‘વ્યકિત કરતા પક્ષ મહાન ’ કહેતો ભાજપ એકમાત્ર રૂપાલા માટે કેમ ‘સમાજ’નું માનતો નથી?

આર યા પાર! અંતિમ અલ્ટીમેટમ, અન્યથા 19મીએ દેશભરનું મહાસંમેલન

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 15 April, 2024 | 12:08 PM
◙ હવે રૂપાલા હાય-હાય નહિં, ‘બાય બાય’ના નારા લગાવવાનું આહ્વાન: રાજકોટનાં મહાસંમેલનમાં વિરાટ જનસૈલાબ-ભાજપ પર ચાબખા: ‘ભાજપનો બહિષ્કાર અને વિરૂદ્ધમાં મતદાન’ની ચેતવણી
સાંજ સમાચાર

◙ સમગ્ર ગુજરાત ઉપરાંત અન્ય રાજયોમાંથી પણ ક્ષત્રિયો ઉમટયા

 

◙ 19મીથી આંદોલન ‘પાર્ટ-2’ રૂપાલા ફોર્મ ભરે તો ભાજપની સંમતિ ગણાશે

 

◙ સંપૂર્ણ શાંતિ-શિષ્ટતાપૂર્વકનો કાર્યક્રમ: બંદોબસ્ત પણ ક્ષત્રિય પોલીસ અધિકારીઓ હસ્તક રહ્યો

 

◙ ક્ષત્રિય આગેવાનોના તેજાબી વકતવ્યો: એક જ વાત રૂપાલાને હટાવો

 

રાજકોટ તા.15
રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદાસ્પદ વિધાનો સાથે તેમની ટીકીટ રદ કરવાની માગણી સાથે આંદોલન કરતા ક્ષત્રિય સમાજે રાજકોટમાં યોજાયેલા મહા સંમેલનો હવે આખરી અલ્ટીમેટમ આપી દીધુ છે. રૂપાલાની ટીકીટ રદ ન થાય તો 19 મીએ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં દેશવ્યાપી ક્ષત્રિય મહાસંમેલનો યોજાશે. 7 મે સુધી આંદોલન શરૂ રખાશે અને સર્વત્ર ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે. હવે આર યા પારની લડાઈમાં પરસોતમ રૂપાલા હાય-હાય નહીં પરંતુ રૂપાલા બાય-બાય નારા લગાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

પરસોતમ રૂપાલા તથા ભાજપ દ્વારા માફી સમાધાનનાં નાટકો રજુ ચાલુ હોવા પર ગર્ભિત ચીમકી ઉચ્ચારીને ક્ષત્રિય આગેવાનોએ એમ કહ્યુ કે રૂપાલાની ટીકીટ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. ખુદ ભાજપનાં જ વ્યકિતને બદલે પ્રજા અને પક્ષ કરતાં દેશ મહત્વનો હોવાનું ગણાવે છે. પરંતુ આ કિસ્સામાં હાલત વિપરીત છે. એક નેતા (રૂપાલા) માટે ભાજપ સમગ્ર સમાજની માંગનો સ્વીકાર કરતો નથી.

રાજકોટ લોકસભા ભાજપનાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે રવિવારે રાજકોટનાં રતનપરમાં 13 એકરની વિશાળ જગ્યામાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયુ હતું.જેમાં લાખો ક્ષત્રિયોએ રૂપાલાની ટીકીટ રદ એટલે રદ. પછી બીજી વાત. એવી રાજપુત હઠ વ્યકત કરી હતી. આ મહાસંમેલનમાં રાજયભરમાંથી લાખો ક્ષત્રિયો ઉમટયા હતા.

રતનપરનાં અસ્મિતા મહાસંમેલનમાં ભાગ લેવા ક્ષત્રિય સવારથી જ ઉમટવા લાગ્યા હતા. સાંજે સંમેલનની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. આ તકે રાજપુત સમાજનાં કોર કમીટીના પ્રવકતા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોની હાજરીમાં હુ ભાજપનાં હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે હવે પાર્ટ-1 પુરો થયો અને તમારા ખોળામાં દડો ફેંકયો છે.

