www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દ.આફ્રિકાથી જોડીયાનાં ઈશાકે લોકેશન મોકલી હેરોઈન વેરાવળ ઉતાર્યુ હતું: મોટુ નેટવર્ક ખુલ્યું


તમામ આરોપીઓની 13 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ: ડ્રગ્સનું પાર્સલ રાજકોટ સુધી પહોંચાડવાનું હતું: બોટ માલીકની સર્તકર્તાથી કરોડોનું હેરોઈન જપ્ત: નેટવર્કનાં તાર અન્ય દેશો સુધી હોવાનો પર્દાફાશ

સાંજ સમાચાર

વેરાવળ,તા.24
વેરાવળમાં ગઈકાલે નલીયા ગોદી વિસ્તારમાં કાર અને બોટમાંથી રૂ।.250 કરોડના હેરોઈન સાથે બોટતા ટંડેલ સહિત 9ની ધરપકડ બાદ તપાસમાં દક્ષિણ આફ્રિકાથી જોડીયાનો ઈશાકે લોકેશન મોકલી માલ ગુજરાતના વેરાવળ દરીયા કાંઠે પહોંચાડવા જણાવ્યું હોવાની વિગતો ખુલતા આ રેકેટના તાર વિદેશ સુધી જોડાયા હોવાનું ખુલ્યુ છે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 13 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ ચાલી રહી છે. હજુ રિમાન્ડ દરમિયાન ચોંકવનારી વિગતો ખુલે તેવી શકયતા છે.

એ.ટી.એસ., એસ.ઓ.જી., એલ.સી.બી., એન.ડી.પી.એસ., મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ઘમધમાટ હાથ ધર્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ ઘટસ્ફોટ થવાની શકયતા વર્તાઈ રહી છે. આ પર્દાફાશમાં બોટ મલિકની સતર્કતાએ ડ્રગ્સ માફિયાઓના મનસૂબાને નાકામ કર્યાની વિગતો સામે આવી છે.ગુજરાતના સમુદ્રને દેશદ્રોહી પ્રવૃત્તિ માટે ડ્રગ્સ માફિયાઓ નિશાન બનાવી રહ્યા છે

ત્યારે આ ઘટના ક્રમ અંગે ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા એ પ્રેસ કોંફોરન્સ કરી માહિતી આપતા જણાવેલ કે, ગઈ કાલે અમને બાતમી મળી હતી કે વેરાવળ બંદર પર ફિશીંગ કરી આવીને લાંગરેલ એક ફિશિંગ બોટમાં શંકાસ્પદ નશીલો પદાર્થ આવ્યો છે.

જે બાતમીના આધારે એસ.ઓ.જી. પીઆઈ એ.બી.જાડેજા, એલ.સી.બી.પીઆઈ એમ.એન.રાણા, જે.બી.ગઢવીના નેજા હેઠળ તાત્કાલિક જુદી જુદી ટિમો બનાવી કામે લગાડી હતી. દરમ્યાન પ્રથમ ફિશિંગ બોટમાંથી એક ફોર વહીલ કારમાં ડિલિવરી કરાયેલ 25 કિલો હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે જામનગરના આસીફ ઉર્ફે કારા જુસબભાઇ શમા તથા અરબાજ અનવર પમાની અટક કરી પૂછપરછ કરતા ફિશિંગ બોટમાં સંતાડેલ વધુ 25 કિલ્લો જથ્થો મળી આવતા કુલ 50 કિલો હરોઇન ડ્રગ્સના પેકેટોનો જથ્થો મળી આવેલ હતો. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 250 કરોડથી વધુ છે. ફિશીંગ બોટમાંથી એક સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય કોલ પણ આવેલાનું જાણવા મળ્યુ હતુ.

વધુમાં બોટનો ટંડેલ ધર્મેન્દ્ર બુધ્ધીલાલ કશ્યપ એક વર્ષથી એક વ્યક્તિના વોટસએપના માધ્યમથી સંપર્કમાં હતો. જેથી ગત તા.26-2-2024 રોજ ઓમાનની દરિયાઇ હદમાં ફિશીંગ કરી રહેલ ટંડેલ ધર્મેન્દ્રનો અજાણ્યા શખ્સે કોન્ટેક કરીને આશરે 1700  કીલો મચ્છી મફતમાં આપવાની સાથે બે બાચકા પાર્સલના આપેલ જે ગુજરાતના બંદરે પહોચાડવા માટે રૂા.50 હજાર મળશે તેવી લાલચ આપી હતી. બાદમાં બંન્ને બાચકા લઈ ગત રાત્રીના બોટ વેરાવળ બંદર પહોંચતા લાંગરી હતી.

