દશકા બાદ હોટ બની રાજયની લોકસભા ચૂંટણી: દેશભરની નજર

ભાજપની હેટ્રીક કે કોંગ્રેસને આશ્વાસન ઈનામ! કાલે ગુજરાતનો ફેસલો

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 06 May, 2024 | 12:31 PM
♦ રાજયની 25 લોકસભા બેઠક પર 4.12 કરોડથી વધુ મતદારો: હાઈપ્રોફાઈલ સહિત 266 ઉમેદવારોના ભાવિ નકકી કરશે
સાંજ સમાચાર

♦ રાજયમાં હીટવેવની આગાહી: મતદારોને ઘરમાંથી બહાર ખેચવામાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની કસોટી

♦ ક્ષત્રિય આંદોલન ઉપરાંત લોકલ ફેકટર તથા ઉમેદવારોની વ્યક્તિગત ક્ષમતાને કારણે કોંગ્રેસને આશા: ભાજપ છેલ્લી ઘડીએ બાજી ફેરવવામાં વ્યસ્ત

રાજકોટ: 2024ની લોકસભા ચુંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના હોમ સ્ટેટ- ગુજરાતમાં લોકસભાની સુરત બેઠક બિનહરીફ વિજેતા બનાવીને દેશમાં રેકોર્ડ સર્જનાર ગુજરાતમાં હવે કાલે 25 બેઠકો પર મતદાન પુર્વે રાજકીય ઉતેજના વધી ગઈ છે અને દેશભરનું ધ્યાન ગુજરાતની રાજકોટ સહિતની અનેક બેઠકો પર કેન્દ્રીત થયુ છે.

રાજયમાં પ્રથમ વખત નોંધાયેલા 12 લાખથી વધુ મતદારો 4.97 કરોડ મતદારો આવતીકાલે 266 ઉમેદવારોના ભાવી નિશ્ર્ચિત કરશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓ પરસોતમ રૂપાલા, મનસુખ માંડવીયા અને દેવુસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે અને સૌથી મહત્વપૂર્ણ આ 25 બેઠકોમાં કોંગ્રેસ 23 અને આમ આદમી પાર્ટી 2 બેઠકો પર ચુંટણી લડે છે.

ગુજરાતમાં ભાજપે 2014 તથા 2019માં તમામ 26 બેઠકો પર વિજય પતાકા લહેરાવ્યા બાદ 2024માં જીતની હેટ્રીક સર્જવા ઉપરાંત તમામ બેઠકો પર 5 લાખની લીડનો જે વિજય લક્ષ્યાંક નિશ્ચિત કર્યો હતો પરંતુ ચુંટણીના પ્રારંભે જ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા વિધાનોએ પહેલા રાજકોટ તથા બાદમાં સમગ્ર ગુજરાતમાં વિવાદ સર્જીને અનેક બેઠકો પર રસપ્રદ સ્થિતિ સર્જી છે અને ભાજપને ડેમેજ કંટ્રોલ માટે છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધાર રાખવો પડયો છે અને હવે તેનો કેટલો પ્રભાવ પડયો છે તેના પર સૌની નજર છે.

કાલે ગુજરાતમાં મતદાનના સમયે જ આકરા તાપની આગાહી કરવામાં આવી છે અને તેથી તેની અસર મતદાન પર કેટલી થશે તે પ્રશ્ર્ન છે. ગુજરાતમાં એક બાદ ચુંટણીમાં વધુને વધુ મજબૂત થઈ રહેલા ભાજપ સાથે સતત નબળી પડી રહેલી કોંગ્રેસના આ જંગમાં એક તરફ ભાજપે તેની તમામ તાકાતથી ચુંટણી લડી છે તો કેટલાક કોંગ્રેસના ઉમેદવારો તેમની ખુદની ક્ષમતાથી વળતી લડાઈ આપી રહ્યા છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજકોટ-જામનગર-સુરેન્દ્રનગરને અમરેલીની બેઠક પર જંગની શકયતા છે તો ક્ષત્રિય આંદોલન- ઠાકોર મતદારો અને આદીવાસી મતક્ષેત્રમાં જબરો સ્પર્ધાત્મક સ્થિતિથી બનાસકાંઠા, વલસાડ, સાબરકાંઠા, પાટણ, ખેડા સહિતની બેઠકો પર પણ રસપ્રદ જંગની શકયતા છે. હવે ગુજરાતના મતદારો કાલે ભાજપને હેટ્રીક માટે સાથ આપે છે કે કોંગ્રેસને તેના ઉમેદવારોની ‘મહેનત’ મુજબ મતદાન કરે છે તેના પર નજર છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj