલ્દી આવ વાત કરી હતી અને દરમિયાન માતાની સાથે કામ કરતાં પ્રીયાબેન બાબરીયાનો ફોન આવેલ કે, તારા મમ્મી લીફટમાં આવી ગયેલ છે આમ વાત કરતા તે માતાના કારખાને પહોચેલ ત્યા જઇને જોયેલ તો ત્યા પોલીસ અને ફાયર બ્રીગેડ ઉભેલ હતી અને જાણવા મળેલ કે, મારા માતા લીફટમાં આવી જવાથી તેમનું મોત થયેલ છે.   

બાદમાં મૃતક સાથે કારખાનામાં કામ કરતી તેની નાની બહેન પ્રીયાએ વાત કરેલ કે, સવારના સમયે  પ્રીયાને પાણી પીવુ હોય અને તે કારખાનામાં ત્રીજા માળે કામ કરતી હતી અને  માતા ગીતાબેન કારખાનામાં નીચે કામ કરતા હોય અને તે પાણીની બોટલ આપવા માટે કારખાનાની અંદર આવેલ માલસામાન ઉપરના માળે લઇ જવાની ઓપન લીફટમાં પાણીની બોટલ લઇ ઉપર આવતા હતા ત્યારે અચાનક તેનું માથુ લીફટ અને બીજા માળની છત વચ્ચે ફસાઇ ગયેલ અને લીફટ પણ બંધ થઇ ગઇ હોય તેમજ લીફટના લોખંડના ભાગ વચ્ચે  માતા ગીતાબેનનું માથુ ફસાયેલ હોય અને લોહી નીકળતુ હતુ. 

વધુમાં ઉમેર્યું કે, મારી માતા જે એડીશન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામ કરે છે તે ત્રણ માળનું કારખાનું છે અને આ ઉપરના માળે જવા આવવા માટેની સીડી કારખાનાની પાછળના ભાગે આવેલ હોય અને આ સીડી ઘર કાયમી માટે બંધ રાખવામાં આવતુ હતુ જેથી કારખાનામાં ઉપરના માળે જવા માટે માત્ર ખુલ્લી લીફટનો જ ઉપયોગ કરવામાં આવતો હતો અને લીફટ ચારેય બાજુથી ખુલ્લી હતી.

તેમાં કોઇ પ્રોટેકશન જાળી મુકવામાં આવેલ ન હતી અને કોઇ સેફ્ટીના સાધનો પણ મુકવામાં આવેલ ન હતા. કારખાનામાં કામ કરતા તમામ મજુરો ઉપરના માળે જવા માટે આ લીફટનો જ ઉપયોગ કરતા હતા. લીફટમાં ગઇ તા.15/02/2024 ના રોજ ખોટવાઇ ગયેલ હતી અને તે દીવસે રીપેર કરવામાં આવેલ અને ફરીથી લીફટનો ઉપયોગ ચાલુ કરી દીધેલ હતો. ઉપરાંત તેની બહેને જણાવેલ કે, કારખાનામાં રહેલ લીફટનું રીપેરીંગ કર્યા વગર તેનો ઉપયોગ ચાલુ કરી દેવામાં આવતા તેમની માતાનું મોત થયું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી પિયુષ ખૂંટની શોધખોળ હાથ ધરી હતી.

Print