www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજારમાં તેજીનો રંગ: નિફટી ફરી નવી ટોચે


નિફટીએ 22186ની નવી રેકોર્ડબ્રેક ઉંચાઇ બનાવી: ઓટો, કન્ઝયુમર ડ્યુરેબલ, બેંક-એનબીએફસી જેવા ક્ષેત્રોના શેરો ઝળક્યા

સાંજ સમાચાર

રાજકોટ, તા.19
ભારતીય શેરબજાર ફરી એક વખત રેકોર્ડ બ્રેક તેજીના દોરમાં આવ્યું હોય તેમ આજે નિફટીએ નવી ઉંચાઇ હાંસલ કરી હતી. પસંદગીના હેવીવેઇટ શેરોમાં ધૂમ લેવાલીથી તેજીનો ધમધમાટ હતો.

શેરબજારમાં આજે માનસ તેજીનું હતું. શરુઆત પોઝીટીવ ટોને થઇ હતી. વિશ્વ બજારોના પ્રોત્સાહક અહેવાલો તથા લોકલ કક્ષાએ કોઇ ગંભીર નેગેટીવ કારણો ન હોવાથી રાહત હતી. જાપાન, જર્મનીના આર્થિક સ્લોડાઉનથી ભારત ચાલુ વર્ષે જ વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જવાના આશાવાદ દર્શાવતા રીપોર્ટની સારી અસર હતી.

વિદેશી નાણાં સંસ્થાઓ વખતોવખત નેટ ખરીદી કરી જતી હોવાના આંકડાકીય રીપોર્ટથી તેજીને ટેકો મળતો રહ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે રીટેઇલ ઇન્વેસ્ટરો જ કીંગમેકર હોય તેમ તેજીમાં ચાવીરુપ ભૂમિકા ભજવી રહ્યા છે.

રીટેઇલ ઇન્વેસ્ટમેન્ટને કારણે દરેક ઘટાડે તેજીનો વળાંક આવી જાય છે. અર્થતંત્ર તથા રાજકીય સ્થિરતા તેજી માટેના બે મુખ્ય પરીબળ બની રહ્યા છે અને આવતા દિવસોમાં તેનો પડઘો યથાવત રહી શકે છે.

શેરબજારમાં આજે ઓટોમોબાઇલ્સ ફાર્મા, કન્ઝયુમર્સ ડયુરીબલ જેવા ક્ષેત્રોના શેરો લાઇટમાં રહ્યા હતા. ટાઇટન, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, હિન્દ લીવર, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક બેંક, મહિન્દ્ર, મારુતી, નેસલે, સ્ટેટ બેંક, ગ્રાસીમ, બજાજ ઓટો, બજાજ ફીન સર્વિસ જેવા શેરોમાં ઉછાળો હતો. જ્યારે ટાટા મોટર્સ, ટીસીએસ, એક્સીસ બેંક, ઇન્ફોસીસ, લાર્સન જેવા શેરોમાં ઘટાડો હતો.

શેરબજારમાં આજે મોટાભાગના ક્ષેત્રોના ઇન્ડેક્સ ગ્રીનઝોનમાં રહ્યા હતા. સેન્સેક્સ 316 પોઇન્ટના ઉછાળાથી 72763 હતો તે ઉંચામાં 72881 તથા નીચામાં 72308 હતો. નેશના સ્ટોક એક્સચેંજનો નિફટી ઇન્ટ્રા-ડે 22186ની નવી ઉંચાઇએ પહોંચ્યો હતો. ઉંચામાં 22186 તથા નીચામાં 22021 થઇને કુલ 88 પોઇન્ટના સુધારાથી 22129 સાંપડ્યો હતો.

શેરબજારમાં તેજી વચ્ચે માર્કેટ કેપીટલાઇઝેશનમાં સતત વધારો થતો રહ્યો હતો જે આજે 392.46 લાખ કરોડે પહોંચ્યું હતું. બીએસઇમાં 3980માંથી 2472 શેરો ગ્રીનઝોનમાં હતા. 1353 નબળા હતા અને 458માં તેજીની સીધી સર્કિટ લાગી હતી.

Print