www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રૂપાલા-ભાજપ તથા ક્ષત્રિય સમાજના વિવાદમાં આગામી સપ્તાહ ‘નિર્ણાયક’

ભાજપના શક્તિ પ્રદર્શન પૂર્વે ક્ષત્રિયો તાકાત દેખાડશે: 14મીએ રાજકોટમાં મહાસંમેલન


રૂપાલા 16મીએ ફોર્મ ભરે તેના 48 કલાક પૂર્વે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન; કન્વીનર રમજુભાની જાહેરાત: ભૂતકાળમાં ક્યારેય ન થઇ હોય તેટલી લાખોની હાજરી થવાનો દાવો: રાજવી પરિવારોને પણ આમંત્રણ અપાશે

સાંજ સમાચાર

રાજકોટ,તા.10
ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદાસ્પદ વિધાનો સાથે ક્ષત્રિય સમાજનું આંદોલન હવે વધુ ઉગ્ર બનવાના એંધાણ હોય તેમ રાજકોટમાં તા.14ના રોજ અસ્મિતા મહાસંમેલન બોલાવવામાં આવ્યો છે તેમાં રાજયભરમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટશે તેવો દાવો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજવી પરિવારોને પણ મહાસંમેલનમાં હાજરી આપવા આમંત્રણ અપાનાર છે.

રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદાસ્પદ વિધાનો મામલે છેલ્લા એકાદ પખવાડીયાથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. રેલી-આવેદન-સંમેલન સહિતના કાર્યક્રમોમાં રૂપાલાની ટિકીટ રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

ક્ષત્રિય સંકલન સમીતીના કન્વીનર રમજુભા જાડેજાએ આજે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તા.14 એપ્રિલે સાંજે 5 વાગ્યે રતનપર મંદિર સામેના મેદાનમાં અસ્મિતા મહાસંમેલન યોજાશે. અત્યાર સુધીમાં કયારેય ન થયુ હોય તેટલુ વિશાળ મહાસંમેલન હશે. સમાજના કોર સમીતીના તમામ નેતાઓ તથા રાજયભરમાંથી સમાજના લોકો ઉમટશે. મહાસંમેલનમાં સંખ્યા હજારોમાં નહીં પણ લાખોમાં હશે.

વિવાદાસ્પદ વિધાનોની સજારૂપે રૂપાલાની ટિકીટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ કરી છે. ભાજપ દ્વારા આ માંગ સામે ‘નહીં ઝુકવાનો’ મિજાજ અપનાવવામાં આવ્યો છે ત્યારે આંદોલન ચાલુ જ છે. રમજુભાઈએ કહ્યું કે રાજયભરમાં આંદોલન ચાલુ છે અને રૂપાલાની ટિકીટ રદ થતા સુધી તે અટકવાનું નથી આજે પાટણ, ધ્રાંગધ્રા, મુદ્દા જેવા શહેરોમાં સંમેલન-રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સાયકલયાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજાય રહ્યા છે.

તેઓએ કહ્યું કે, રવિવારના રાજકોટ મહાસંમેલન ક્ષત્રિય સમાજની તાકાતનો પરચો આપવામાં આવશે. રાજવી પરિવારોને પણ તેમાં આમંત્રણ આપવામાં આવનાર છે.
રૂપાલાના વિધાનો સામે ક્ષત્રિય સમાજનું આંદોલન રાજકોટથી જ શરૂ થયુ છે. રૂપાલાની રાજકોટની બેઠકના ઉમેદવાર હોવાથી આંદોલનનુ એપી સેન્ટર રાજકોટ જ છે ત્યારે સમાજ દ્વારા મહાસંમેલન માટે રાજકોટની જ પસંદગી કરવામાં આવી હોવાનું સૂચક છે.

રાજકીય વર્તુળોના કહેવા પ્રમાણે રાજકોટની બેઠક પરથી પરસોતમ રૂપાલા શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવાના છે. ઉમેદવારી નોંધાવે તે પૂર્વે બહુમાળી ચોકમાં હજારો કાર્યકરોની હાજરીમાં શક્તિ પ્રદર્શન કરવામાં વ્યૂહ અપનાવ્યો છે પરંતુ તે પૂર્વે જ ક્ષત્રિય સમાજે તાકાતનો પરચો બતાવવાની રણનીતિ અપનાવ્યાનું સૂચક છે.

ક્ષત્રિય સમાજનું મહાસંમેલન તથા ભાજપ ઉમેદવારની ઉમેદવારી જેવા બે મહત્વપૂર્ણ ઘટનાક્રમ હોવાથી આવનારુ સપ્તાહ આ લડાઇમાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ દ્વારા ગત સપ્તાહમાં રાજકોટમાં કોર કમીટીની બેઠક યોજીને આંદોલનની રૂપરેખા ઘડવામાં આવી હતી અને ત્યારે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની શરુઆત થાય.

ત્યારે 12મી એપ્રિલ બાદ આંદોલનનો પાર્ટ-ટુ શરુ કરવામાં આવશે. આ સંજોગોમાં 14મીના મહાસંમેલનમાં વધુ ઉગ્ર કાર્યક્રમો જાહેર થવાનો ઇન્કાર થતો નથી. ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં ભાજપ વિરોધી મતદાન કરવાની ચેતવણી આપવામાં આવી જ છે. માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ પ્રત્યાઘાતો પડવાની ચીમકી આપી છે.

 

Print