ગુજરાતમાં સફળ ઉમેદવારોની સંખ્યા વધી: ગત વર્ષે 16, આ વખતે 25

UPSCમાં ઉતીર્ણ ટોપ-100માંથી ગુજરાતના 3

India, Gujarat | Ahmedabad | 17 April, 2024 | 03:01 PM
1143 પોસ્ટ માટે 1016 ઉમેદવારોનું મેરીટલીસ્ટ
સાંજ સમાચાર

અમદાવાદ: યુનિયન પબ્લીક સર્વિસ કમીશન (યુપીએસસી) દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસીસ (મેઈન) એકઝામમાં મેઈન પાસ કરનારા ઉમેદવારોના પર્સનલ ઈન્ટરવ્યુની પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ આજે ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

જાહેર કરાયેલા મેરિટમાં સમાવેશ કરાયો છે તેવા ઓલ ઈન્ડીયા રેન્કમાં 1016 ઉમેદવારોમાં ગુજરાતના કુલ 25 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઓલ ઈન્ડીયાના પ્રથમ 100 રેન્કમાં રાજયના ઉણ ઉમેદવારોએ સ્થાન મેળવ્યું છે. રાજયમાં પ્રથમ ક્રમે વિશ્ર્નુ શશીકુમારે ઓલ ઈન્ડિયામાં 31માં ક્રમે સ્થાન મેળવ્યું છે.

યુપીએસસી દ્વારા ભારતીય વહીવટ સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને કેન્દ્રીય સેવા ગ્રુપ એ અને ગ્રુપ બીની 1143 જગ્યાઓ માટે અગાઉ લેવાયેલી પ્રિલિમિનરી પરીક્ષામાં રાજયમાંથી 530 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 219 ઉમેદવારો પાસ થયા હતા.

આ ઉમેદવારોએ મેઈન આપી હતી, જેમાંથી 60 ઉમેદવારો મેઈન પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા હતા. મેઈન પાસ કરનારા ઉમેદવારોના પર્સનલ ઈન્ટરવ્યુ અને પર્સનાલીટી ટેસ્ટ લેવામાં આવ્યો હતો. યુપીએસસી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ફાઈનલ પરિણામમાં ગુજરાતમાંથી 25 ઉમેદવારો તમામ તબકકા પસાર કરવામાં સફળ રહ્યા હતા.

‘સ્પીપા’ની આંકડાકીય વિગતો પ્રમાણે, ગત વર્ષે ગુજરાતમાંથી 16 ઉમેદવારો તમામ તબકકાની પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા હતા. આમ, ચાલુ વર્ષે આઠ વધુ ઉમેદવારો ફાઈનલ પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે. આગામી દિવસોમાં યુપીએસસી દ્વારા મેરિટ અને ઓલ ઈન્ડીયા રેન્કના આધારે જુદા જુદા કેડરની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

યુપીએસસી દ્વારા કુલ 1143 જગ્યા માટે 1016 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આઈએએસ માટે 180, આઈએફએસ માટે 37, આઈપીએસ માટે 200, સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ એ 613, ગ્રુપ સર્વિસ બી 113 મળીને કુલ જનરલ કેટેગરીમાં 474, ઈડબલ્યુએસ કેટેગરીમાં 115, ઓબીસીમાં 3030, એસસીમાં 165, એસટી 86 બેઠકોનો સમાવેશ થાય છે.

અભ્યાસ માટે સરકારે આપેલી સ્કોલરશીપનું વળતર પાછું આપવાની તક મળી: મિતુલ પટેલ (ઓલ ઈન્ડીયા 139)
મારા પિતા ચોટીલામાં પ્રાયમરી શિક્ષક હતા. તેમને મેં લોકો માટે પ્રમાણીકતાથી કામ કરતાં જોયા ત્યારથી જ મારા મનમાં સારી સરકારી નોકરી હોય અને પાવર હોય તો સારી રીતે સેવા કરી શકાય તેવા બીજ રોપાયાં હતાં. મેં પ્રાયમરી શિક્ષણ ચોટીલા અને અમદાવાદ-ગાંધીનગરમાં લીધુ હતું. મેં ગ્રેજયુએશન આઈઆઈટી કાનપુરમાંથી ફિઝીકસ સાથે કર્યુ છે. હું માનું છું કે, પ્રમાણીકતાથી મહેનત અને સેવા કરવાની ઈચ્છા હોય તો વ્યવસ્થા મળી રહે છે. મારી આર્થિક સ્થિતિ સારી નહોતી ત્યારે આઈઆઈટીમાં મને સ્કોલરશીપ મળતા તમામ ફી માફી થઈ ગઈ હતી. હવે મને આ સ્કોલરશીપનું વળતર આપવાની તક મળી છે.