એટલે હવે 19 એપ્રિલ સુધીનુ અલ્ટીમેટમ આપીએ છીએ. કારણ કે જો 16 એપ્રિલે ફોર્મ ભરેલુ હોય તો 19 એપ્રિલે પાછુ ખેચી શકાય. ભાજપનું તો સુત્ર છે વ્યકિત સે દલ બડા ઔર દલ સે બડા દેશ તો રૂપાલા તમે દેશથી મોટા નથી.સમાજથી મોટા નથી. હવે પાર્ટ-2 ચાલુ થશે.પાર્ટ 2 માં શું કરવુ તે અંગે સંકલન સમિતિ નકકી કરશે.

કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ સંબોધન શરૂ કરતા પહેલા તમામ લાઈટો બંધ કરાવીને મોબાઈલ લાઈટો ચાલુ કરાવી હતી એ પછી જય રાજપુતાનાં અને જયભવાનીના નારા લગાવ્યા હતા આ સાથે રૂપાલા હાય હાય નહીં બાય બાય કહેવા આહવાન કર્યું હતું. તેમણે ક્ષત્રિયોને સંબોધન કરતા જણાવ્યું હતું કે તંત્ર સામે મારે કોઈ વેર નથી.હું પોલીસ તંત્રને કહેવા માંગુ છું કે તમે ઉંઘ બગાડતા નહિં હું સીધો મારા ગામે જઈશ.આ ભાઈ લોકો તમારા માટે કાફી છે તેમને રોકી બતાવશો તો તમન માની જઈશ.

ક્ષત્રિય અગ્રણી રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી રાજપુત સમાજ જે કંઈ અનુભવી રહ્યો હતો જેની લાગણીઓને ઠેસ પહોંચી હતી. તે બધુ ધીમે ધીમે ભેગુ થયુ અને 23 તારીખે જે કંઈ બનાવ બન્યો અને બનાવ બન્યા પછી જે કંઈ માફીના ખોટા નાટકો રજુ થયા તે હજુ ચાલૂ છે. માફી આપવાની સતા આ સમાજને છે બીજા બારોબાર ગમે તે વાતો કરે એ સમાજને કેવી રીતે મંજુર હોય ભારત દેશમાં છેલ્લા થોડા સમયથી નૈતિક અધપતન થઈ રહ્યું છે તેને અટકાવવાની જવાબદારી તો કોઈએ લેવી પડશેને!

13 એકરની જગ્યા ખીચોખીચ: જય ભવાનીના નારા-શપથ
રાજકોટનાં રતનપરમાં 13 એકરની વિશાળ જગ્યા ખીચોખીચ હતી. રૂપાલા હટાવોની માંગ સાથે ક્ષત્રિય સમાજનાં મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટયા હતા. ગુજરાત ઉપરાંત અન્ય રાજયોમાંથી પણ સેંકડો લોકો આવ્યા હતા. ક્ષત્રિય આગેવાનોએ તેજાબી ભાષણમાં 19 મી સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. ભાજપ વિરોધી મતદાન માટે શપથ લેવાયા હતા.(તસ્વીર: દેવેન અમરેલીયા)

ક્ષત્રિય આંદોલને સ્થિતિ બદલી: ભાજપના નેતાઓએ આકરી મહેનત કરવી પડે તેવી સ્થિતિ
ગુજરાતમાં લોકસભા ચૂંટણી જાહેર થઈ ત્યારે ભાજપની તરફેણમાં અને અયોધ્યા રામ મંદિર, કલમ 370 ની નાબુદી, સીએએ વિગેરે મુદાઓ મતદારો ઉપર છવાયેલા હતા તેમાં અને હાલની સ્થિતિમાં ભારે ફેરફાર આવી ગયો હોય તેવું અંદરખાને ભાજપના વર્તુળો પણ માની રહ્યા છે. ક્ષત્રિયોનાં આંદોલને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સમગ્ર માહોલ બદલી નાખ્યો છે. જેની અસર ઉતર ગુજરાતનાં ગામડા સુધી પડી રહી છે.તેના કારણે ભાજપની રણનીતિ મુજબનાં મંદિર સહિતના મુદ્દાઓ પશ્ચાદભૂમાં ધકેલાઈ ગયા છે.

