ગુજરાતમાં શાંતિપૂર્ણ રહેલા મતદાન દરમ્યાન ચોંકાવનારો બનાવ

‘EVM તો આપણા બાપનું...’ ભાજપ નેતાએ ‘બૂથ કેપ્ચર’ કરીને ‘લાઇવ સ્ટ્રીમીંગ’ કર્યું

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Ahmedabad | 08 May, 2024 | 03:56 PM
દાહોદ જીલ્લાની ઘટના : ભાજપ ઉમેદવારની તરફેણમાં બોગસ વોટીંગ પણ કર્યું : વીડીયો વાઇરલ થતાં ચૂંટણી તંત્ર પણ સ્તબ્ધ : વિજય ભાભોર સહિત બે શખ્સોની અટક : પંચે રીપોર્ટ માંગ્યો
સાંજ સમાચાર

અમદાવાદ, તા.8
ગુજરાતમાં શાંતિપૂર્વક સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીના મતદાન દરમ્યાન દાહોદ જિલ્લામાં ‘બૂથ કેપ્ચરીંગ’નો સનસનીખેજ બનાવ બન્યાનો ખુલાસો થયો છે. બે ખોફ બનેલા ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે ‘ઇવીએમ તો આપણા બાપનું  છે’ તેવા સમગ્ર કૃત્યને ‘ઇન્સ્ટાગ્રામ’ પર લાઇવ કર્યું હતું. આ ઘટનાનો રીપોર્ટ મંગાવ્યો છે. ભાજપ નેતાના પુત્ર સહિત બે શખ્સોની અટકાયત કરીને ધનિષ્ટ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ ચોંકાવનારી ઘટના વિશે બહાર આવેલી વિગતો પ્રમાણે દાહોદ સંસદીય મતક્ષેત્રમાં સંતરામપુર તાલુકાના પરથમપુર ગામના મતદાન બુથમાં ત્રાટકીને ભાજપ નેતાના પુત્રએ બોગસ વોટીંગ કરવા સાથે બૂથ કેપ્ચરીંગનો પ્રયાસ કર્યો હતો. ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખના પુત્ર વિજય ભાભોર સહિત બે શખ્સોના નામ બહાર આવ્યા છે.

પરથમપુરના મતદાન મથકમાં ઘુસેલા વિજય ભાભોરે બુથ કેપ્ચરીંગ કર્યા બાદ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સમગ્ર ઘટનાને લાઇવ પણ કરી હતી એટલું જ નહીં અન્ય લોકો સાથે મળીને ભાજપના ઉમેદવારની તરફેણમાં બોગસ વોટીંગ પણ કર્યું હતું.

આ સમગ્ર ઘટના લાઇવ થતા અને વીડીયો વાઇરલ થતાં કોંગ્રેસના ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી અને તેના આધારે સમગ્ર બનાવનો ખુલાસો થયો હતો. વાઇરલ વીડિયોમાં ભાજપ નેતાના પુત્ર એવું બોલતા પણ સંભળાય રહ્યા છે કે ‘ઇવીએમ તો આપણા બાપનું છે’.

દાહોદમાં બૂથ કેપ્ચરીંગના બનાવ અંગે મહી સાગર જીલ્લા કલેક્ટરે જણાવ્યું કે, વીડિયોમાં બોગસ વોટીંગ થઇ રહ્યાનું પણ માલુમ પડ્યું છે. વીડિયોમાં બે શખ્સો દેખાય રહ્યા છે. પોલીસે તેઓની અટક કરી લીધી છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે ચૂંટણી પંચ દ્વારા રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે. આખરી નિર્ણય ચૂંટણી પંચ જ લેશે.

સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ બનેલા મતદાનમાં દાહોદની આ ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. કોઇ અનિચ્છનીય બનાવો ન બને તે માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં ચૂસ્ત સુરક્ષા પણ રાખવામાં આવી હતી. પરંતુ ભાજપ નેતાના પુત્રએ બેખોફ બનીને આ કૃત્ય આચર્યું હતું.

મતદાન મથકમાં મોબાઇલ લઇ જવા પર પણ પ્રતિબંધ હતો છતાં મતદાન મથકનો કબ્જો લઇને લાઇવ સ્ટ્રીમીંગની આ ઘટનાથી ચૂંટણી તંત્ર પણ સ્તબ્ધ છે. આ મામલે હવે કેવા પગલા લેવામાં આવે છે તેના પર મીટ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj