www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નર્મદાના પાણી, ચેકડેમ જેવા કારણોથી કૃષિની ‘પેટર્ન’ બદલાઈ

ત્રણ દાયકામાં પાક પેટર્નમાં મોટો બદલાવ: રોકડીયા પાકમાં મોટો વધારો


♦ કઠોળ-અનાજના સ્થાને રોકડીયા-બાગાયતી પાકનો ટ્રેન્ડ વધ્યો:

સાંજ સમાચાર

♦ સૌરાષ્ટ્રમાં તેલીબીયાનું વાવેતર ઘટયુ-ઉતર ગુજરાતમાં વધ્યું

♦ સૌરાષ્ટ્રમાં રોકડીયા પાકનું વાવેતર 166 ટકા વધ્યું; બાગાયતીનું 77 ટકા ઘટયુ

અમદાવાદ તા.12
 નર્મદા યોજનાં ચેકડેમ જેવી યોજનાઓથી ઉનાળા સુધી સિંચાઈનું પાણી ઉપલબ્ધ બનવા લાગતા ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં પાકની પેટર્ન બદલાઈ ગઈ છે. ખેડૂતો સરળતાથી વર્ષમાં બે પાક લેતા થયા છે. કઠોળ અને અનાજનાં સ્થાને રોકડીયા તથા બાગાયતી પાક તરફનો ઝોક વધી ગયો છે.

1990 નાં દાયકામાં ઘઉં સહીતનાં અનાજ તથા એરંડા જેવા પાક લેતા ખેડૂતો હવે રોકડીયા તથા બાગાયતી પાક તરફ વધુ રસ ધરાવે છે. છેલ્લા ત્રણ દાયકામાં અનાજના વાવેતરમાં સરેરાશ 41 ટકા તથા તેલીબીયા વાવેતરમાં 17 ટકાનો ઘટાડો છે. કઠોળમાં 9 ટકાનો ઘટાડો છે તેની સામે રોકડીયા પાકનાં વાવેતરમાં 78 ટકા તથા બાગાયતી વાવેતરમાં 122 ટકાના વધારો થયો છે.

દાંતીવાડાની એસ.ડી.કૃષિ યુનિવર્સીટીનાં એસોસીએટેડ પ્રોફેસર કે.પી.ઠાકર તથા ટીમ દ્વારા અભ્યાસ રીપોર્ટ પ્રકાશીત કરવામાં આવ્યો છે. તેમાં 1982-83 થી 2013-18 સુધીનાં જીલ્લાવાર વાવેતરનાં આંકડાઓનું આકલન કરવામાં આવ્યું છે.

રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે પાક પેટર્નમાં બદલાય પાછળ અનેક કારણો જવાબદાર છે.પાણીની ઉપલબ્ધતા બજાર ભાવનો ટ્રેન્ડ, ન્યુનતમ સમર્થન મુલ્ય તથા કૃષિ ક્ષેત્રે નવા સંશોધનોના આધારે ખેડુતો પાક વાવેતરમાં બદલાવ કરતા રહ્યા છે.નર્મદાનું પાણી ઉપલબ્ધ થવા લાગ્યાનું એક મોટુ પરિબળ છે. 2018 પછી કચ્છ તથા ઉતર ગુજરાતમાં પાક પેટર્નમાં બહી મોટો બદલાવ થયો છે.

રાજય કૃષિ વિભાગના પુર્વ ડાયરેકટર બી.આર.શાહે કહ્યું કે રોકડીયા તથા બાગાયતી પાકમાં ઓછા પાણીની જરૂર છે.રાજયના અનેક ભાગોમાં સિંચાઈ માટે હજુ પર્યાપ્ત પાણી મળતુ નથી એટલે ખેડુતો અન્ય પાકમાં ઓછો રસ લ્યે છે અનાજ વાવતા ખેડુતો અનેક વખત રોકડીયા પાક અથવા શાકભાજી કે ફ્રુટમાં હાથ અજમાવી લે છે.

અભ્યાસ રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે 1982 થી 2018 દરમ્યાન ઉતર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં ક્ષેત્રોમાં રોકડીયા પાકમાં વૈવિધ્યકરણની ઝડપ વધી છે. ઉતર તથા દક્ષિણ ગુજરાત તથા કચ્છમાં સૌથી વધુ વળાંક બાગાયતી પાક તરફ આવ્યો છે.

કેટલા અને કેવા બદલાવ?
◙ મધ્ય ગુજરાતમાં છેલ્લા 33 વર્ષમાં અનાજનાં વાવેતરમાં માત્ર બે ટકાનો બદલાવ
◙ 33 વર્ષમાં મધ્ય ગુજરાતમાં કઠોળના વાવેતરમાં 20 ટકા તથા ઉતર ગુજરાતમાં 21 ટકાનો ઘટાડો
◙ ઉતર ગુજરાતમાં તેલીબીયા વાવેતરમાં 76 ટકાનો વધારો જયારે સૌરાષ્ટ્રમાં 44 ટકાનો ઘટાડો
◙ સૌરાષ્ટ્રમાં રોકડીયા પાકનાં વાવેતરમાં 166 ટકાની વૃધ્ધિ જયારે મધ્ય ગુજરાતમાં 24 ટકાનો ઘટાડો
◙ દક્ષિણ ગુજરાતમાં બાગાયતી વાવેતરમાં 265 ટકા તથા ઉતર ગુજરાતમાં 214 ટકાની વૃધ્ધિ થઈ છે.જયારે સૌરાષ્ટ્રમાં 77 ટકાનો ઘટાડો થયો છે.

Print