દક્ષિણ ગુજરાત સહીત આદિવાસી પૂર્વ પટ્ટીમાં ભાજપના સાંસદો આટલા વર્ષ સુધી ચૂંટાવા છતા આદિવાસીઓનાં પ્રશ્ન ઉકેલાઈ રહ્યા નથી તે મુદ્દો વિપક્ષ દ્વારા સતત ઉઠાવાઈ રહ્યો છે અને તે ચર્ચાના કેન્દ્રમાં પણ છે.બનાસકાંઠા બેઠક ઉપર સ્થાનિક મુદ્દાઓ મહત્વના બની રહ્યા છે તે સંજોગોમાં ભાજપના રાષ્ટીય નેતાઓ ચૂંટણી સભા કે રોડ-શો સહિતના કાર્યક્રમો માટે આવશે ત્યારે ભાજપનાં પરંપરાગત પણ દ્વિધાયુકત મતદારોનાં મનનું સુકાન પુન: ભાજપ તરફી વાળવા ભારે જહેમત ઉઠાવવી પડશે તેવુ રાજકીય ચિત્ર ઉપસી રહ્યું છે. 26 બેઠકો યથાવત જાળવી રાખવી અને ભાજપના નેતાઓની જાહેરાત મુજબ દરેક બેઠક ઉપર 5 લાખથી વધુ લીડ મેળવવી તે એટલુ સહેલુ નહીં હોય તેવી ચર્ચા પણ અંદરખાને શરૂ થઈ જવા પામી છે.

તમામ સમાજનું સમર્થન મળ્યુ છે: દિલ્હી સુધી પડઘો પડવો જોઈએ: ગોવુભા ડાડા
રાજપુત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોવુભા ડાડાએ જણાવ્યું હતું કે મ સબ એક હૈ કાઠી, નડૌદા, રાજપુત, માલધારી, ભરવાડ અને પાટીદાર આ તમામ સમાજે આજે આપણને નારી અંગે રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે તેના મામલે તમામ સમાજનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ તમામ સમાજને આવકારૂ છું. અન્ય ક્ષત્રિય અગ્રણીએ કહ્યું કે ભાજપનું મોવડી મંડળ પણ આ નજરે જોતુ હશે દિલ્હી સુધી પડઘા પડવા જોઈએ.

 

રાજકોટ સંમેલનમાં જઈ રહેલા શિલાદેવી ગોગામેડીને નજરકેદ કરાયા
ભિડોડા: રાજકોટ ખાતે ક્ષત્રિયોના મહાસંમેલનમાં ભાગ લેવા જઈ રહેલા સ્વ.સુખદેવસિંહ ગોગામેડીના પત્નિ શિલાદેવી ગોગામેડી સહીત અન્ય રાજપુત સમાજનાં અગ્રણીઓને રતનપુર ચેકપોસ્ટ નજીક પોલીસે અટકાયત કરી મહાસંમેલન પૂર્ણ ન થાય ત્યાં સુધી નજરકેદ રાખ્યા હતા.

રાજકોટમાં ક્ષત્રિયોના મહાસંમેલનને પગલે રાજયની તમામ આંતર રાજય સરહદોએ પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો હતો.રાજસ્થાનથી રાષ્ટીય રાજપુત કરણી સેનાના સ્વ.સુખદેવસિંહ ગોગામેડીનાં પત્નિ શીલાદેવી ગોગામેડી, યોગશાકટાર, અધિરાજસિંહ ગોગામેડી અને ચત્રસિંઘ નરૂકા અને અન્ય રાજપુત અગ્રણીઓ અરવલ્લી જીલ્લાની રતનપુર ચેકપોસ્ટ પર વહેલી સવારે અટકાયત કરી નજરકેદ યુવા અગ્રણીએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે પોલીસે નજરકેદ રખાયેલ શિલાદેવી ગોગામેડી અને અન્ય ત્રણ રાજપુત અગ્રણીઓને સંમેલન પૂર્ણ થયા બાદ છોડી મુકાશે.

 

રાતોરાત મંત્રીમંડળ બદલ્યા તો રૂપાલા કેમ નહિં?
રાજપુત સંકલન સમિતિના ગુજરાત રાજયનાં પ્રમુખ તૃપ્તિબા રાઉલે કહ્યું હતું કે આજે આ સમય છે. આપણો ગૌરવવંતા ઈતિહાસની રક્ષા કરવાનો.મારી સામે અત્યારે હજારો રાણાઓ બેઠા છે.હજારો લક્ષ્મીબાઈઓ બેઠી છે એને હુ વધાવું છુ. રાતોરાત મંત્રીમંડળ બદલ્યા તો રૂપાલા કેમ નહિં? ખાલી રૂપાલા સાહેબને નહીં દરેક રાજકીય નેતાને કહુ છું કે તમારા સારા કાર્યની જો જનતા વાહ-વાહ કરતી હોય તો તમારી એક ભુલને પણ હાય-હાયની તૈયારી રાખવી જોઈએ. બે દિવસ પહેલા જામનગરમાં ક્ષત્રાણીઓ સાથે જે ગેરવર્તણુંક કરવામાં આવી તેને હું વખોડી કાઢુ છું.

 

મોડીરાત સુધી 10 કિમીનો ટ્રાફીકજામ
રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલાને બદલ્યાની માંગ સાથે મેદાને પડેલા ક્ષત્રિય સમાજે રાજકોટમાં મહાસંમેલન યોજયુ હતું. રાજયભરમાંથી ક્ષત્રિય ઉપરાંત અન્ય સમાજનાં લોકો ઉમટયા હતા. વિરાટ જનસાગર છલકાયો હતો. જંગી હાજરીને પગલે હજારોની સંખ્યામાં વાહનો ખડકાવાનું સ્પષ્ટ હતું. પરીણામે મોરબી રોડ પર 10-10 કીમીનો ટ્રાફીક જામ સર્જાયો હતો. વાહન વ્યવહાર જાળવવા પુરતો બંદોબસ્ત છતા મોડીરાત સુધી ટ્રાફીક જામ થઈ શકયો ન હતો.          (તસ્વીર: દેવેન અમરેલીયા)

આપણામાં પણ હિન્દુત્વનું લોહી, ટિકીટ રદ કરવાની છે: પદ્મીનીબા વાળા
મહિલા અગ્રણી પદ્મીનીબા બાળાએ જણાવ્યું હતું કે એકતા હશે તો જીત આપણી જ છે. હવે તો રૂપાલાભાઈને થતુ હશે કે કોની હડફેટે ચડી ગયા.હવે થાય શુ? ઘોબા તો ઉપાડવાના બાકી છે. ભાઈ ક્ષાત્રતા જાળવી રાખજો. હિન્દુત્વનુ લોહી જે છે એ આપણામાં તો છે જ. વિનાશકાળે વિપરીત બુધ્ધિ. આ પશુભાઈ શુ બોલી ગયા હવે એમ થતુ હશે કે ના બોલ્યો હોત તો સારૂ હતુ. ક્ષત્રાણીઓ જો વટે ચડે તો કાં મરે અથવા મારે હજુ પાર્ટ-2 આવશે એ ઘેર બેઠા બેઠા જોજો પશુભાઈ ટીકીટ તો રદ કરવાની જ છે.

ટિકીટ ન કપાય તો 26 બેઠક પર વિરોધમાં મત પડશે:વાસુદેવસિંહ ગોહીલ
ગોહીલવાડ રાજપુત સમાજનાં પ્રમુખ વાસુદેવસિંહ ગોહીલે જણાવ્યું હતું કે રૂપાલા સાહેબ અમારી કટાયેલી તલવારો ડોકા કાપવા તૈયાર છે. કોઈ અમારી સામે તૈયાર થાય તો કોઈ સમાજ સામે વાંધો નથી અમારી ફકત લડત રોટી બેટી અને અસ્મિતા સામે બોલનાર વિરૂદ્ધ છે. રૂપાલાને સમગ્ર ગુજરાતમાં ટીકીટ ન મળવી જોઈએ. આ ફેરફાર કરવામાં નહી આવે તો ગુજરાતની 26 લોકસભા સીટ પર અમારા મતો વિરોધમાં પડશે તેની હાકલ કરી રહ્યા છીએ. ગુજરાતના સીમાડા વટાવીને આ સમાજ સુધી રાજસ્થાન અને હરીયાણા સુધી પ્રસર્યો છે.

