રાજકોટ, તા.8
પડધરી તાલુકાના ખાખડાબેલા ગામેના ચકચારી પોકસો તથા રેપના ગુનામાં મદદગારી કરનાર મહિલા આરોપીને જામીન પર મુકત કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ, ભોગ બનનાર સગીરાના પિતાએ પડધરી પોલીસમાં એવી ફરિયાદ આપેલી કે, કૌટુંબિક સગા થતા ત્રણ આરોપીએ તેની સગીર વયની પુત્રીની મરજી વિરૂધ્ધ બળજબરી પુર્વક છેલ્લા છ એક મહીનાથી અવાર નવાર અલગ અલગ સમયે દુષ્કર્મ ગુજારી ઉગ્ર જાતીય હુમલો કર્યો હતો. આ ગુનામાં ભોગ બનનાર સગીરાના ભાભી પણ સામેલ હોય, તેણે આરોપીઓની મદદગારી કરી હોય, તેવા આરોપસર ભાભીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા આરોપી જેલ હવાલે થતા સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી કરેલી.
જે નામંજુર થતા, હાઈકોર્ટમાં હુકમ પડકારી જામીન અરજી કરાઈ હતી. જેમાં મહિલા આરોપીના વકીલે દલીલ કરેલી કે, સગીરાના પાડોશમાં રહેતા પ્રથમ નંબરના આરોપી સાથે ફરિયાદીને તકરાર ચાલતી આવી છે. દુશ્મનાવટના કારણે ફરીયાદ ગોઠવણ પુર્વક ઉભી કરવામાં આવેલ છે. ફરીયાદ મુજબનો કોઈ બનાવ બનેલ નથી. એક આરોપી રાજકોટની પાસપોર્ટ ઓફીસમાં નોકરી કરે છે.
પાંચ વર્ષથી રાજકોટ રહે છે. બીજા એક આરોપી વાંકાનેર રહે છે. જેઓ ખાખડાબેલા રહેતા ન હોવા છતા ખોટી રીતે સંડોવવામાં આવેલ છે. બનાવ વાળી આખી સ્ટોરી ઉભી કરેલ છે અને હાલના મહિલા આરોપીએ કોઈ ભાગ ભજવેલ ન હોવા છતાં આરોપી બનાવ્યા છે. બંને પક્ષેની દલીલો બાદ આરોપીપક્ષના વકીલની દલીલો ધ્યાને લઈ હાઇકોર્ટે મહિલા આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ બકુલભાઈ રાજાણી, કોમલબેન રાવલ, પ્રકાશ પરમાર તથા ઇન્દ્રવિજયસિંહ રાઓલ રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy