રાવકીમાં સમાધાનના જમણવાર બાદ બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: બે મહિલા સહિત ચાર ઘવાયા

Crime | Rajkot | 17 April, 2024 | 04:22 PM
માતાજીના માંડવામાં દારૂ પી આવેલા શખ્સને કારણે થયેલ માથાકુટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: સામસામી ધોકા, પાઈપ અને તલવારથી થયેલ મારામારીમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા: લોધિકા પોલીસે એક મહિલા સહિત 14 શખ્સો સામે ગુનો નોંધી તપાસ આદરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.17
લોધિકાના રાવકીમાં સમાધાનના જમણવાર બાદ બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થતાં બે મહિલા સહિત ચાર લોકોને ગંભીર ઇજા પહોંચતા રાજકોટ સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે  લોધિકા પોલીસે એક મહિલા સહિત 14 શખ્સો સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.

બનાવ અંગે લોધિકાના રાવકીમાં રહેતાં દિપકભાઈ ભીમજીભાઈ બગડા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રવિ રસીક બગડા,મનસુખ ભીખા બગડા, મુકેશ મનસુખ બગડા, પ્રેમજી ભીખા બગડા, રમેશ હીદા બગડા, પારૂલબેન મુકેશ બગડા અને કિશન પ્રેમજી બગડાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મજુરી કામ કરે છે. 

તેમને સંતાનમાં બે પુત્રી છે. ગઈકાલે સવારના તેમના કુટુંબીભાઈ હરેશભાઈ દાનાભાઈ બગડાએ માતાજી નો 24 કલાક નો નવરંગો માંડવો કરેલ હોય અને તેઓ માતાજીના ભુવા હોય જેથી સવારના તેઓ માતાજીના માંડવામાં ગયેલ હતાં. માંડવામાં અગિયારેક વાગ્યે કુટુંબી રવિ બગડા દારૂ પીધેલ હાલતમાં આવેલ અને ત્યાં લોકોને ગાળો દેવા લાગેલ જેથી કુંટુંબના આગેવાનો દ્રારા સમજાવેલ અને રવિ બગડાના મોટા બાપુ મનસુખભાઈએ રવિને સમજાવેલ અને કહેલ કે, ફરીથી આવુ નહી થાય અને આ બાબતે કુટુંબ દ્રારા સમાધાન થઇ ગયેલ હતો. 

બાદમાં રાજુ બગડાના ધરે જમવાનુ હોય જેથી  કુટુંબી જમવા માટે જતા હતા ત્યારે વાસમાં તેમના મોટા બાપુના પુત્ર  કિશોરની પાછળ રવિ બગડા લાકડાનો ધોકો લઈ પાછળ થયેલ હતો. જેથી  આ બાબતે મનસુખભાઇને કહેવા ગયેલ કે, રવિ બગડા તમે સમજાવેલ છે તો પણ કેમ ગાળો બોલે છે તેમ કહેલ જેથી 2વિ બગડા ઉશ્કેરાઇ ગયેલ અને  તલવાર અને મનસુખ બગડા તેમજ મુકેશ બગડા લોખંડનો પાઇપ લઇ આવેલ અને હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન તેઓને તેમના પત્ની મધુબેન અને કુટુંબી ભાભી મનીષાબેન, ભત્રીજો હરેશભાઈ લખમણભાઇ બગડાએ વધુ મારમાંથી બચાવવા જતા આરોપી  જતા રહેલ હતાં. દરમિયાન તેઓની પત્ની સહિતનાઓને પણ મારમારી કહેલ કે, આ વખતે તો જીવતા જવા દીધેલ છે હવે આવ્યા તો જાનથી મારી નાંખવા છે તેવી ધમકી આપી હતી. બાદમાં  ઇજાગ્રસ્તોને સારવારમાં 108 મારફતે સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. 

જ્યારે સામાપક્ષે રાવકી ગામમાં નવા પ્લોટમાં રહેતાં મુકેશભાઈ મનસુખભાઇ બગડા (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મુકેશ લાખા બગડા, છગન હમીર બગડા, ગોરા નારણ બગડા,દિપક ભીમજી બગડા, લખમણ દેવા બગડા, જયસુખ છગન બગડા અને લલીત ભલા નામના શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ કડીયાકામ કરે છે. ગઈકાલે સવારે તેમના કુટુંબીભાઇ રાજુભાઈ બગડાએ માતાજીનો નવરંગો માંડવો કરેલ હોય જેથી સવારના માતાજીના માંડવામાં ગયેલ હતો. માંડવામાં અગિયારેક વાગ્યે  રવિ બગડા દારૂ પીધેલ હાલતમાં આવેલ અને ત્યાં કિશોરભાઈને ગાળો દેવા લાગેલ જેથી રવિને લઇ તેમના ઘરે આવતા રહેલ અને તેને સમજાવીને સામેવાળા સાથે સમાધાન થઇ ગયેલ હતું. 

બાદમાં રાજુભાઈ બગડાના ધરે જમવાનું હોય જેથી ત્યાં જમવા માટે ગયેલ અને જમીને તેઓ તેમના પિતા અને કાકા પ્રેમજીભાઇ રવિને ઘર પાસે બહાર બેસાડી સમજાવતા હતા ત્યારે ઘર પાસે મુકેશ બગડા, છગન બગડા, ગોરા બગડા અને દિપક બગડા હાથમાં ધોકા અને લોખડના પાઇપ લઇ આવેલ અને રવિને ગાળો આપી છગનએ  ઉશ્કેરાઇ જઇ ધોકાથી હુમલો કર્યો હતો. રવીને તેઓ છોડાવવા જતા મને પણ મુકેશે ધોકા વડે ફટકાર્યા હતાં. તેમજ અન્ય શખ્સોએ પણ ફરિયાદી તેમજ તેના પિતા અને કાકા પર તલવાર, પાઈપ  કડીયાકામ કરવાની પટ્ટી અને લાકડીથી હુમલો કર્યો હતો.

દરમિયાન  તેમની પત્ની પાયલ સહિતના લોકો દોડી આવતાં આરોપીઓએ કહેલ કે, હવે પછી ક્યારેય સામે આવ્યા છો તો તમને બધાને મારી નાખીશ તેમ ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં રાજકોટ ખસેડાયા હતાં. બનાવ અંગે લોધિકા પોલીસે સામસામી ફરીયાદ પરથી એક મહિલા સહિત 14 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj