ભુણાવા પાટિયા પાસે બે કાર વચ્ચે અકસ્માત, શાપરના બે એસ્ટેટ બ્રોકરના કમકમાટીભર્યા મોત

Crime | Rajkot | 16 April, 2024 | 12:24 PM
♦ ક્રેટા કાર ડિવાઈડર કૂદી રોંગ સાઇડમાં જઈ સામેથી આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ : ક્રેટામાં સવાર ચાલક 30 વર્ષીય હસમુખભાઈ કિયાડા અને 52 વર્ષીય કિરણભાઈ સિદપરાનું મૃત્યુ થતા પરિવારમાં ભારે કલ્પાંત
સાંજ સમાચાર

♦ મૃતક હસમુખભાઈ અપરણિત હતા તેમને શાપરમાં કાસ્ટિંગનું કારખાનું પણ છે, જ્યારે કિરણભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે

♦ એર બેગ ખુલી જતા ફોર્ચ્યુનર કારમાં સવાર રાજકોટ રહેતા અને ભુણાવા ગામે મહાવીર પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ કંપની ચલાવતા વણીક અગ્રણી નિલેશભાઈ તુરખીયાનો આબાદ બચાવ

રાજકોટ, તા.16
રાજકોટ નજીક ગોંડલ હાઇવે પર ભુણાવાના પાટિયા પાસે એક ક્રેટા કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં જઈ સામેથી આવતી ફોચ્ર્યુનર કાર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એસ્ટેટ બ્રોકર અને કારખાનેદાર બે પાર્ટનરના મોત થયા હતા. મૃતકોમાં હસમુખભાઈ જગદીશભાઈ કિયાડા (ઉ.વ. 30, રહે. પટેલ સમાજ વાડી પાછળ, શાપર વેરાવળ) અને  કિરણભાઈ ખોડાભાઈ સિદપરા (ઉ.વ. 52, રહે. સરકારી નિશાળ પાસે, શાપર - વેરાવળ)નો સમાવેશ થાય છે. ક્રેટા કાર હસમુખભાઈ ચલાવતા હતા. બંને પાર્ટનર સાંજે ચારેક વાગ્યે શાપરથી ગોંડલ કામ અર્થે જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

બંને પાર્ટનરમાં જમીન મકાન લે વેચનું કામ કરતા હતા. હસમુખભાઈને શાપરમાં શ્રી ખોડિયાર એન્જિનિયરિંગ નામે કાસ્ટિંગનું કારખાનું પણ છે. ક્રેટા કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાનું મૃતકોના પરિવજનો જણાવી રહ્યા છે.  કિરણભાઈ ત્રણ ભાઈ અને બે બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જ્યારે હસમુખભાઈ અપરણિત હતા અને બે ભાઈમાં નાના હતા.બનાવના પગલે ગોંડલ તાલુકા પીએસઆઇ જયદીપસિંહ એમ. ઝાલા તેમની ટીમ સાથે ઘટના સ્થળે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

બંને મૃતદેહ પીએમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરવા અને ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી. આ અંગે ક્રેટા કારના ચાલક સામે ગુનો દાખલ થયો છે. ફોર્ચ્યુનર કારના ચાલક ફરિયાદી નિલેશભાઈ હસમુખલાલ તુરખીયા (વણીક) (ઉ.વ. 43)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, હું રાજકોટમાં સવન સાઇન એપાર્ટમેન્ટ-102, પહેલા માળે, 150 ફૂટ રીંગ રોડ, ઇન્દીરા સર્કલ પાસે રહું છું. મારે ભુણાવા ગામે મહાવીર પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ કંપની આવેલ છે ત્યા વેપાર ધંધો કરું છું. ગઇકાલ તા.15/4ના રોજ સવારમાં અગ્યારેક વાગ્યે હું ભુણાવા ગામે આવેલ મહાવીર પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ કંપનીએ આવેલ હતો અને મારા વેપારી મિત્ર મીલનભાઈ મહેશભાઈ નાગડા (રહે- જામનગર) બપોરના બેએક વાગ્યાની આસપાસ મારી કંપનીએ આવેલા અને અમે બન્ને સાથે જમ્યા હતા. ત્યારબાદ બપોર પછી આશરે ચારેક વાગ્યે હું તથા મારા મિત્ર મીલનભાઈ બન્ને પોત પોતાની ગાડી લઇને મારી મહાવીર પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ કંપનીએથી રાજકોટ જવા નિકળેલ હતા.

