કચ્છનાં નાના રણ માટે કરોડોના ખર્ચે બનેલી બસો ભંગાર બની : શિક્ષણ અધ્ધરતાલ

Local | Surendaranagar | 16 April, 2024 | 01:32 PM
કેટલીક બસોના પગથીયા જ ગાયબ : રણ બસ શાળાની બસનું રીપેરીંગ કયારે ? : રણની ખારાશથી બસોને મોટુ નુકસાન : બાળકોના શિક્ષણની વ્યવસ્થા ગોઠવવા આગેવાનોની માંગ
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 16
કચ્છના નાના રણ માટે રૂ. 2.25 કરોડના ખર્ચે શિક્ષણ વિભાગે ત્રણેક વર્ષ અગાઉ બનાવેલી 30 રણ બસશાળાઓ ભંગાર હાલતમાં હોવાની અત્યંત ચોકાવનારી હકીકત સામે આવી છે. એન્જિન વગરની આ બસ શાળાઓ દર વર્ષે ચોમાસામાં રણમાં પાણી આવી જતા પાછી ગામમાં ટોર્ચન કરીને લાવવામાં આવે છે. જેમાં કેટલીક બસોના પગથિયાં જ તૂટી ગયા છે, તો કેટલીક બસોના પગથિયાં જ ગાયબ છે. જ્યારે કેટલીક રણ બસશાળા તો ભંગાર હાલતમાં પડેલી જોવા મળી છે.

આજથી ત્રણેક વર્ષ અગાઉ રણમાં અગરિયા ભુલકાઓ માટેની ’સ્કુલ ઓન વ્હીલ્સ’ બનાવવામાં આવી હતી. આ રણ બસ શાળામાં ડીશ એન્ટીનાની સાથે એલસીડી ટેલિવિઝન લગાવાયું હતુ. જેને રણમાં એન્ટીનાની પોઝીશન સેટ કરી સેટેલાઇટ સાથે કનેક્ટ કરી વંદે ગુજરાતની બધી ચેનલો બતાવવામાં આવી હતી. જે ભાસ્કચાર્ય ઇન્સ્ટિટ્યુટ મારફતે ટેલિકાસ્ટ થાય છે. જેમાં ધોરણ 1થી 8 ધોરણના સિલેબસને વિડીયો લેક્ચર અને ગ્રાફિક્સ દ્વારા ’ટીચર વગરની સ્કુલ’ની જેમ ભણાવવામાં આવતી હતી. આ બધુ અગરિયા ભુલકાઓ રણ બેઠા ક્રિએટીવલી ભણતા હતા.

વધુમાં આ રણ બસ શાળામાં બસની નીચેની સાઇડમાં ડીઝલની ટાંકી પાસે એક મોટું ખાનુ બનાવી એમાં સીન્ટેક્સની ચોરસ ટાંકી ફીટ કરી અગરિયા ભુલકાઓને પીવાના પાણી માટે એમાં નળ પણ મુકવામાં આવ્યા હતા. આ રણ બસ શાળામાં 18થી 24 ભુલકાઓ બેસી શકે એવી વ્યવસ્થા સાથે બન્ને સાઇડ 4-4 મળી કુલ 8 પંખા અને 6 એલઇડી લાઇટ મુકવામાં આવી હતી.

બસની ઉપર 300-300 વોટની 5 સોલાર પેનલો લગાવવામાં આવી હતી. જેનાથી રણમાં આખો દિવસ આ રણ બસ શાળાના તમામ પંખા, લાઇટ અને ટેલિવિઝન ચાલુ રાખવા પુરતી વિજળી મળી શકે. આ રણ બસ શાળામાં એક મોટું ગ્રીન બોર્ડ અને કુલ 6 સોફ્ટ બોર્ડ કે જેમાં અગરિયા ભુલકાઓએ દોરેલા ચિત્રો અને પેઇન્ટિંગ પણ લગાવી શકાય.

આ રણ બસ શાળાની અંદર ઘડીયા, સાદા દાખલા સહિત અગરિયા ભુલકાઓને ઉપયોગી એવા વિવિધ ચાર્ટ પણ લગાવેલા હતા. આ રણ બસ શાળામાં કાચની બારીની જગ્યાએ લોઅર્સ લગાવેલા હતા. જેનાથી રણમાં પવન અને તડકાને ઉપર નીચે કરીને ક્ધટ્રોલ કરી શકાય છે. બસની અંદર વૃક્ષો અને કાર્ટુન મૂકી સુંદર રીતે ડેકોરેટ પણ કરવામાં આવી હતી. અંદાજે સવા બે કરોડના ખર્ચે બનેલી આ 30 રણ બસ શાળાની બહાર આઇન્સ્ટાઇન, બેડમિંટન ચેમ્પિયન સાનિયા નહેવાલ, બોક્સીંગ ચેમ્પિયન મેરીકોમ અને સ્વામી વિવેકાનંદ જેવી પ્રેરણા મૂર્તિના ફોટા અને કોટ પણ મુકવામાં આવ્યા હતા. બસની પાછળનાા ભાગમાં અગરિયા ભુલકાઓને બસમાં ચઢવા માટેની સીડી પણ એડજેસ્ટેબલ છે જે ધક્કો મારો તો અંદરની સાઇડ જતી રહે અને ખેંચો તો બહારની સાઇડ નીકળી જાય એ રીતની મુકવામાં આવી હતી.