 

ક્ષાત્રવટનું રાજકોટમાં મહાશક્તિપ્રદર્શન, તૃપ્તિબાએ સભાના ઓવારણા લીધા અને કહ્યું-હવે અમે લડી લેવાની તૈયારીમાં...
આખો  સમાજ એકઠો થયો છે, કોઈની નજર ન લાગે! તૃપ્તિબાએ ઓવારણા લીધા
આ મહાસંમેલન તૃપ્તીબાએ જય ભવાની અને જય માતાજીના નાદ સાથે સભાના ઓવારણા લીધા હતા. સાથે જ તેમણે કહ્યું કે, મારો સમાજ જે એકઠો થયો છે તેને કોઈની નજર ના લાગે. વધુમાં તેમણે કહ્યું કે,  છેલ્લે અમારી સંકલન સમિતિની જામનગર મિટિંગ થઈ ત્યારે મારાથી એમ જ બોલાઈ ગયું હતું કે, ક્યા સુધી આપણે આપણા સંતાનોને શિવાજીની વાતો કરીશું? ક્યા સુધી રાણી લક્ષ્મીબાઈ કે જીજાબાઈની વાતો કરીશું? મારી ને તમારી અંદર કોઈ રાણો ઊભો થાય. તમારી અંદર કોઈ લક્ષ્મીબાઈ ઊભી થાય અને આજે આ સમય છે આપણો ગૌરવવંતો ઈતિહાસની રક્ષા કરવાનો.

તારે મારી સામે અત્યારે હજારો રાણાઓ બેઠા છે, હજારો લક્ષ્મીબાઈઓ બેઠી છે એને હું વધાવુ છું. ખાલી રૂપાલા સાહેબને નહીં, દરેક રાજકીય નેતાને કહું છું કે, તમારા સારા કાર્યની જો જનતા વાહ-વાહ કરતી હોય તો તમારી એક ભૂલને પણ હાયહાયની તૈયારી રાખવી જોઈએ. બે દિવસ પહેલા જામનગરમાં ક્ષત્રાણીઓ સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવી તેને હું વખોડી કાઢું છું. આ સાથે કહું છું કે, આજ પછી મારી ક્ષત્રાણી બહેનોનો એક છેડો પણ કોઈ પરપુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે, પછી તમે તેને નહીં રોકી શકો.

 

ભાજપવાળા ક્ષત્રિય સમાજની લાગણી સમજતા નથી
રાજપુત વિધાસભાનાં પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે આ ઘડીયા લગ્નમાં વગર આમંત્રણે બે દિવસની મુદતમાં સૌ ભાઈ-બહેન ભેગા થઈ ગયા છે, ત્યારે એ સરકારમાં પરિવર્તન લાવીને જ રહીશુ. હુ ક્ષત્રિય સમાજની લાગણી સમજુ છું. આજે ભાજપવાળા સમજતા નથી કે, રૂપાલાભાઈ તેમને રૂપાળા કેમ લાગે છે. આજે આખો સમાજ એક બાજુ અને એક વ્યકિતને હટાવી શકતા નથી. તેમણે ઉમેર્યું હતું કે મોદીજીને કહેવુ છે કે તમારે બંધારણમાં ફેરફાર કરવા 400 સીટ જોઈએ છેને? રાજપુત સમાજને ટીકીટ આપો તો 400 નહિં, 500 ઉપર સીટ થઈ જશે.

 

મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવા માંગણી
વાસુદેવસિંહ ગોહીલે કહ્યું હતું કે 31 ઓકટોબર 2018 ના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓપનીંગ કર્યું હતું ત્યારે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનીટી સાથે આ દેશનાં રજવાડાનાં પણ મ્યુઝીયમ બનશે આ વાતને 7-8 વર્ષ થઈ ગયા પણ હજુ ગ્રાન્ટ ફાળવી નથી. આ મુદ્દો પણ છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી સન્માનીત કરવા અને જામનગરનાં મહારાજા જામ રણજીતસિંહજીના નામનું સ્ટેડીયમ બનાવવાની પણ અમારી માંગણી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj