www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ક્રાઈમ રેટ ઘટાડવા માટે એડવાન્સ ટેકનોલોજી આધારિત મહત્વાકાંક્ષી સિસ્ટમ લાગુ થશે

‘બિગ બ્રધરની વોચ’! ‘ક્રાઈમ હોટસ્પોટ’ પર હવે રાઉન્ડ ધ કલોક સર્વેલન્સ અને ચેતવણી


અમદાવાદમાં 76 હોટસ્પોટ પર પાયલોટ પ્રોજેકટ શરૂ: સૌથી વધુ ગુના બનતા હોય તેવા સ્થળોએ ચોવીસેય કલાક વોચ ઉપરાંત લાઉડસ્પીકરથી લોકોને ‘સાવધ’ કરાશે: ફેસ રિકોગ્નીશન’ના આધારે ગુનેગાર ઓળખાઈ જશે

સાંજ સમાચાર

અમદાવાદ તા.13
રાજકોટ સહિત રાજયના મોટાભાગના શહેરોમાં વધતા ક્રાઈમ રેટ વચ્ચે હવે ગુનાખોરી રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. ગુનાખોરીનું પ્રમાણ જયાં વધુ હોય તેવા વિસ્તારોને ‘હોટ સ્પોટ’ ગણીને ચોવીસેય કલાક સીસીટીવી મારફત વોચ રાખવામાં આવશે. ઉપરાંત હોટસ્પોટ વિસ્તારોમાં જતા-ફરતા લોકોને લાઉડસ્પીકર મારફત એલર્ટ રહેવાના સંદેશા પણ પાઠવવામાં આવશે. ચોરી, ખિસ્સા કપાવા, બાળતસ્કરી, મહિલાઓની છેડતી જેવા ગુનાઓ રોકવાના આશય સાથેનું આ ‘ટેકનોલોજી સર્વેલન્સ’ અમદાવાદમાં શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.

‘બીગ બ્રધર ઈઝ વોચિંગ યુ’ (મોટાભાઈની નજરમાં છો)ની જાણીતી કહેવતના આધારે આ સમગ્ર પ્રોજેકટ લાગુ કરાયો છે અને તેમાં લોકોની સુરક્ષા તથા પોલીસની સતર્કતા વધારવાનો ઉદેશ રાખવામાં આવ્યો છે. અમદાવાદમાં ભીડભાડવાળા અને સૌથી વધુ ગુના બનતા હોય તેવા 76 સ્થળો (હોટસ્પોટ) ઓળખવામાં આવ્યા છે.

જેના પર પોલીસ કમિશ્ર્નર કચેરીએથી જ સીસીટીવી મારફત ચોવીસેય કલાકની વોચ રહેશે. સાથોસાથ ઓફિસમાં બેઠા-બેઠા જ સુરક્ષા જવાનો સંભવિત અપરાધ સામે લાઉડસ્પીકરથી સંદેશો આપશે. આ નવી સીસ્ટમનો પાયલોટ પ્રોજેકટ અમલમાં મુકી દેવામાં આવ્યો છે અને લોકસભા ચૂંટણી બાદ સંપૂર્ણ રીતે કાર્યાન્વિત કરી દેવામાં આવશે.

અમદાવાદ પોલીસના એક સીનીયર અધિકારીએ કહ્યું કે પોલીસ કમિશ્ર્નર ઓફીસ સ્થિત કંટ્રોલરૂમમાંથી જ તમામ 76 હોટસ્પોટ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવશે. સંભવિત અપરાધ કે શંકાસ્પદ ગતિવિધિના સંજોગોમાં લાઉડસ્પીકર પરથી સમાંતર ચેતવણી પણ આપવામાં આવશે. પોલીસ દ્વારા એલર્ટના સંદેશાથી લોકો વધુ સાવધ થઈ શકશે. ઉપરાંત સંબંધીત વિસ્તારમાં પોલીસ ટીમો પણ સતર્ક થઈને તાબડતોડ પગલા લઈ શકશે.

અધિકારીએ કહ્યું કે જાહેર સ્થળ પર પોલીસની નજર સતત હોવાની હકીકતથી વાકેફ નાગરિકો વધુ સુરક્ષિત લાગણીનો અહેસાસ કરી શકશે. સાથોસાથ અપરાધીઓમાં પણ બીક સર્જાશે. કોઈપણ ઘટના વખત પોલીસ ટીમ પણ તાબડતોડ પહોંચી જશે.

સૂત્રોના કહેવા પ્રમાણે ભીડભાડવાળી માર્કેટો, બસ ડેપો, રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થાનો, ફરવાના સ્થળો જેવા સ્થાનોથી હોટસ્પોટ તરીકે ગણના કરાશે. આ સ્થળોએ મહિલાઓ, વૃદ્ધો, બાળકોની સંખ્યા વધારે રહેતી હોય છે અને ગુનાખોરી માટે આસાન હોય છે. નાગરિકોની સુરક્ષા માટે આ સ્થળોને સંવેદનશીલ ગણીને હોટસ્પોટની ગણતરીમાં લેવાયા છે. આ પ્રોજેકટની ‘ટ્રાયલરન’ શરૂ પણ કરી દેવામાં આવી છે.

પોલીસના સીનીયર અધિકારીએ કહ્યું કે ગુનાખોરી ડામવાની પહેલમાં એડવાન્સ-આધુનિક ટેકનોલોજી સુરક્ષાનુ નવુ- વધારાનું સ્તર બનશે. ભીડભાડવાળી કે જાહેર જગ્યાએ રીઢો ગુનેગાર હોય તો ‘ફેસ રિકોગ્નીઝન’ના આધારે તુર્ત સ્ક્રીન પર તેની વિગતો આવી જશે. લાઉડસ્પીકર પર પબ્લીકને સાવધ કરવાની સાથોસાથ જે-તે વિસ્તારની પોલીસને પણ મેસેજ જશે અને તેના દ્વારા આગમચેતીના કદમ ઉઠાવાશે.

આધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી સામાન્ય ગુનાઓને અટકાવવામાં ઘણી મદદ મળશે. બાળકો ગુમ થવાના બનાવો પણ રોકી શકાશે છતા અમુક પડકાર પણ છે તે દુર કરવાના પ્રયત્નો હાથ ધરાયા છે. સ્ક્રીન પર જવાન વોચ રાખી રહ્યા હોય અને ત્યારે જ કોઈ સીનીયર ઓફીસર સ્ક્રીન ચાલુ કરે તો જવાન સંબંધીત સ્થળ જોઈ શકતો નથી અને સર્વેલન્સ અવરોધાઈ જાય છે. આ ખામી સહિત કેટલાંક વિધ્નો દુર કરવાનું પડકારજનક છે.

Print