ગુજરાતના મોટાભાગના સેન્ટરોમાં ફરી ‘સૂર્યકોપ’ શરૂ થઈ ગયો

આશ્ચર્ય! કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરમાં ‘વરસાદી છાંટા’

Gujarat, Saurashtra | Bhavnagar | 26 April, 2024 | 11:46 AM
વલ્લભવિદ્યાનગરમાં સૌથી વધુ 42 ડીગ્રી તાપમાન: હજુ આકરો તાપ યથાવત રહેવાની આગાહી
સાંજ સમાચાર

રાજકોટ તા.26
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વખત કાળઝાળ ગરમીનો દોર શરૂ થયો છે અને અનેક સેન્ટરોમાં તાપમાન 40 ડીગ્રીને વટાવી ગયુ છે ત્યારે ભાવનગરમાં એકાએક વરસાદી છાંટો વરસતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

ભાવનગરમાં આજે સવારે એકાએક હવામાનપલ્ટો અનુભવાયો હતો. ધૂપ-છાંવના વાતાવરણ વચ્ચે ગરમી આકાશમાંથી વરસાદી છાંટા વરસતા માર્ગો ભીના થઈ ગયા હતા. હવામાનપલ્ટા વચ્ચે સવારનુ ન્યુનતમ તાપમાન 28 ડીગ્રી નોંધાયુ હતું. 46 ટકા ભેજ સાથે 12 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો.

બીજી તરફ જામનગરમાં મહતમ તાપમાનમાં 35.5 ડિગ્રી થતાં ગરમીનું જોર વધ્યું છે. ખાસ કરીને બપોરના સમયે આકારા તાપનો અનુભવ લોકો કરી રહ્યા છે. જો કે, પવનના કારણે સવારે અને રાત્રીના વાતાવરણમાં ઠંડક અનુભવાઇ રહી છે. જામનગરમાં ઉનાળામાં પુન: ધીમે ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.

છેલ્લાં બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાતા 35.5 ડીગ્રીએ પહોંચી ગયો હતો. આથી ખાસ કરીને બપોરના સમયે ગરમીમાં વધારો થયો હતો. પરંતુ તીવ્ર ગતિએ પવન ફૂંકાતા વહેલી સવારે અને સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.

જામનગરમાં  સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 35.5 ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 9 કિ.મી.ની રહી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 8 ટકા વધીને 83 ટકા રહ્યું હતું. હજુ પણ ગરમી અને ઠંડકના કારણે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે.

હજુ પણ વહેલી સવાર અને રાત્રિના ઠંડા પવનને કારણે અને બપોરે આકરાં તાપથી ઠંડી, ગરમીની મિશ્ર ઋતુથી શહેરમા તાવ, શરદી, ઉધરસનો વાયરલ રોગચાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે ઘેર ઘેર આ કેસ જોવા મળતા હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા છે.

અમદાવાદમાં ગઈકાલે 41.3 તાપમાન નોંધાયું હતું. જ્યારે 42 ડિગ્રી સાથે આજે વલ્લભ વિદ્યાનગર સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. બપોરે 2થી 4 દરમિયાન અસહ્ય તાપ હોવાથી રોડ-રસ્તા પર પણ લોકોની અવર-જવર ઓછી નજરે પડી હતી. મહત્ત્વનું છે કે, હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આગામી 7 દિવસ ગરમી પડશે અને તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાતા આંકડા મુજબ, ગુજરાતમાં વલ્લ વિદ્યાનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે અમદાવાદમાં તાપમાન 41.3 નોંધાયુ હતું. 

ગુજરાતમાં અન્ય શહેરની વાત કરીએ તો વડોદરામાં તાપમાન 41, અમરેલીમાં 40.4, ડીસામાં 40, ભુજમાં 39, સુરતમાં 38 અને રાજકોટમાં 40.7 ડિગ્રી નોંધાયુ હતું. હિંમતનગરમાં 41.6, ગાંધીનગરમાં 41 ડિગ્રી અને ભાવનગરમાં 37.5 ડિગ્રી તેમજ છોટા ઉદેપુરમાં 40.2 તથા સુરેન્દ્ર નગરમાં 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj