www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્ર યુનિ.નો તત્કાલીન કુલપતિ જોષીપુરાના સમયમાં લાખો-કરોડોનાં ગેર વહીવટ ઓડિટપેરામાં ઉજાગર થયા: કોંગ્રેસ પ્રવકતા રોહિતસિંહ રાજપૂત


ઘોડાના તબેલા માટે રૂા.60 લાખનાં ખર્ચ પછી એકપણ ઘોડો આવ્યો નહીં: ભરતી અને બાંધકામના ખર્ચમાં કરોડો રૂપિયાનાં ગોટાળા

સાંજ સમાચાર

રાજકોટ, તા.12
 

શાસક દ્વારા વહીવટ કરતી વખતે સત્તાના નશામાં રહી અને કરેલ ગેરવહીવટ ગમે ત્યારે બહાર આવતો હોય છે. આવું જ કૈક સૌરાષ્ટ્ર યુનિ. તરીકે છ વર્ષ રાજાશાહી ભોગવનાર કમલેશ જોશીપુરાના કિસ્સામાં પણ બન્યું છે.

કમલેશ જોશીપુરા જ્યારે સૌરાષ્ટ્ર યુનિ.માં કુલપતિ પદે હતા ત્યારે યુનિ.માં ટોળકી રચી ભ્રષ્ટાચાર કર્યો હતો તેવા આક્ષેપો તે વખતે પણ થયા હતા. કોલેજના જોડાણોમાં ભાવપત્રક કોંગ્રેસે તે વખતે બહાર પડ્યું હતું. રજીસ્ટ્રાર ગજેન્દ્ર જાનીની ગેરકાયદેસર નિમણુંક પણ કમલેશ જોષીપુરાના સમયમાં થયેલ હતી. જેને પાછળથી નામદાર ઉચ્ચ ન્યાયાલયે ગેરકાયદેસર માની હતી અને જાનીને ઘર ભેગા કર્યા હતા. લાંબી કાનુની લડાઇ બાદ જોશીપુરા દ્વારા થયેલ જાનીની નિમણુંક ગેરકાયદેસર સાબિત થઇ અને હમણાં જ યુનિ. પર સરકારના ઓડિટ વિભાગ દ્વારા જોષીપુરાના સમયમાં થયેલ બિનકાયદેસર બાંધકામ અને ખોટા ખર્ચની વિગત અમાન્ય ગણવાની જાણ કરવામાં આવી છે.

એનએસયુઆઇને મળેલ વિગતો મુજબ જોષીપુરા દ્વારા થયેલ ગેરકાયદેસર કામની ચિઠ્ઠીમાં આવેલ નાણાંકીય ગેરરીતિનો આંકડો 10 કરોડથી પણ વધુનો થાય છે. સૌરાષ્ટ્ર  યુનિ.ના વર્તમાન કુલસચિવ રમેશ પરમારે એક ગ્રુપમાં આ બધી હકીકતો અપલોડ કરતા ભાંડો ફૂટ્યો હતો. જેની વિગત એનએસયુઆઇને પ્રાપ્ત થઇ છે. તેમ વિદ્યાર્થી નેતા કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે.

પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યા પ્રમાણે સરકારના ઓડિટ વિભાગે કાઢેલી વિગત મુજબ બિનશૈક્ષણિક કર્મચારીઓની ઇન્ટરવ્યુ વગર થયેલ ભરતીથી યુનિ.ને 4.21 કરોડનો ખર્ચ થયો જે ગેરકાયદેસર છે. 4.46 કરોડનો બાંધકામનો ખોટો ખર્ચ કરાયો. જોશીપુરા દ્વારા બાંધકામના સંદર્ભે થયેલ નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા હતા અને તે વખતે પણ કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો દ્વારા વિરોધ કરાયો હતો. વિદ્યાર્થીઓના ફીના પૈસે બનાવેલ કોન્વોકેશનના બિલ્ડીંગનો માંચડો આજે પણ એમજ પડ્યો છે, જેની પાછળ એક કરોડ અને 61 લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ બાંધકામ ખંઢેરની પરિસ્થિતિમાં યુનિ.ના કાયદા ભવનની સામે વણવપરાયેલ પરિસ્થિતિમાં ઉભું છે. શિક્ષણશાસ્ત્ર ભવન પાસે આવું જ વણવપરાયેલ ખંઢેર ઉભું છે તેમાં પણ 25 લાખ રુપિયાનો ખર્ચ થયેલ હતો. આ કામો ટેન્ડર વગર મળતીયા કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યો હતો.

ડ્રગ સેન્ટરમાં 67.29 લાખનું ઇન્ટીરીયર ગેરકાયદેસર કરાયું. આ ઇન્ટિરીયર માટે કોઇ ગ્રાન્ટ ઉપલબ્ધ ન હતી છતાં મળતીયા કોન્ટ્રાકટરો પાસે કામ કરાવ્યું હતું. બાંધકામના કોન્ટ્રાક્ટરના 90.22 લાખ પરત વસુલ કરવાના હતા. આ વસુલાત ના કરી અને જોશુપીરા દ્વારા યુનિ.ને આર્થિક નુકશાન કર્યું તેવું ઓડિટ રિપોર્ટમાં જાહેર થયું છે.

કોન્ટ્રાક્ટરો સાથે સાઠ ગાંઠનો ારોપ તે વખતે તત્કાલીન સિન્ડિકેટ સભ્ય ડો. નીદત્ત બારોટ દ્વારા પણ કરવામાં આવ્યો હતો. ઘોડાના તબેલા માટે ખર્ચાયેલા 60 લાખ રુપિયા પછી એક પણ ઘોડો આવ્યો નહીં. જે તે વખતે તબેલો ચલાવવાનું કામ યુનિ.નું નથી તેવી માંગણી કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો દ્વારા કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે ગેરકાયદેસર થયેલા ખર્ચ પ્રજાના પૈસાનો વ્યય છે એમ ગણી અને આ નાણાં જોશીપુરા પાસેથી વસુલવા જોઇએ તેવી માંગણી છે તેમ પ્રવકતા રોહિત રાજપૂતે જણાવ્યું છે.

 

Print