www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ટંકારામાં: વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ


♦ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200માં જન્મોત્સવની ઉજવણીમાં હાજરી: રાજયપાલ તથા મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

સાંજ સમાચાર

♦ મહર્ષિના જીવન દર્શનને ઉજાગર કરતા પ્રદર્શન ખંડની મુલાકાત લીધી: 15 એકરમાં નિર્માણ થનારા જ્ઞાનજયોતિ તીર્થની જાણકારી મેળવી

રાજકોટ તા.12
 મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200માં જન્મોત્સવ- જ્ઞાન જયોતિ પર્વ સ્મરણોત્સવની ઉજવણીમાં ભાગ લેવા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ટંકાર આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સમારોહ સ્થળ કરશનજીના આંગણા ખાતે નિર્મિત યજ્ઞશાળામાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતી અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી મંગલકામના વ્યકત કરી હતી. આ મંગલ અવસરે કન્યા કુરુકુલ વારાણસીના પ્રાધ્યાપકો તથા છાત્રાઓએ મહાનુભાવોએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા.

યજ્ઞમાં આહુતિ આપ્યા પછી રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ મહર્ષી દયાનંદ સરસ્વતીજીના જીવન દર્શનને ઉજાગર કરતા પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી અને મહર્ષિના વિચારો અને સમાજ ઉત્થાનના કાર્યોથી પરિચીત થયા હતા. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ પ્રદર્શન ખંડની વિગતો આપી હતી.

ટંકારા ખાતે 15 એકરમાં નિર્માણ પામનારા જ્ઞાન જયોતિ તીર્થની પ્રતિકૃતિના માધ્યમથી રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આ તીર્થમાં નિર્મિત થનારા સંશોધન કેન્દ્ર સ્કૂલ પુસ્તકાલય રમણીય પરિસર વગેરેની વિગતવાર જાણકારી આપી હતી.

આ પ્રદર્શન ખંડમાં રાષ્ટ્ર નિર્માણ માટે દયાનંદ સરસ્વતીજીએ ખેડેલા પ્રવાસને નકશાના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો છે. દયાનંદ સરસ્વતીજીના જીવન પ્રસંગોને ચીત્રોમાં અને તેમની સાથે જોડાયેલા ઐતિહાસિક સ્મૃતી સ્થળોને પણ વિગતો સાથે પ્રદર્શીત કરવામાં આવ્યા છે. મહર્ષિના નારી શિક્ષા અને મહિલા સશકિતકરણના વિચારો ઉપરાંત વેદોમાં રહેલા વિજ્ઞાન ઉપર પ્રકાશ ફેંકતા વિચારો વગેરે આ પ્રદર્શન ખંડમાં દર્શાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ઉષ્માભેર આવકાર આપ્યો હતો. આર્ય સમાજના સુરેશચંદ્ર આર્ય, પદ્મશ્રી પૂનમ સુરી, વિનય આર્ય, સુરેન્દ્રકુમાર આર્ય, અજય સહગલ, પ્રકાશ આર્ય સહિતના અગ્રણીઓ આર્ય સમાજ સંસ્થાનના ટ્રસ્ટીઓ સ્વયંસેવકો અને કાર્યકર્તાઓએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને ઉષ્માભેર આવકાર્યા હતા. માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ આર્ય સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથેની સ્મૃતિ સમૂહ તસ્વીરમાં અંકિત કરાવી હતી.

Print