જેમાં હું ટોયેટા કંપનીની ફોચ્ર્યુનર કાર જેના નંબર જીજે -03- એમ એચ -7803 છે તે લઇને તથા મારા મિત્ર મીલનભાઈ બ્રેઝા ગાડી લઈને રાજકોટ જવા નિકળેલ હતા. આ વખતે મારી ગાડીમાં હુ એક જ હતો અને ડ્રાઇવીંગ હું જાતે કરતો હતો. આશરે સાડા ચારેક વાગ્યાની આસપાસ ભુણાવાથી રાજકોટ જતા નેશનલ હાઇવે રોડ ઉપર શકિતમાન કંપની પાસે આવેલ પેટ્રોલપંપ પાસે પહોંચતા રાજકોટથી ગોંડલ તરફ જતા રોડ તરફથી એટલે કે રોંગ સાઇડમાંથી ડીવાઇડર ટપીને એક ફોરવ્હીલ ગાડી ફંગોળાતી મારી સાઇડ આવી મારી ફોર્ચ્યુનર કાર સાથે ભટકાઈ જતા જોરદાર અકસ્માત થયો હતો. મારી કારની એરબેગ ખુલી જતા મને કોઈ ઇજા થયેલ નથી. હું ગાડીમાંથી નીચે ઉતરી ગયો. જોયું તો મારી કાર સાથે ભટકાયેલ કાર હુન્ડાઈ કંપનીની ક્રેટા કાર હતી. જે કારના નંબર જીજે -01- એચ ડબ્લ્યુ -5858 હતા. તેમાં બે વ્યક્તિ બેઠા હતા. ક્રેટા કાર ભાંગીને આખી વળી ગઇ હતી.

વધુમાં નિલેશભાઈએ જણાવ્યું કે, આ દરમિયાન આજુબાજુમાં રહેતા લોકો તથા રાહદારીઓ આવી જતા દરવાજા તોડી ખોલીને ક્રેટા કારમાંથી એ બે વ્યક્તિને બહાર કાઢેલ હતા. કારમાં ડ્રાઇવિંગ સીટ પરથી દાઢીવાળા ભાઈને લોહી લુહાણ હાલતમાં બહાર કાઢેલ હતા. આ બંને વ્યક્તિઓ લગભગ સ્થળ પર જ મરણ ગયેલાનું લાગતું હતું. આ દરમિયાન કોઇએ એમ્બ્યુલન્સને જાણ કરતા, એમ્બ્યુલન્સ આવતા આ બે વ્યક્તિને હોસ્પિટલે લઈ ગયા હતા.

હું મારી કાર સ્થળ 52 મુકીને મારા મિત્ર મીલનભાઈની કારમાં બેસીને મારા ઘરે જતો રહેલ હતો. આ અકસ્માતમાં મને ડાબા હાથની હથેળીમા સામાન્ય છોલાણ થયેલ હતું. તે સીવાય અન્ય કોઇ ઇજા થયેલ નથી. ત્યારબાદ જાણવા મળેલ કે, મારી ગાડી સાથે ક્રેટા ગાડીનું એકસીડન્ટ થયેલ જેમા બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં મૃતકના નામ હસમુખભાઇ જગદીશભાઇ કયાડા તથા કીરણભાઈ ખોડુભાઈ સીદપરા (રહે. બંને શાપર - વેરાવળ) છે. ગોંડલ તાલુકા પોલીસે ક્રેટા કારના ચાલક સામે હાલ ગુનો નોંધ્યો છે. ગમખ્વાર અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj