www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાજતે-ગાજતે નોંધાવી ઉમેદવારી

ધાનાણી દંપતી રૂા. 3.34 કરોડની સ્થાવર-જંગમ મિલ્કતના આસામી : એક પણ ગુનો કે ફોર વ્હીલ નથી


♦ પરેશભાઇ પાસે રૂા. 1.40 લાખ અને પત્ની વર્ષાબેનના હાથ પર રૂા. 1.56 લાખની રોકડ

સાંજ સમાચાર

♦ બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલ છે : ગાંધીનગરમાં પ્લોટ તેમજ અમરેલી, ચાંદગઢ, ચાંચાઇમાં ખેતીની જમીન

♦ રૂા. 25 લાખના વડીલોપાર્જીત સોનાના દાગીના ધરાવે છે 

♦ સમાજ સેવા અને ખેતીનો મુખ્ય વ્યવસાય : ડમી તરીકે ડો.હેમાંગ વસાવડાનું નામાંકન

રાજકોટ, તા. 19
રાજકોટ લોકસભાની બેઠક ઉપર આજે ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાજતે-ગાજતે પોતાનું ઉમેદવારી ફોર્મ ટેકેદારો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી સમક્ષ રજૂ કરી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ તેમના ઉમેદવારી ફોર્મ સાથે  પોતાની આવક અને સ્થાવર-જંગમ મિલ્કત જાહેર કરતી એફીડેવીટ પણ રજૂ કરી હતી.

કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલા એફીડેવીટમાં તેઓ તેમજ તેમના પત્ની વર્ષાબેન ધાનાણીના નામે રૂા.3.34 કરોડની સ્થાવર-જંગમ મિલ્કત હોવાનું ઉલ્લેખ કર્યો છે. જેમાં પરેશ ધાનાણી પાસે રૂા.1.40 લાખ અને તેમના પત્ની વર્ષાબેન ધાનાણી પાસે રૂા.1.56 લાખની હાથ પર રોકડ દર્શાવવામાં આવી છે. 

પરેશ ધાનાણીએ બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલ છે. તેમજ તેમના નામે એક પણ ફોર વ્હીલ નથી કે તેઓની  સામે એક પણ ગુનો દાખલ થયેલ નથી. પરેશ ધાનાણીએ વર્ષ 2022-23માં 12,59,510નું આઇટી રીટર્ન દર્શાવેલ છે. આ ઉપરાંત પરેશ ધાનાણી બેંકમાં રૂા.55,88,059ની રોકાણ અને બચત ધરાવે છે તેમજ પરેશ ધાનાણી પાસે  રૂા. 7.92 લાખની કિંમતના 120 ગ્રામ સોનાના દાગીના છે. 

જયારે તેમના પત્ની વર્ષાબેન ધાનાણી પાસે રૂા. 17.16 લાખના 260 ગ્રામ સોનાના દાગીના છે. પરેશ ધાનાણી ધારીના ચાંચાઇ તેમજ અમરેલીના ચાંદગઢ, અમરેલીમાં ખેતીની જમીન ઉપરાંત ગાંધીનગરમાં પ્લોટ ધરાવે છે. આ મિલ્કતની કિંમત રૂા.1,10,14,000 થવા જાય છે. 

પરેશ ધાનાણીએ બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલ છે. તેમનો સમાજ સેવા અને ખેતીનો મુખ્ય વ્યવસાય છે જયારે  તેમના પત્ની વર્ષાબેન ટયુશન કરાવે છે. પરેશ ધાનાણીના નામે રૂા. 55.88 લાખની અને તેમના પત્ની વર્ષાબેનના નામે 88.13 લાખની જંગમ મિલ્કત હોવાનો એફીડેવીટમાં ઉલ્લેખ કરાયો છે. 

આ ઉપરાંત પરેશ ધાનાણી પાસે રૂા. 1.10 લાખ અને તેમના પત્ની વર્ષાબેન પાસે રૂા.1.50 લાખની સ્થાવર મિલ્કત છે. પરેશ ધાનાણીએ તેમના ટેકેદારો સાથે આજે ધામધુમથી જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે તેમની સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની ઓફિસમાં તેમના  ટેકેદાર અને દસ્ખાસ્ત કરનાર તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી, વશરામભાઇ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, પૂર્વ ધારાસભ્ય માધાભાઇ ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમયે પરેશ ધાનાણીના ડમી તરીકે ડો.હેમાંગ વસાવડાએ પણ તેમનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી પ્રભવ જોશી સમક્ષ રજૂ કર્યુ હતું.  આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો સર્વશ્રી મહેશ રાજપૂત, અશોક ડાંગર, ડો.રાજદીપસિંહ જાડેજા, મુકુંદભાઇ ટાંક, મયુરસિંહ પરમાર, અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, હિતેષ વોરા, સંજય અજુડીયા, કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી, હરપાલસિંહ જાડેજા, ગોપાલભાઇ અનડકટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Print