રાજકોટની બેઠક પર જે નામ હતું તે કોંગ્રેસનાં નેતા વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે

ઉમેદવાર પછી દાવેદાર;-તો રાજકોટની બેઠક પણ ‘બીનહરીફ’ થઈ હોત!

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 25 April, 2024 | 12:36 PM
♦ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં વાંકાનેર બેઠક પરથી ‘આપ’ વતી લડીને 53000 થી વધુ મતો મેળવનાર વિક્રમ સોરાણીને ટીકીટ આપવા સ્થાનિક સિનિયર નેતાઓએ દરખાસ્ત કરી હતી; શહેર કોંગ્રેસે વાંધો લીધો હતો
સાંજ સમાચાર

♦ ટીકીટ ન મળવાથી નારાજ થઈને ભાજપમાં જોડાવાનો નિર્ણય કે ‘પ્રિ-પ્લાન ’? કોંગ્રેસ નેતાઓ સ્તબ્ધ

રાજકોટ તા.25
લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ-ગુજરાતમાં નવા નવા રાજકીય ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે અને તેમાં હવે તેમાં ઉમેરો થયો હોય રાજકોટની બેઠક માટે કોંગ્રેસનાં દાવેદાર વિક્રમ સોરાણી ભાજપમાં જોડાઈ રહ્યા છે. 29 મીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં રાજકોટ ખાતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે.મહત્વની વાત એ છે કે કોંગ્રેસનાં લોકલ સીનીયર નેતાઓએ જ સોરાણીને લોકસભાનાં ઉમેદવાર બનાવવા નેતાગીરી સમક્ષ દરખાસ્ત કરી હતી. તેમને ઉમેદવાર બનાવાયા હોય તો રાજકોટની બેઠક પણ બિનહરીફ થઈ જાત તેવી ચર્ચા સાથે કોંગ્રેસ નેતાગીરી સ્તબ્ધ બની છે.

ગુજરાતમાં ભાજપે એક બેઠક પર તો ચૂંટણી અગાઉ જ વિજય હાંસલ કરી લીધો છે.સુરતમાં કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર બીનહરીફ જાહેર થઈ ગયા છે.કોંગ્રેસે ચૂંટણી પૂર્વે જ એક બેઠક ગુમાવી દીધી છે. રાજકોટમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાવાનું જોખમ ઉભુ થવાની ચર્ચા હવે શરૂ થઈ છે.રાજકોટની બેઠકમાં તેના દાવેદાર વિક્રમ સોરાણીએ ભાજપમાં જોડાવાનું જાહેર કર્યું છે.

29 મીએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં રામપર-બેટી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં વિક્રમ સોરાણી કેસરીયો ખેસ પહેરશે. કોળી સમાજનાં શકિતશાળી યુવા નેતા તરીકેની છાપ ધરાવતાં વિક્રમ સોરાણી 2022 ની વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી વતી વાંકાનેર બેઠક પરથી લડયા હતા અને 53000 કરતા વધુ મત મેળવ્યા હતા. આ પછી તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કોળી સમાજમાં સારૂ એવુ વર્ચસ્વ અને વાંકાનેરની લડાઈમાં સારા એવા મત મેળવ્યા હોવાથી રાજકોટની લોકસભા બેઠક પર તેમને ઉમેદવાર બનાવવાની દરખાસ્ત થઈ હતી.

લોકલ સિનીયર નેતાઓએ જ તેમના નામની ભલામણ પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરીને કરી હતી. જોકે શહેર કોંગ્રેસે તે સામે વાંધો લીધો હતો. તેઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા હોત અને ભાજપમાં જોડાઈ જાત તો શું સ્થિતિ થાત તેવી વાત સાથે કોંગ્રેસમાં જબરો ખળભળાટ સર્જાયો છે.

વિક્રમ સોરાણી ભાજપમાં જોડાઈ રહ્યાનું જાહેર થતાં કોંગ્રેસનાં સીનીયર નેતા ડો.હેમાંગ વસાવડાએ ખુલ્લેઆમ એવુ વિધાન કર્યું છે કે સોરાણીને ટીકીટ આપી હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ જવાનું જોખમ સર્જાવાનું સ્પષ્ટ છે. સોરાણીની ટીકીટ માટે ભલામણ કરનારા નેતાઓએ હવે આ દિશામાં વિચારવાની જરૂર છે.

કોંગ્રેસમાં એવી ચર્ચા જામી છે કે લોકસભાની ટીકીટ નહિં મળવાની નારાજગીથી વિક્રમ સોરાણી ભાજપમાં જોડાઈ રહ્યા છે કે પુર્વયોજીત જ નિર્ણય હતો. 
ભાજપમાં જોડાવાનો નિર્ણય પૂર્વયોજીત હોય તો કોંગ્રેસ માટે અત્યંત ગંભીર અને નાલેશીભરી હાલત સર્જાવાનુ જોખમ હતું કારણ કે રાજકોટની બેઠક માટે ઉમેદવાર નકકી કરવામાં કોંગ્રેસને ઘણી મહેનત કરવી પડી હતી.

