શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો: પાંચ લાખ કરોડનું ધોવાણ

India, Business | 09 May, 2024 | 04:33 PM
‘ઈલેકશન ઈફેકટ’ની અસર હોવાનું અનુમાન : રિલાયન્સ, આઈટીસી, એચડીએફસી બેંક જેવા હેવીવેઈટથી માંડીને રોકડાના શેરોમાં દબાણ : એક માત્ર ઓટો શેરો ઝળકયા
સાંજ સમાચાર

મુંબઈ,તા.9
મુંબઈ શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. ચુંટણી પરિણામો વિશે અનિશ્ચિતતા વ્યક્ત થવા લાગ્યાની મુખ્ય અસર હેઠળ આક્રમક વેચવાલી નીકળતા સેન્સેકસમાં 850 પોઈન્ટથી વધુનો કડાકો સર્જાયો હતો. ઈન્વેસ્ટરોના પાંચ લાખ કરોડ ડુબ્યા હતા. બીએસઈનું કુલ માર્કેટકેપ 400 લાખ કરોડથી નીચે આવી ગયુ હતું.

શેરબજારમાં આજે માનસ નબળુ બની રહ્યું હતું. શરૂઆતથી જ રેડઝોનમાં રહ્યા બાદ વેચવાલીનું દબાણ સતત વધતું રહ્યું હતું. વિદેશી નાણાંસંસ્થાઓની આક્રમક વેચવાલીનો પ્રત્યાઘાત હતો. રીટેઈલ ઈન્વેસ્ટરોની ખરીદી ધીમી પડી ગયાની અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે લોકસભા ચૂંટણીના ત્રણ તબકકા પુર્ણ થઈ ગયા છે ત્યારે હવે માર્કેટ ચુંટણી પર ફોકસ કરવા લાગ્યુ છે.

ખાસ કરીને સટ્ટાબજારમાં ભાજપને મળનારી સંભવિત બેઠકોનો આંકડો ઘસાતો હોવાથી અગાઉના અંદાજ મુજબના પરિણામ નહીં આવવાની અટકમાંથી સાવચેતી ઉભી થઈ હતી. આ સંજોગોમાં સરકાર એજન્ડા મુજબ આગળ ન વધી શકે અને હિંમતભર્યા પગલા ન લઈ શકે તેવી આશંકાને કારણે પણ માનસ નબળુ પડયુ હતું.

ભાજપ-એનડીએને બહુમતી મળવાનું અને ફરી મોદી સરકાર આવવાનું નિશ્ર્ચિત ગણાતુ હોવા છતા અત્યાર સુધી મુકાતા અંદાજ મુજબ સીટો ન મળે તો અસર થઈ શકે છે. રાજકીય પ્રચારમાં અદાણી-અંબાણી જેવા કોર્પોરેટ ગ્રુપોના નામો ગાજવા લાગતા તેની પણ અસર હતી. રીઝર્વ બેંકે ગોલ્ડલોન મામલે નોન-બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓને ચેતવણી આપતા મન્નાપુરમ મુથુર જેવી કંપનીઓના શેરો દબાણમાં આવ્યા હતા.

રીલાયન્સ, આઈટીસી, એચડીએફસી બેંક જેવા હેવીવેઈટ ઉપરાંત ટેક મહીન્દ્ર, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, મારૂતી, નેસલે, પાવરગ્રીડ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ડીવીઝ લેબ, કોલ ઈન્ડિયા વગેરેમાં ઘટાડો હતો. ટાઈટન, એચસીએલ ટેકનો, ટાટા મોટર્સ, ઈન્ફોસીસ, મહીન્દ્ર, સ્ટેટ બેંક, હીરો મોટો જેવા શેરો ઉંચકાયા હતા. એપ્રિલમાં વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હોવાનુ જાહેર થતા ઓટો શેરો ઝળકયા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 800 પોઈન્ટના ગાબડાથી 72666 સાંપડયો હતો જે ઉંચામાં 73499 તથા નીચામાં 72603 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 257 પોઈન્ટના ગાબડાથી 22045 હતો જે ઉંચામાં 22303 તથા નીચામાં 22021 હતો.

બીએસઈમાં આજે 3853 શેરોમાં ટ્રેડીંગ થયુ હતું. 1050 મજબૂત હતા. જયારે 2664માં ગાબડા હતા. 150 શેરો વર્ષની ઉંચાઈએ હતા. 35 વર્ષના તળીયે હતા. 204 શેરોમાં તેજીની તથા 302માં મંદીની સર્કીટ હતી. શેરબજારમાં આજના કડાકામાં ઈન્વેસ્ટરોના 5 લાખ કરોડનુ ધોવાણ થયુ હતું. બીએસઈનું માર્કેટ કેપ 400 લાખ કરોડથી નીચે ઉતરીને 396 લાખ કરોડ રહ્યું હતું.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj