www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રૂપાલા-ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદમાં જામનગરના પૂર્વ રાજવીનું નવું નિવેદન: મોદીને વડાપ્રધાન બનાવવા અપીલ


સાંજ સમાચાર

♦ લોકશાહી રીતે સજા આપવા રૂપાલાને હરાવવા ગઇકાલે સાંજે આપ્યું હતું નિવેદન: નિવેદનના કલાકો બાદ આજે બપોરે આપ્યું નવું નિવેદન: સમાજના આગેવાનો અને ધર્મગુરૂ સમક્ષ રૂપાલા માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભુષણમ્ એ ધર્મ મુજબ માફી આપવા રાજપુત સમાજને કરી અપીલ: નરેન્દ્ર મોદીએ વિશ્ર્વમાં આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું માન વધાર્યુ: આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા માટેની હોવાની બાબતને ધ્યાને લઇને આગળ વધવું જરૂરી

જામનગર તા.10
 

કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજ દ્વારા ચાલી રહેલાં આંદોલનનું ખુલીને સમર્થન કર્યા બાદ જામનગરના પૂર્વ રાજવી જામસાહેબે આજે એક નિવેદનમાં સમાજના આગેવાનો અને ધર્મગુરૂ સમક્ષ જો રૂપાલા માફી માંગે તો ક્ષત્રિય સમાજે મોટુ મન રાખી માફી આપવી જોઇએ તેમ જણાવ્યું છે.
આજે આપેલા એક નિવેદનમાં જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગઇકાલે મારો પત્ર સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઉપરાંત ધર્મગુરૂઓ અને અન્ય આગેવાનો સાથે આ અંગે મારે વાત થઇ હતી. મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલાં બે વાર માફી માંગી લીધી છે પરંતુ આટલું પુરતું નથી નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરૂઓની સામે માફી માંગવી જોઇએ. જો ફરી એક વાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ‘ક્ષમા વિરષ્ય ભૂષણમ્’ ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.

જામસાહેબે આજના પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદી દેશને ખૂબ આગળ વધારી રહ્યાં છે અને સમૃધ્ધ તથા સુરક્ષિત કરી રહ્યાં છે. તેઓએ આપણાં ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્ર્વમાં માન વધાર્યું છે. આ બાબત ધ્યાને લઇ આપણે આગળ વધવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામસાહેબે ગઇકાલે આપેલા નિવેદનમાં લોકશાહી ઢબે રૂપાલાને સજા આપવા માટે તેઓને ચૂંટણીમાં હરાવી દેવાની રાજપૂત સમાજને અપીલ કરી હતી. પરંતુ આજે મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી છે.

Print