 

સૌથી પહેલા નિષ્ફળતા પચાવતાં શીખવું પડે: સ્મિત પટેલ (ઓલ ઈન્ડિયામાં 562)
મારા દાદા સહકારી ક્ષેત્રમાં હતા ત્યારે તેઓ કહેતા કે અધિકારી હોય તો વધારે સારી પ્રવૃતિઓ કરી શકાય. નાનપણથી જ આ વાત મનમાં હતી. મુંબઈમાં મારા પિતાનો બિઝનેસ હોવાથી અભ્યાસ પણ ત્યાં જ કર્યો. બી.ટેક કરતી વખતે કોલેજમાં મારી સાથે બે-ત્રણ ઘટના એવી બની કે જે તે સમયે જ મેં યુપીએસસી પાસ કરવાનું નકકી કર્યું હતું. મારો આ પાંચમો પ્રયાસ છે. જે તે સમયે ચોકકસ માર્ગદર્શન ન મળતાં પણ મુશ્કેલી નડી હતી. હું માનું છું કે યુપીએસસી પાસ કરવી તે સ્માર્ટનેસની સાથે મેન્ટલી ગેમ છે. તમારે બન્ને પ્રકારની તૈયારી રાખવી પડે છે. સૌથી પહેલા નિષ્ફળતાં પચાવતા શીખવુ પડે છે. આઈએએસની ઈચ્છા હતી. પરંતુ હાલ એફઆઈએસ લેવું પડશે. આગળ ફરિવાર પ્રયાસ કરીશ પણ સકસેસ કે ફેલ્યોરની તૈયારી રાખવી પડે છે.

 

તમે હોશિયાર હો તો પણ સાતત્યપૂર્ણ મહેનત જરૂરી: દિપ પટેલ (ઓલ ઈન્ડિયા (776 રેન્ક)
હું હાલમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવું છું. મારા પિતા પ્રાઈવેટ જોબ કરતા હતા. પ્રાથમીક શિક્ષણ મેં નરોડા વિસ્તારમાં પુરુ કર્યા બાદ મિકેનીકલ ઈજનેર બન્યો હતો. પેપર વાંચવાની ટેવ અને સરદાર પટેલ જેવી સંસ્થાઓમાંથી માહિતી મળી કે, યુપીએસસી આપીએ તો વધારે સારી પોઝીશન મળી શકે તેમ છે. મારું કોઈ બેકગ્રાઉન્ડ નથી, પણ મહેનત કરી તો સફળતા મળી છે. યુપીએસસી આપતા ઉમેદવારોને હું કહેવા માગું છું કે, તમે હોશિયાર હો તો પણ સાતત્યપૂર્ણ મહેનત જરૂરી છે. હાલના મારા રેન્ક પ્રમાણે મને આઈપીએસ મળી શકે તેમ નથી, એફઆઈએસ કે જે મળે તે સ્વીકારીને આગળ પ્રયાસ ચાલુ રાખીશ તે નકકી છે.

 

ગ્રેજયુએશન દરમિયાન જ UPSC કરવાનું નકકી કર્યું: હર્ષ પટેલ (ઓલ ઈન્ડિયામાં 392 રેન્ક)
વડોદરામાંથી શિક્ષણ પુર્ણ કરીને બીટસ પૌલાની ગોવામાંથી બીટેક કર્યુ છે. મારા પિતા એલ એન્ડ ટીમાં કામ કરે છે. ગ્રેજયુએશન વખતે જ નકકી કર્યુ હતું કે યુપીએસસી પણ કરવી છે. ત્યારથી ધીમે ધીમે વાંચવાનું શરૂ કર્યુ હતું. ચોથા પ્રયાસે યુપીએસસી કિલયર કરી છે. હાલનો મારો રેન્ક જોતા રેવન્યુ કે રેલવે પૈકી કોઈપણ એક સેકશનમાં તક મળે તેમ છે. હજુ આગળ વિચાર્યું નથી, પરંતુ રેલવે પસંદ કરીને આગળ ફરિવાર સારા રેન્કનો પ્રયાસ કરીશ.

 

મુખ્યમંત્રીએ સફળ યુવાઓને અભિનંદન સાથે ઉજજવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી
ગાંધીનગર: ગુજરાતમાં યુવાનો યુનિયન પબ્લીક સર્વિસ કમીશન-યુપીએસસી દ્વારા લેવામાં આવતી આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજજવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) કાર્યરત છે. આ વર્ષે યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા-2023ના જાહેર થયેલા અંતિમ પરિણામમાં સ્પીપાના 25 ઉમેદવારોએ જવલંત સફળતા મેળવી છે. આ ઉમેદવારો સિવિલ સર્વિસીસની આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જેવી વિવિધ સેવાઓમાં અંતિમ પસંદગી પામ્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, પસંદગી પામેલા આ યુવાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા સાથે ઉજજવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પણ આપી છે. સ્પીપા ખાતે યુપીએસસી સ્ટડી સેન્ટર 1992થી કાર્યરત છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 285 ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા છે. જેમાં આ વર્ષે સૌથી વધુ એટલે કે 25 ઉમેદવારો પસંદ થયા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj