www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાત ઉપરાંત દિલ્હી-હરિયાણામાં કોંગ્રેસ-‘આપ’નું જોડાણ

ગુજરાતમાં બેઠક સમજુતી : કોંગ્રેસ 23-‘આપ’ 3 સીટ લડશે


ભરૂચ-ભાવનગર સહિત ત્રણ બેઠકો ‘આપ’ને સોંપવા કોંગ્રેસ સમંત

સાંજ સમાચાર

અમદાવાદ, તા.22
લોકસભા ચૂંટણી પૂર્વે ઇન્ડયા ગઠબંધન સર્જવાનો પ્લાન સફળ થતો ન હોવાની અટકળો વચ્ચે ગુજરાત સહિત ત્રણ રાજ્યો માટે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી માટે બેઠક સમજાુતી થઇ છે. ગુજરાતમાં 26માંથી 3 બેઠકો ‘આપ’ને આપવામાં આવે તેવા નિર્દેશ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી બાદ કોંગ્રેસ ‘આપ’ સાથે ગુજરાત, હરિયાણા અને દિલ્હી એમ ત્રણ રાજ્યો માટે બેઠક સમજુરી સાધી લીધી છે. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા ‘આપ’ને ત્રણ વિકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ‘આપ’ દ્વારા ભરુચમાં ચોતરફ વસાવા તથા ભાવનગરમાં ઉમેશ મકવાણાને અગાઉથી જ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે.

ત્રીજી બેઠક કઇ ફાળવવામાં આવે છે તેની વિધિવત જાહેરાત કરવામાં આવી નથી. બેઠક સમજુતીને પગલે રસપ્રદ ચૂંટણી જંગ જામી શકે છે. કોંગ્રેસ તરફથી મુમતાઝ પટેલ તથા ફૈઝલ પટેલ પણ ભરુચ બેઠકના દાવેદાર હતા. જ્યારે તેઓના વલણ પર પણ મીટ રહી શકે છે.

ગુજરાત સિવાય દિલ્હી તથા હરિયાણામાં પણ બન્ને પક્ષો વચ્ચે બેઠક સમજુરી થઇ ગઇ હોવાના નિર્દેશ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 તથા કોંગ્રેસ 3 બેઠક પર ઉમેદવાર ઉભા રાખશે. હરિયાણામાં કોંગ્રેસ દ્વારા ‘આપ’ને એક બેઠક આપવામાં આવી છે.

સૂત્રોના કહેવા પ્રમાણે ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ-આપ વચ્ચેની બેઠક સમજુતી વિશે સાંજ સુધીમાં વિધિવત જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે સંગઠિત લડત આપવા માટે વિપક્ષોએ સંયુક્ત રીતે લડવાનો વ્યૂહ અપનાવ્યો હતો અને તે માટે ઇન્ડિયા ગઠબંધનની રચના પણ કરી હતી.

છેલ્લા કેટલાક વખતથી મમતા બેનર્જી, ફારુક અબ્દુલ્લા, મહેબુબ મુફતી જેવા નેતાઓએ વ્યકિતગત રીતે લડવાની જાહેરાત કરી દેતા ગઠબંધનનો ફીયાસ્કો થવાની આશંકા વ્યકત થવા લાગી હતી જ્યારે કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી તથા ત્રણ રાજ્યોમાં ‘આપ’ સાથે બેઠક સમજુતી કરી લીધાના ઘટનાક્રમને સૂચક ગણવામાં આવે છે.

 

 

Print