www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભાની બાકીની ચાર- ધારાસભાની પાંચ પેટાચૂંટણી માટે મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ દિલ્હી ગયા બાદ રાજીનામાની જાહેરાત

વડોદરા ભાજપમાં અસંતોષની જવાળા ઉગ્ર: MLA પદેથી કેતન ઈનામદારનું રાજીનામું


◙ સાવલીના ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષને ઈ-મેલ કરી ‘આત્માના અવાજ’ને અનુસરી રાજીનામુ આપી રહ્યા હોવાનું જણાવ્યું

સાંજ સમાચાર

◙ વિરોધનું કારણ લોકસભા માટે રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રીપીટ કરાયા હોવાની ચર્ચા: ડો. જયોતિ પંડયા બાદ બીજા મોટા નેતા મેદાનમાં: ભરતી મેળા પણ કારણ

રાજકોટ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે જ ભાજપમાં ભરતી મેળાથી ટિકીટ-વહેચણી તથા ઉમેદવારની પસંદગી મુદે ગુજરાત ભાજપનું એ.પી.સેન્ટર બનવા જઈ રહેલા વડોદરામાં સીટીંગ સાંસદ રંજનબેન ભટ્ટને ફરી ટિકીટ અપાતા અને 2022માં વિધાનસભા ચુંટણીમાં ભાજપના જ ઉમેદવાર સામે ચુંટણી લડવા તથા હારેલા-જીતેલા તમામને ફરી ભાજપમાં કેસરીયા ખેસ પહેરાવવા સામે હવે નારાજગી ભડકો બન્યા છે.

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે વિધાનસભામાંથી રાજીનામાપત્ર અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મોકલી આપ્યો છે અને એક તરફ સૌરાષ્ટ્ર સહિત ચાર લોકસભા બેઠક તથા રાજયમાં યોજાનારી પાંચ ધારાસભા પેટાચૂંટણીના ઉમેદવારો અંગે મોવડીમંડળ સાથે ચર્ચા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ દિલ્હીમાં ગઈકાલે હતા તે સમયે જ કેતન ઈનામદારે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને અંતરઆત્માના અવાજને ‘માન’ આપીને તેઓ ધારાસભ્યપદેથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવીને રાજીનામુ સ્વીકારી લેવા જણાવ્યું હતું.

પરંતુ આ રાજીનામા બાદ હવે વડોદરા ભાજપમાં વધુ આંચકા લાગશે તેવા સંકેત છે. લોકસભા ચૂંટણીમાં પક્ષે ઉમેદવાર પસંદગીમાં જે રીતે ‘મિનિટો’ની સેન્સથી અગાઉની નિશ્ચિત ઉમેદવારો જ કાર્યકર્તાઓ તથા નેતાઓ પર થોપી દીધા છે તેની સામે અનેક બેઠકો પર ગણગણાટ છે પણ વડોદરામાં પુર્વ મેયર ડો. જયોતિબેન પંડયાએ તો ખુલ્લી રીતે રંજનબેન ભટ્ટનો વિરોધ કરીને અવાજને વાચા આપી પછી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. 

આ બાદ જીલ્લા ભાજપમાં પણ બેન્કની ભરતીથી લઈને બરોડા ડેરીના ભાજપના વહીવટ સામે પણ પ્રશ્ન ઉઠયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રંજનબેન ભટ્ટનો વિરોધ વ્યાપક છે અને વાઘોડીયાના પુર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ વિરોધનો સૂર કાઢીને મજબૂત ઉમેદવાર ઉભો રાખવાની તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે.

ઈનામદાર લાંબા સમયથી નારાજ
વડોદરા ભાજપમાં જે જૂથવાદ છે તેમાં સાંસદ રંજનબેન ભટ્ટ મોવડીમંડળની નજીક હોવાથી તેઓ ધાર્યુ કરાવી લેતા હોવાની ફરિયાદ થઈ હતી તો બીજી તરફ ભાજપે ભરતી મેળામાં જે રીતે તેમની સામે જ ચુંટણી લડેલા કોંગ્રેસના કુલદીપસિંહ રાઉલજી ને પણ હાલ ભાજપમાં લઈ લેવાતા તેઓ નારાજ હતા. આ ઉપરાંત ચાર વર્ષ પુર્વે બરોડા ડેરી જ વહીવટ મુદે પણ તેઓએ નારાજગી દર્શાવીને રાજીનામું આપ્યું હતું.

