www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોઠારીયામાં વ્યાજખોરોનો આતંક: યુવકને ત્રણ શખ્સોએ ઢોર માર માર્યો


40 ટકા તોતિંગ વ્યાજ પડાવી પઠાણી ઉઘરાણી કરી યુવકને કારખાનામાં લઈ જઈ ધોકા-પાઈપથી ફટકાર્યો: યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો

સાંજ સમાચાર

રાજકોટ,તા.23
કોઠારીયામાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. ત્રણ વ્યાજખોરોએ યુવાન પાસેથી 40 ટકા તોતિંગ વ્યાજ પડાવી પઠાણી ઉઘરાણી કરી કારખાનામાં લઈ જઈ ધોકા-પાઈપથી ઢોર મારમારતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

બનાવની વિગત મુજબ કોઠારિયા ગામમાં રહેતા કલ્પેશભાઈ વલ્લભભાઈ ડાવરા (ઉ.વ.35) ગઈકાલે સાંજના છ વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે હતાં ત્યારે ઘસી આવેલા સંજય ગઢવી, મયુર ગઢવી અને પંકજ ઢોલરીયાએ ઝઘડો કરી તેને બાઇકમાં ઉઠાવી પંકજ ઢોલરીયાના કારખાને લઈ જઈ ઢીકાપાટુ અને ધોકા-પાઇપથી ઢોર મારમાર્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

વધુમાં ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે અને ત્રણ વર્ષ અગાઉ રૂ.ત્રીસ હજાર સંજય ગઢવી પાસેથી 40 ટકા વ્યાજે લીધા હતા. જેમાંથી વ્યાજે લીધેલ પૈસા પૈકી સાડા ચાર લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. છતાં પણ રૂ. 1.60 લાખની માંગણી કરતો હતો. જે પૈસા નહિ ચૂકવતા ગત તા.21 એ સાંજે સંજય ગઢવી, મયુર ગઢવી અને પંકજ ઢોલરિયા ત્રણેય કોઠારીયા ગામે આવી બાઇકમાં પંકજ ઢોલરિયાના કારખાનાએ ઊઠાવી ગયા હતાં. જ્યાં પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

 

Print