www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

201 એકરમાં રૂ.1195 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 250 બેડની AIIMS હોસ્પિટલની સૌરાષ્ટ્રવાસીઓને મળી ભેંટ

વડાપ્રધાન મોદીએ ગુજરાતની પ્રથમ એઈમ્સનું રાજકોટમાં લોકાર્પણ કર્યું


વડાપ્રધાનએ એઈમ્સ પરિસર તેમજ આઈ.પી.ડી.વિભાગનું નિરીક્ષણ કર્યું : તબક્કાવાર થતી કામગીરી અંગે માહિતી મેળવી: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથે જોડાયા

સાંજ સમાચાર

રાજકોટ, તા.26 
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટના પરા પીપળીયા પાસે રૂ. 1195 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં તેઓએ એઈમ્સમાં આઈ.પી.ડી.નું નિરીક્ષણ કર્યું હતું તેમજ અહીં ઉપલબ્ધ વિવિધ મેડિકલ સારવાર સુવિધાઓ અને વ્યવસ્થાઓ નિહાળી વિગતવાર જાણકારી મેળવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બપોરે દ્વારકાથી હવાઈમાર્ગે રાજકોટ એઈમ્સ આવ્યા હતા. બાદમાં તેઓએ એઈમ્સ પરિસરમાં બનેલા ઓ.પી.ડી. સહિતના વિવિધ વિભાગો તેમજ સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ આઈ.પી. ડી. બિલ્ડિંગ ખાતે પહોંચ્યા હતા. અહીં એઈમ્સની તકતી અનાવરણ કર્યા બાદ રીબીન કાપીને, ગુજરાતની પ્રથમ એઈમ્સને લોકોને સમર્પિત કરી હતી. 

પ્રધાનમંત્રી મોદીએ એઈમ્સ હોસ્પિટલના ભવિષ્યના વિકાસની બ્લુપ્રિન્ટ એવા મોડેલનું અને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની  તેમજ ભારતની પ્રાચીન ચિકિત્સા પરંપરાથી લઈને જીનેટિક ટેકનોલોજી સુધીની સફરની ઝાંખી કરાવતી ટેપેસ્ટ્રીનું નિરીક્ષણ કર્યું હતું.

આ સાથે હોસ્પિટલના વિવિધ વિભાગો, ઓપરેશન થિયેટર તેમજ આઈ.પી. ડી.ની મુલાકાત લઈને વિવિધ વ્યવસ્થાનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. એઈમ્સ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. સી.ડી.એસ કટોચે વડાપ્રધાનને એઈમ્સના વિવિધ વિભાગોની જાણકારી આપી હતી.

આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્ચ સચિવ રાજકુમાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ અપૂર્વા ચંદ્રા, નેશનલ હેલ્થ મિશનના મિશન  ડાયરેક્ટર સુશ્રી રેમ્યા મોહન, રાજકોટ એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર પુનિત અરોરા વગેરે સાથે જોડાયા હતા.

Print