તેઓએ પ્રદેશ કક્ષાએ તથા સરકારમાં પણ તેમની ઉપેક્ષા થતી હોવાનું સતત લાગ્યુ છે પણ હવે લોકસભા ચૂંટણીમાં જે રીતે રંજનબેન ભટ્ટને ફરી ઉમેદવાર બનાવાયા તેની સામે તેઓએ નિર્ણાયક સ્થિતિ બનાવી છે. હવે ગુજરાત ભાજપ આ પરીસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરે છે તેના પર નજર છે.

ઈનામદારે રાત્રીના બે વાગ્યે મેઈલ કર્યો હોવાનો દાવો: હજું રાજીનામુ મળ્યુ નથી: વિધાનસભા સચીવ
હવે પાટીલ ડેમેજ કંટ્રોલ કરશે: રૂબરૂ સહી થાય તો જ રાજીનામુ સ્વીકારાય

રાજકોટ: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આપેલુ રાજીનામુ હજુ અધ્યક્ષે સ્વીકાર્યુ નથી. શ્રી ઈમાનદારે રાત્રીના બે વાગ્યે ઈ-મેલથી રાજીનામુ મોકલ્યુ છે. વિધાનસભા સચીવ ડી.એમ.પટેલે રાજીનામુ મળ્યુ હોવાનો ઈન્કાર કર્યો હતો. જયારે નિયમ મુજબ રાજીનામાપત્રમાં અધ્યક્ષની રૂબરૂમાં જે તે ધારાસભ્ય સહી કરે પછી જ તે સ્વીકારાય છે તો હવે પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ ગાંધીનગર પરત આવે પછી તેમાં નારાજ ઈનામદારને મનાવશે તેવા સંકેત છે.

રંજનબેન ભટ્ટનો વિરોધ, ભરતી મેળા સામે નારાજગી: વડોદરા ભાજપમાં હજુ અનેક નેતાઓ ‘શાંત’ બેઠા છે
પુર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ બહાર આવે તેવા સંકેત: મજબૂત નેતા ગણાતા ઈનામદાર અપક્ષ અને ભાજપની ટિકીટ પર ત્રણ વખત ધારાસભામાં ચુંટાયા હતા

રાજકોટ: 
ગુજરાતમાં તમામ 26 બેઠકો પાંચ લાખથી વધુ મતેથી જીતવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નિશ્ર્ચિત કરેલ લક્ષ્યાંકમાં જે રીતે પક્ષમાં ભરતીમેળા ચાલી રહ્યા છે તેની સામે હવે અત્યાર સુધીનો ગણગણાટ મોટો અવાજ બનવા લાગ્યો છે. કેતન ઈનામદારના રાજીનામા પાછળ આ જ ભરતીમેળો અને રંજનબેન ભટ્ટની પુન: લોકસભા બેઠક માટે પસંદગી થઈ તે કારણ ગણાય છે.

હાલમાં જ ભરતીમેળામાં 2022માં કેતનભાઈએ જેને હરાવ્યા હતા તે કોંગ્રેસના કુલદીપસિંહ રાઉલજીને ભાજપે પક્ષમાં ભેળવી લીધા અને ભવિષ્યમાં તે કેતન ઈનામદાર સામે જ પડે તેવી શકયતા પણ દર્શાવાઈ રહી હતી અને હજુ વડોદરામાં પુર્વ ધારાસભ્ય અને એક સમયે મહેસુલમંત્રી જેવો દબદબો ભોગવતા રાજેન્દ્ર ત્રિવેદી પણ શાંત બેઠા છે અને તેઓ પણ થોડા સમયમાં બહાર આવે તેવી ધારણા છે.

બીજી તરફ સાવલી તાલુકામાંથી રાજીનામાનો દૌર શરુ થઈ ગયો છે. તાલુકા ભાજપ પ્રમુખે રાજીનામુ આપી દીધુ છે. કેતનભાઈ ઈનામદાર એ એક મજબૂત નેતા ગણાય છે. 2017 અને 2022માં તેઓ ભાજપની ટિકીટ પર ચુંટાયા પણ અગાઉ 2012માં અપક્ષ તરીકે પણ ચુંટાયા હતા અને અગાઉ પણ તેઓએ બરોડા ડેરીના વિવાદમાં રાજીનામુ આપ્યુ હતું.

 

 

Print