બાદમાં વોટસએપથી મળેલ સુચના મુજબ ધર્મેન્દ્રની બોટ પાસે આસીફએ મુકેલ કારમાં એક બાચકુ મુકી દીધેલ હતુ. જો કે રૂા.50 હજાર ન આપ્યા હોવાથી બીજુ બાચકું બોટમાં સંતાડી દીધેલ જે પણ બાદમાં કબ્જે કરવામાં આવ્યુ હતુ.આ રેકેટના પર્દાફાશમાં (1) ઓપીએટ ડેરીવેટીવ (મોર્ફીન, હેરોઇન, કોકેઇન)નો જથ્થાનું કુલ વજન-50015 ગ્રામ જેની કુલ કી.રૂા.250 કરોડ, (2) ફીશીંગ બોટ કિ.રૂા.10 લાખ, (3) મારૂતિ કાર રજી.નં. જી.જે. 03 એ.સી. 7697 કી.રૂા.50 હજાર, (4) 3 મોબાઇલ ફોન, (5) એક સેટેલાઇટ મળી કુલ રૂા.250 કરોડ 18 લાખ 12 હજારના મુદામાલ જપ્ત કર્યો છે.

આ જથ્થાની સાથે મુખ્ય આરોપીઓ, આસીફ ઉર્ફે કારા જુસબભાઇ શમાં ઉ.વ.24, રહે.બેડેશ્વર, હાઉસીંગ બોર્ડ, રૂમ નં.-40,  અરબાજ અનવર પમા ઉ.વ.23 રહે. ગુલાબનગર, ગૌષિયા મસ્જિદ પાસે જામનગર વાળા તથા, ધરમેન બુધ્ધીલાલ કશ્યપ ઉ.વ.30, રહે.મહમદપુર નરવાલ, જી.કાનપુર-ઉતરપ્રદેશ વાળાની અટક કરી છે. જ્યારે અનુજ મુકેશ કશ્યપ, અમન શ્રીદિનાનાથજી કશ્યપ ઉ.વ.23, રજ્જનકુમાર ભગવાનદીપ મીસાર ઉ.વ.19, વિષ્ણુ શંકરનિસાદ નીસાર ઉ.વ.25, રોહિત સુખુભાઇ નિશાર ઉ.વ.20, રાહુલ ગોરેલાલ કશ્યપ/ગૌડ ઉ.વ.20 તમામ રહે.કાનપુર ઉત્તરપ્રદેશ વાળાઓએ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.

આ મામલે હાલ એ.ટી.એસ., એન.ડી.પી.એસ., એસ.ઓ.જી., એલ.સી.બી. મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ રેકેટના તાર ક્યાં ક્યાં દેશો સાથે જોડાયેલ છે તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે, આજે થયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીના રેકેટના તાર વિદેશના અનેક દેશો સાથે જોડાયેલા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

પોલીસની થિયરી મુજબ ડ્રગ્સનો જથ્થો આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી ટંડેલને અપાયો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડો થવાની સાથે ચોંકાવનારા ખુલાસા થનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ડ્રગ્સ પકડનાર પોલીસ અધિકારી-ટીમનું સન્માન કરાશે: જીતુભાઈ કુહાડા
ખારવા સમાજના પટેલ જીતુભાઈએ પોલીસની કામગીરીને બિરદાવી

વેરાવળ દરીયા કિનારે થી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડતા એસ પી મનોહરસિહ જાડેજા અને તેમની ટીમનો ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાએ બિરદાવી છે.

ગુજરાત તેમજ ભારત દેશનાં યુવા ધનને બરબાદ કરતો નશીલો (ડ્રગ્સ) પદાર્થ જે વેરાવળ બંદરનાં દરીયા માંથી ઝડપાયો છે, અમે તો માત્ર નિમીત બનીને પોલીસ તંત્રને જાણ કરી પરંતુ ગણતરીની મિનિટોમાં ગીર સોમનાથ જિલ્લાનાં એસ.પી. મનોહરસિંહ જાડેજા સ દ્વારા  પોતાની સમગ્ર ટીમને પેટ્રોલીંગ માં લગાડી અને 300 કરોડ રૂપિયા થી વધુનાં નશીલા (ડ્રગ્સ) પદાર્થ સાથે 9 આરોપીઓ ને ઝડપી પાડયા છે.

આ વેરાવળ બંદર વિસ્તારનો ઇતિહાસ હશે, આ બાબતે ગુજરાતમાં વસવાટ કરતા માચ્છીમારી ખારવા સમાજ વતી હું પટેલ વેરાવળ સમસ્ત ખારવા સમાજ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ગીર સોમનાથ જિલ્લાનાં એસ.પી. મનોહરસિંહ જાડેજા  તેમજ તેમની સમગ્ર ટીમ અને LCB વિભાગ નાં પી.આઇ. અરવિંદસિંહ જાડેજા અને SOG વિભાગનાં પી.આઇ.અને તેમની ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છુ, અને અમો વેરાવળ સમસ્ત ખારવા અને વેરાવળ પાટણ (સોમનાથ) હિન્દુ સેવા સમાજ દ્વારા આ તમામ અધિકારી અને તેમની ટીમનું ટૂંકમાં સન્માન કરવાનાં છીએ.

Print