આ તમામ બસો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને એસ.ટી.કોર્પોરેશને આપી હતી. અને જેને મોડીફાય કરવાનો ખર્ચ ઇન્ડસ્ટ્રીઝ કમિશનરના એમ્પાવર્ડ કમિટીના બજેટમાંથી સર્વ શિક્ષા અભિયાને કર્યો હતો. તત્કાલીન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા આ રણ બસશાળાનું જાત નિરીક્ષણ કર્યા બાદ આ બસને ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનમાં લોક દર્શને મુક્યા બાદ રણમાં લઇ જવામાં આવી હતી.

રણ દીઠ બસ શાળા અને વિદ્યાર્થીઓની સ્થિતિ
ખારાઘોઢા અને ઝીંઝુવાડા રણ - 15 રણ બસશાળા - 340 વિદ્યાર્થીઓ, સાંતલપુર રણ - 8 રણ બસશાળા - 225 વિદ્યાર્થીઓ, ધ્રાંગધ્રા, હળવદ, મોરબી અને માળીયા રણ - 7 રણ બસશાળા - 150 વિદ્યાર્થીઓ.

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડાના વેરાન રણ વિસ્તારમાં અંદાજે 2000 અગરિયા પરિવારો રાત-દિવસ 24 કલાક "કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું" પકવવાનું આકરૂ કામ કરે છે. પોતાના બાળકો સહિતના પરિવારજનો સાથે વર્ષના આઠ મહિના કંતાનના ઝુંપડામાં રહીને છેવાડાના માનવી ગણાતા અગરિયા સમુદાય દુનિયાથી અલિપ્ત રહીને પરંપરાગતરીતે પેઢી દર પેઢી મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે. ત્યારે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અગાઉ રણમાં તંબુ શાળામાં અને હવે જૂની ખખડધજ બસોને મોડીફાય કરીને રણ બસ શાળામાં અગરિયા બાળકોને શિક્ષણનું ભાથું પુરૂ પાડવામાં આવે છે.

આ અંગે ગણેશ રણમાં જ મીઠું પકવતા અગરિયા શાંતાભાઇ મગનભાઇએ આક્રોશ સાથે જણાવ્યું કે, ગઈ વખતે ગણેશ રણમાં એક સાથે ચાર બસો મૂકાતા નજીકના ઝૂંપડાવાળા અગરિયાના બાળકો જ અભ્યાસ કરવા આવતા હતા. દૂરના ઝુંપડાવાળા માટે વાહનની કોઇ વ્યવસ્થા ન હોવાથી દૂરના ઝૂંપડાઓમાંથી એક પણ બાળક આ બસ શાળામાં ભણવા આવતો નહોતો.

એક બસ શાળાના પગથીયા તો શરૂ કરી ત્યારથી નથી તો રીપેરીંગ કરવા કોઇ ડોકાતું સુધ્ધા નથી. જ્યારે આ અંગે જીતેન્દ્રભાઇ રાઠાડે અગરિયા બાળકોના શિક્ષણની દયનીય હાલતના મુદે પત્ર લખીને રજૂઆત કરી હતી કે, અગરિયા બાળકોના શિક્ષણ પર પહેલા તંબુશાળા અને પછી બસશાળાના અખતરા બંધ કરી આગામી વિધાનસભા બજેટમાં રાજ્ય સરકારના મેઇન સ્ટ્રીમ બજેટમાં સમાવેશ કરી

આ વિમુક્ત અને વિચરતા સમુદાયના બાળકો માટે કાયમી શિક્ષણની વ્યવસ્થા અમલી કરવા રજૂઆત કરી હતી. જ્યારે સમસ્ત અગરિયા સમુદાયના અગ્રણીઓએ સરકારને પત્ર લખ્યો હતો કે, છેવાડાના માનવી ગણાતા એવા ગરીબ અને પછાત અગરિયાના બાળકોને સારૂ શિક્ષણ આપો.

ખારા રણના શિક્ષણની કડવી વાતો
આ બસ શાળાઓ અગરિયાના ઝુંપડાથી ખુબ દૂર હોવાથી રણ બસ શાળાઓમાં બાળકોની પાંખી હાજરી, રણમાં આકરા ઉનાળામાં 45 ડીગ્રી તાપમાનમાં પતરા તપાવતી શાળામાં પંખા પણ બંધ હોવાથી બાળકો કાળઝાળ ગરમીમાં તપે છે, દર અઠવાડિયે સરકારી શિક્ષકો બદલાતા હોવાથી અગરિયા બાળકો પર શિક્ષણની વિપરીત અસર,  ગણેશ રણની એક બસ શાળામાં બસ ચાલુ કરી ત્યારથી પગથિયાં જ ન હોવાથી બાળકો બસમાં ચઢી પણ શકતા નથી. ભણવાની વાત તો ખૂબ દૂર રહી, રણ બસ શાળા સુવિધાઓના અભાવે બની ખાલી ડબ્બા, એક જ બસ શાળામાં ધોરણ 1થી 8ના અગરિયા બાળકોને સાથે જ ભણાવવામાં આવે છે

આ અંગે સર્વ શિક્ષા અભિયાનના સુરેન્દ્રનગર જિલ્લા કોઓર્ડીનેટર પુનાભાઈ વકાતરે જણાવ્યું કે, રણમાં મુખ્યત્વે અગરિયાઓ દ્વારા મીઠું પકવવાનું કામ થાય છે. એટલે રણમાં ખારાસના કારણે આ સમસ્યા સર્જાય છે. અને બસો રિપેરિંગનું કામ અમારા ધ્યાનમાં જ છે. રણમાં આ બસ શાળા જાય એ પહેલા એના પગથિયાં રિપેરિંગ સહીતનું તમામ કામ કરી લેવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj