www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એલેક્ઝાન્ડર - ધ મેકિંગ ઓફ ધ ગોડ : વન મોર બોરિંગ ડોક્યુડ્રામા


સાંજ સમાચાર

નેટફ્લિક્સ પર તાજેતરમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટના જીવન અને સિદ્ધિઓ પર આધારિત ઐતિહાસિક ડોક્યુડ્રામા, ‘એલેક્ઝાન્ડર - ધ મેકિંગ ઓફ અ ગોડ’ રીલીઝ થઈ છે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટને આપણે સિકંદર તરીકે પણ ઓળખીએ છીએ કે જે ઇતિહાસના સૌથી પ્રખ્યાત અને પ્રભાવશાળી લશ્કરી લીડર્સમાનો એક છે.

જો કે, છ એપિસોડની આ સિઝન મેસેડોનિયન રાજાની જીત અને તેના જીવનનું આકર્ષક અને સચોટ વર્ણન આપવામાં નિષ્ફળ જાય છે અને તેના બદલે ચીઝી મેલોડ્રામા જોવા મળે છે.

આ સીરિઝ સમગ્ર એશિયામાં એલેક્ઝાન્ડર એટલે કે સિકંદર દ્વારા કરવામાં આવેલી ચડાઈ, યુદ્ધો અને સંધિઓ અંગેની માહિતી રજૂ કરે છે. સાથે જ સિરીઝમાં કેટલાક ઐતિહાસિક સંદર્ભ અને વિશ્લેષણ પ્રદાન કરનારા વિદ્વાનોના ઇન્ટરવ્યુઝ પણ છે. જો કે, આ ડોક્યુડ્રામાની સ્ક્રિપ્ટ અત્યંત નબળી છે અને ક્યાંક ક્યાંક તો વાર્તામાં સત્યતાનો અભાવ પણ વર્તાય છે.

એલેક્ઝાન્ડર અને તેના સાથીઓની ભૂમિકા ભજવનારા કલાકારો તેમના ઓરીજનલ ઐતિહાસિક સમકક્ષો જેવા દેખાતા નથી. સિરીઝના ડાયલોગ્સ ક્લિશે અને અનોક્રોનિઝમથી ભરેલા છે. ઐતિહાસિક પાત્રો હોય એટલે સ્વાભાવિક છે કે લોકેશન અને કોસ્ચ્યુમ પર ધ્યાન આપવું અગત્યનું બની જાય.

પરંતુ આ સિરીઝમાં મેકર્સે કોસ્ચ્યુમ અને સેટ પર કામ કરવામાં વેઠ ઉતારી હોય એવું જણાય છે. સિરીઝમાં દર્શાવાયેલા વોર સિન્સ પણ દર્શકોને જકડી રાખે તેવા નથી. આ ઉપરાંત સિરિઝનું એડિટિંગ અને CGIમાં પણ અનેક ખામી રહી ગઈ હોવાનું જણાય છે. 

આ સિરીઝમાં ઇતિહાસના વિદ્વાનો સાથેના ઇન્ટરવ્યૂ માહિતીપ્રદ અને રસપ્રદ છે, પરંતુ આ ઇન્ટરવ્યૂઝ ખૂબ જ સંક્ષિપ્ત છે. વિદ્વાનો એલેક્ઝાંડરના વ્યક્તિત્વ અને સિદ્ધિઓ વિશે કેટલીક વાતો કરે છે, પરંતુ તેઓ તેમની ખામીઓ અને વિવાદોને સ્વીકાર્યા વિના તેનું મહિમાગાન કરતાં રહે છે. આ સીરિઝમાં એલેક્ઝાન્ડરના જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ જેમ કે, શિક્ષણ, તેના પિતા સાથેના સંબંધો, તેનું રહસ્યમય મૃત્યુ વગેરે પર થોડું ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. 

આ સીરિઝ સ્પષ્ટપણે સામાન્ય પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે કે જે કદાચ એલેક્ઝાન્ડરના નામથી કે તેના ઇતિહાસથી પરિચિત ન હોય, પરંતુ આ સીરિઝ સિકંદરના જટિલ અને રસપ્રદ જીવનને સ્પષ્ટ રીતે દર્શાવતી નથી. અને સાથે જ આ સીરિઝ ન તો વિશ્વસનીય ડોક્યુમેન્ટરી છે કે ન તો મનોરંજક ડ્રામા છે. 
[email protected]

કેમ જોવી?:
જો તમે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ વિશે ઇતિહાસના જાણકારો પાસેથી કેટલીક મૂળભૂત હકીકતો અને મંતવ્યો જાણવા માંગો છો તો!
કેમ ન જોવી?:  
જો તમને ધીમી ગતિની ડોક્યુ ડ્રામા પસંદ ન હોય તો!

THIS WEEK ON OTT

1)    નેટફ્લિક્સ - ભક્ષક
2)    એમેઝોન પ્રાઈમ વીડિયો - પપ્પી લવ
3)    ડિઝની +હોટસ્ટાર - આર્યા : અંતિમ વાર
4)    ડિઝની +હોટસ્ટાર - ધ માર્વેલ્સ

Print