જામનગરમાં લોહાણા સમાજ દ્વારા બીજી વાડીનું કરાશે નિર્માણ: દાનની સરવાણી

Local | Jamnagar | 27 April, 2024 | 02:06 PM
સાંજ સમાચાર

જામનગર તા. 27

જામનગર શહેરમાં રામનવમીના પારણાં પ્રસંગે યોજાયેલા લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન અવસરે શહેરમાં બીજી નવી લોહાણા મહાજનવાડીના નિર્માણ માટે દાનની સરવાણી આગળ વધી હતી. 

જામનગરમાં ગત જલારામ જયંતિ પ્રસંગે યોજાયેલા લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન અવસરે શહેરમાં વધતી વસ્તી અને વિસ્તારના પગલે બીજી નવી લોહાણા મહાજનવાડીનું નિર્માણ કરવાની જાહેરાત જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ લાલે કરી હતી. એ વેળાએ જ ગં. સ્વ. મંજુલાબેન હરિદાસ (બાબુભાઇ) લાલ પરિવાર તરફથી આ માટે રૂા. એક કરોડ અગીયાર લાખ અગીયાર હજાર એકસો અગીયાર, અરવિંદભાઇ પાબારી તરફથી અગીયાર લાખ અગીયાર હજાર એકસો અગીયાર, જય જલીયાણ મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ ડો. રક્ષાબેન દાવડા તરફથી પાંચ લાખ તેમજ ભાણવડવાળા કુમનદાસ પ્રાગજીભાઇ તન્ના તરફથી પાંચલાખની જાહેરાત કરાઇ હતી.

આ ઉપરાંત અન્ય રઘુવંશી શ્રેષ્ઠીઓએ પણ જુદી-જુદી રકમો નવી મહાજનવાડી માટે આપવાની જાહેરાત કરતાં એ જ દિવસે રૂા. દોઢ કરોડથી વધુ રકમનો ફાળો નોંધાયો હતો. એ પછી જામનગર શહેરમાં રામનવમીના પારણાં નિમીતે ગત ગુરૂવારે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન તથા સારસ્વત બ્રાહ્મ જ્ઞાતિના (માસ્તાન)નું આયોજન રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતીના નેજા હેઠળ કોમર્સ કોલેજના મેદાન પર કરવામાં આવ્યું હતું. જેના પ્રાયોજક તરીકે શરદભાઇ કલ્યાણજીભાઇ વસંત પરિવાર હતો. 

આ કાર્યક્રમ વેળાએ પ્રાસંગીક પ્રવચન કરતાં પ્રતિષ્ઠિત રઘુવંશી ઉદ્યોગપતિ અશોકભાઇ લાલે ઉપસ્થિત સૌને નવી લોહાણા મહાજનવાડી માટે ઉદાર દિલથી આર્થિક સહયોગ આપવા અપીલ કરી હતી. જેના પગલે અગ્રણી વ્યાપારી મહેશભાઇ કલ્યાણજીભાઇ વસંતે રૂા. 51 લાખ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જ્ઞાતિ સમૂહ ભોજનના દાતા પરિવાર શરદભાઇ કલ્યાણજીભાઇ વસંત તરફથી પણ રૂા. 25 લાખ જાહેર કરવામાં આવ્યા હતાં.

જયારે ગ્રેઇન માર્કેટના જાણીતા વેપારી દામોદર મથુરાદાસ તન્ના પરિવાર તરફથી રૂા. 11 લાખ, નોબત દૈનિકવાળા માધવાણી પરિવાર તરફથી રોનક માધવાણીની સ્મૃતિમાં રૂા. પાંચ લાખ, વાડીનારવાળા બાબુલાલ ભીમજી બદીયાણી તરફથી રૂા. પાંચ લાખ તેમજ દિવાળીબેન વૃજલાલ મશરૂ પરિવાર તરફથી રૂા. પાંચ લાખ એકાવન હજાર સહિત કુલ રૂા. એક કરોડ દસ લાખ કરતાં વધુ રકમ જાહેર થતાં નવી મહાજનવાડી માટે કુલ રૂા. પોણા ત્રણ કરોડથી વધુ રકમની જાહેરાત દાતાઓ તરફથી થઇ ચૂકી છે. 

શહેરના કોમર્સ કોલેજના મેદાન પર યોજાયેલી રામનવમીના પારણાં પ્રસંગની લોહાણા જ્ઞાતિની નાત પ્રસંગે આ જ્ઞાતિ સમૂહ ભોજનના પ્રાયોજક શરદભાઇ કલ્યાણજીભાઇ વસંત, શ્રીમતી જયશ્રીબેન શરદભાઇ વસંત, કિંજનભાઇ શરદભાઇ વસંત અને શ્રીમતી રોનક કિંજનભાઇ વસંતનું સન્માન આયોજક રામચંદ્રજી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ નજીકના ભવિષ્યમાં જ નવી મહાજનવાડી માટે જમીન ખરીદવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. તેવી જાહેરાત કરવા સાથે જ્ઞાતિના શ્રેષ્ઠીઓ-દાતાઓ અને આગેવાનો અને સર્વે જ્ઞાતિજનોને ઉદાહર હાથે સખાવત કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન પત્રકાર ગિરીશભાઇ ગણાત્રાએ કર્યું હતું. 

શહેરમાં લોહાણા જ્ઞાતિજનો માટે રામનવમીના પારણાં પ્રસંગે આયોજીત કરાયેલા આ જ્ઞાતિ સમૂહ ભોજનના કાર્યને સફળતા પૂર્વક પાર પાડવા માટે રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતીના જીતુભાઇ લાલ, રમેશભાઇ દત્તાણી, ભરતભાઇ મોદી, મનોજભાઇ અમલાણી, રાજુભાઇ કોટેચા, અનિલભાઇ ગોકાણી, ભરતભાઇ કાનાબાર, નિલેશભાઇ ઠકરાર, રાજુભાઇ મારફતીયા, અતુલભાઇ પોપટ, મધુભાઇ પાબારી, રાજુભાઇ હિંડોચા અને મનિષભાઇ તન્નાએ જહેમત ઉઠાવી હતી. 

♦ જામનગરમાં રકતદાન યજ્ઞની સાથે મતદાન જાગૃતિ માટે કરાયો પ્રયાસ 

જામનગર તા. 27: જામનગરમાં રામનવમી પ્રસંગે ગત તા. 18 ના રોજ કોમર્સ કોલેજના મેદાન પર રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતીના નેજા હેઠળ આયોજીત કરાયેલા લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજનના કાર્યક્રમની સાથે સાથે માનવ સેવાનું કાર્ય તેમજ લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે પણ સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રઘુવંશી સમાજના સમૂહ ભોજન સાથે જી. જી. જી. હોસ્પિટલની બ્લડ બેંકના સહકારથી યોજાયેલા રકતદાન કેમ્પમાં 97 રકતદાતાઓએ લોહી આપ્યું હતું. તમામ રકતદાતાઓને સ્મૃતિરૂપે ભગવાન શ્રીરામચંદ્રજીનો ફોટો આપવામાં આવ્યો હતો.  આ ઉપરાંત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આગામી તા. 7ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ માટે સેલ્ફી પોઇન્ટ ઉભો કરાયો હતો. જેમાં સેલ્ફી લેવા સાથે અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ મોટી સંખ્યામાં રઘુવંશીઓએ કર્યો હતો. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj