www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વેપાર ઉદ્યોગ જગતને મોટી રાહત: MSME સંલગ્ન આવકવેરા કલમ 43બી (એચ)માં 1 વર્ષની મુદત


ગુજરાતના વેપારીઓની રૂબરૂ રજુઆતનો ત્વરીત પડઘો

સાંજ સમાચાર

રાજકોટ તા.12
એમએસએમઈ એકમો પાસેથી ખરીદ કરેલા માલનુ પેમેન્ટ 15 કે 45 દિવસમાં ફરજીયાત બનાવતી આવકવેરાની જોગવાઈમાં એક વર્ષની મુદત આપવામાં આવી છે અને તેનાથી વેપાર ઉદ્યોગકારોમાં મોટી રાહત થઈ છે.

કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે એમએસએમઈ એકમો પાસેથી ખરીદીના વ્યવહારમાં પેમેન્ટ 15 કે 45 દિવસમાં કરવાનુ ફરજીયાત બનાવતી જોગવાઈ આવકવેરા કાયદાની કલમ 43બી(એચ) હેઠળ ફરજીયાત બનાવવામાં આવી હતી. ગત વર્ષના બજેટમાં દરખાસ્ત થઈ હતી અને 1 એપ્રિલ 2023થી જોગવાઈ લાગુ પડી હતી.

ચાલુ નાણાકીય વર્ષ પુર્ણ થવાને આરે આવતા વેપાર ઉદ્યોગમાં મોટો ઉહાપોહ સર્જાયો હતો. કરબોજ વધવાથી માંડીને દંડાત્મક જોગવાઈઓ હોવાથી નાણાંકીય વ્યવહારોને અસર થવા લાગી હતી. ઉપરાંત નવા વેપાર પણ પ્રભાવિત થવા લાગ્યા હતા.

ગુજરાતના વેપાર ઉદ્યોગકારોએ દિલ્હીમાં નાણાંપ્રધાનને રૂબરૂ રજુઆત કરી હતી તેનો હકારાત્મક પડઘો પડયો હોય તેમ સરકારે આ જોગવાઈના અમલમાં એક વર્ષની મુદત આપી છે જેને પગલે વેપાર ઉદ્યોગકારોએ મોટી રાહત અનુભવી છે. વેપારધંધાના વ્યવહારો નોર્મલ થઈ જશે.

 

Print