www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટમાં લોખંડી પહેરો : 4000થી વધુ જવાનોનો બંદોબસ્ત


◙ વડાપ્રધાનના રોડ શો અને જાહેર સભાના પગલે તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ : એસપીજી, એનએસજી, સીએમ સિક્યુરિટી સ્ટાફ, પીએમ સિક્યુરિટી સ્ટાફ, એસઆરપી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, મેટલ ડિટેક્ટર ટીમો ખડે પડે

સાંજ સમાચાર

◙ પોલીસ બોડીવોર્ન કેમેરા, સી.સી.ટી.વી., બાયનોક્યુલર, HHMD, DFMD, વરૂણ, વજ્ર, બેગેજ સ્કેનર જેવા આધુનિક ઉપકરણોથી સજ્જ રહેશે

◙ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી ઉપરાંત 13 આઇપીએસ - એસપી કક્ષાના અધિકારી, 24 ડીવાયએસપી, 64 પીઆઈ, 218 પીએસઆઇ ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ - ટીઆરબી જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે

 

રાજકોટ, તા.24
આવતીકાલે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રેસકોર્ષ ખાતે જાહેર સભા યોજાવાની છે. ઉપરાંત રોડ શો પણ યોજાશે. જેને પગલે રાજકોટમાં સુરક્ષા એજન્સીઓનો લોખંડી પહેરો છે. અહીં 4000થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, વડાપ્રધાનના રોડ શો અને જાહેર સભાના પગલે તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે.

એસપીજી, એનએસજી, સીએમ સિક્યુરિટી ફોર્સ, પીએમ સિક્યુરિટી ફોર્સ, એસઆરપી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, મેટલ ડિટેક્ટર ટીમો ખડેપડે છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી ઉપરાંત 13 આઇપીએસ - એસપી કક્ષાના અધિકારી, 24 ડીવાયએસપી, 64 પીઆઈ, 218 પીએસઆઇ ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ - ટીઆરબી જવાનોનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.

પોલીસ બોડીવોર્ન કેમેરા, સી.સી.ટી.વી., બાયનોક્યુલર, એચએચએમડી, ડીએફએમડી, વરૂણ, વજ્ર, બેગેજ સ્કેનર જેવા આધુનિક ઉપકરણોથી સજ્જ રહેશે. આ અગાઉ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે રેસકોર્ષને જોડતા માર્ગો પર નો એન્ટ્રી અને નો પાર્કિંગ અંગે જાહેરનામું કર્યું હતું. ઉપરાંત સમગ્ર રાજકોટ શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યું હતું.

રાજકોટમાં આજે અને આવતીકાલે રેસકોર્ષ આસપાસના રસ્તાઓ પર નો એન્ટ્રી-નો પાર્કિંગ છે. જેથી રેસકોર્ષ અને જુના એરપોર્ટ રોડને જોડતા રસ્તાઓ તા.24ના રોજ બપોરે 11થી સાંજે 5 વાગ્યા સુધી અને તા.25ના રોજ બપોરે 11થી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ વાહનો માટે બંધ રહેશે. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રોડ શો કરશે અને જંગી સભા સંબોધશે. જેને પગલે સમગ્ર રાજકોટને ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરાયું છે.

આ અંગેના જાહેરનામા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેથી રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રમાંથી રાજકોટમાં આવતા લોકોએ આ પ્રવેશબંધી’ - ’નો પાર્કિંગ’ના રસ્તા જાણી લેવા અગત્યના બને છે.

લગભગ તા.21મીથી એસપીજી અધિકારીઓએ રાજકોટમાં ધામાં નાખ્યા છે. એસપીજી અધિકારીઓએ એડવાન્સમાં સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી. જુના એરપોર્ટથી રેસકોર્ષ સુધી વડાપ્રધાન મોદી રોડ શો કરવાના છે. જેથી રૂટ નિરીક્ષણ કરાયું હતું. સભા સ્થળે લોખંડી બંદોબસ્ત માટે સમીક્ષા કરી હતી. રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયા હતા હતી. વડાપ્રધાન ઉપરાંત અન્ય વીઆઇપીની હાજરી રહેવાની હોવાથી બંદોબસ્ત માટે પ્લાન તૈયાર કરાયો છે.

સુપરવિઝન માટે 13 જેટલા આઇપીએસ-ડીસીપી કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. આ સિવાય 24 ડીવાયએસપી, 64 પીઆઈ, 218 પીએસઆઇ, એએસઆઈ - હેડ કોન્સ્ટેબલ - કોન્સ્ટેબલ મળી 2450 કર્મી, 591 ટીઆરબી, 554 હોમગાર્ડ, 76 એસઆરપી જવાનો છે. મુખ્યત્વે  વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ (એસ.પી.જી.) સંભાળે છે. અગાઉ એસપીજીના 6 અધિકારીઓની ટીમ રાજકોટ આવી હતી. ઉપરાંત બીજી ટીમો શુક્રવારે કે શનિવારે આવી છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન 1 સજનસિંહ પરમાર,  ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઇ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી ટ્રાફિક પુજા યાદવ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, એસીપી સર્વે બી.વી.જાધવ, બી.વી.પંડયા, આર.એસ. બારીયા, બી.જે.ચૌધરી, એસીપી ટ્રાફિક જે.બી.ગઢવી, એસીપી એમ.આઇ.પઠાણ, વિશાલ એમ.રબારી ઉપરાંત ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એસઓજી પીઆઈ જે.એમ.કૈલા, પીસીબી પીએ એસ.એસ.રાણે, પીઆઈ વી.આર.પટેલ, એસ.બી.ઝાલા, એમ.બી.મકવાણા, આર.જી.બારોટ, એસ.એમ.જાડેજા, એન.જી.વાધેલા, એમ.એમ.સરવૈયા, જે.આર.દેસાઇ, બી.એમ.ઝણકાટ, બી.ટી.અકબરી, ડી.એમ.હરિપરા, વી.આર.રાઠોડ, આઇ.એન.સાવલીયા, એન.આઇ.રાઠોડ, એ.બી.જાડેજા, જે.એસ.ગામીત, એસ.કે.જાડેજા ,બી.બી.જાડેજા, બી.પી.રજયા, એમ.જી.વસાવા, એમ.એ.ઝણકાટ, કે.જે.મકવાણા સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાશે.

 

બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડનું ચેકીંગ

 

આજે રેસકોર્ષ મેદાન ખાતે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. સમગ્ર સભા સ્થળ, સ્ટેજ, વીઆઇપી એરિયા, વીવીઆઇપી એરિયા, સામાન્ય બેઠક વ્યવસ્થા સહિતના એરિયમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.

 

એસપીજી દ્વારા રિહર્સલ યોજાયું : વડાપ્રધાન આવતીકાલે એઇમ્સ હોસ્પિટલથી સીધા રાજકોટના જુના એરપોર્ટ ખાતે આવશે. અહીંથી રેસકોર્ષ સભા સ્થળ સુધી રોડ શો યોજાશે. આજે એસપીજી અને તમામ સુરક્ષા એજન્સી, પોલીસ તંત્ર અને સાથે જુદા જુદા કાર્યો માટેના નોડલ ઓફિસરો દ્વારા સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું.      (તસવીર : દેવેન અમરેલીયા)

 

Print