હાઈ કમાન્ડના આદેશ બાદ પરેશ ધાનાણી રાજકોટથી લડવા તૈયાર થયા હતા.પરેશ ધાનાણી સિવાય અન્ય દાવેદારોમાં પ્રવિણ સોરાણીનું નામ ટોચ પર હતું. આ સિવાય ડો.હેમાંગ વસાવડા તથા હિતેશ વોરાના નામો ચર્ચામાં હતા. વિક્રમ સોરાણીનાં ભાજપમાં જોડાવાના નિર્ણયથી સમગ્ર કોંગ્રેસની નેતાગીરી સ્તબ્ધ થઈ ગઈ છે. કોંગ્રેસ પરથી મોટી ઘાત ટળ્યાની પણ ચર્ચા થવા લાગી છે.

આખુ કોળુ જ દાળમાં! વિક્રમ સોરાણી સભ્ય જ ન હોવા છતાં ઉમેદવાર તરીકે નામ ચગ્યું: કોંગ્રેસના કોઇ કાર્યક્રમમાં પણ હાજરી નથી
ઇન્દ્રનીલ-લલિત કગથરા પાસે ટીકીટ માટે રજુઆત કરી હતી
રાજકોટ, તા.25

રાજકોટના કોળી આગેવાન વિક્રમ સોરાણી 29મીએ ભાજપમાં જોડાવાના છે. તેઓ કોંગ્રેસની ટીકીટના દાવેદાર હતા ત્યારે આ ઘટનાક્રમ સર્જાતા રાજકીય ખળભળાટ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ વાતચીતમાં કહ્યું કે વાસ્તવમાં વિક્રમ સોરાણી કોંગ્રેસમાં હતા જ નહીં. અને પાર્ટીના સભ્ય પણ નથી. કોંગ્રેસના ઉમેદવાર બનવા તેઓએ માત્ર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ-લલિત કગથરા જેવા લોકલ નેતાઓ સમક્ષ રજુઆત કરી હતી.

ટીકીટ માટે તો ગમે તે દાવો કરી જ શકે છે. સેન્સ પ્રક્રિયા દરમ્યાન જ સમગ્ર હકીકત સામે આવી ગઇ હતી અને તેમના નામ પર ‘ચોકડી’ લાગી ગઇ હતી. ડો. હેમાંગ વસાવડાએ પણ એમ કહ્યું કે વિક્રમ સોરાણી કોંગ્રેસના કોઇ કાર્યક્રમમાં આવ્યા જ નથી. તેમના નામની દાવેદારી માટે પણ રુબરુ આવ્યા ન હતા અને ત્રણ-ચાર સમર્થકોને મોકલી દીધા હતા. આ દરમ્યાન હકીકત ખુલ્લી થઇ ગઇ હતી અને હાઇકમાંડે તથા નિરિક્ષકોએ સ્થળ પર જ તેમને ટીકીટ નહીં આપવાનું સ્પષ્ટ કરી દીધું હતું.

કોંગ્રેસમાં નેતાઓ ‘જુના દાવ’ કાઢવા મેદાને?
સુરતમાં કુંભાણીનું નામ સુચવનારા નેતાઓની તપાસ કરવા માંગ ઉઠી

કોળી આગેવાન વિક્રમ સોરાણીના ભાજપ પ્રવેશથી કોંગ્રેસનું આંતરિક રાજકારણ સળગ્યું છે. તેમને દાવેદાર તરીકે આગળ ધરનારા લોકલ નેતાઓ પર નિશાન તાકવા લાગ્યું છે. જુથવાદના જુના હિસાબોના દાવ નિકળવા લાગ્યા હોવાની ચર્ચા છે.

કોંગ્રેસની ટીકીટના દાવેદાર વિક્રમ સોરાણી ભાજપમાં જોડાય રહ્યાની ગત જાહેર થયેલા બાદ પાર્ટીના સોનીયર નેતા ડો. હેમાંગ વસાવડાએ સોશ્યલ મીડીયામાં વીડીયો પોસ્ટ મુકીને એમ કહ્યું કે સોરાણીને ટીકીટ આપવામાં આવી હોત તો ‘સુચીવાળી’ થઇ ગઇ હોત. પાર્ટીના જ અમુક નેતાઓએ તેમને કોંગ્રેસમાં લાવીને ટીકીટ આપવાનું સુચવ્યું હતું. ત્યારે પોતે તેમજ અશોક ડાંગર, અશોકસિંહ વાઘેલા, મહેશ રાજપૂત સહિતના નેતાઓએ સતત વિરોધ કર્યો હતો. હાઇ કમાંડે અમારો વિરોધ ગ્રાહ્ય રાખીને તેમને ટીકીટ આપી ન હતી અન્યથા સુરત જેવી સ્થિતિ શક્ય હતી.

ડો. વસાવડાએ એમ પણ કહ્યું કે, સુરતમાં કોંગ્રેસની નાલેશી માટે જવાબદાર ઉમેદવાર નિલેશ કુંભાણીની હજુ પાર્ટીએ હકાલપટ્ટી કરી નથી. હકીકતમાં કુંભાળીને ટીકીટ આપવાની દરખાસ્ત કરનારા નેતાઓ સામે પણ તપાસ થવી જોઇએ.

રાજકોટને લાગેવળગે છે ત્યાં સુધી કોંગ્રેસના એક વર્ગનું એક કથન છે કે સુરતમાં તપાસ થાય તો રાજકોટમાં પણ સોરાણીનું નામ સુચવનારા નેતાઓની તપાસ નથી જોઇએ. રાજકોટના ઘટનાક્રમ સામે કોઇ નેતાએ અન્ય કોઇ સામે ખુલ્લેઆમ નામજોગ નિશાન તાક્યું નથી છતાં વિવિધ વિધાનો ‘સૂચક’ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj