70 ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સામે પડકારો, મતદાન જાગૃતિના કાર્યક્રમો પર જોર

23.50 લાખ મતદારોને ડોર ટુ ડોર મતદાર સ્લીપનું વિતરણ શરૂ : તા. 2 સુધીમાં કામગીરી પૂર્ણ કરવા આદેશ

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 23 April, 2024 | 05:33 PM
2225 બી.એલ.ઓ.ને કામે લગાડાયા : સૌપ્રથમવાર ગુગલ મેપ-QR કોડવાળી મતદારોને સ્લીપ : 11 ઓકઝીલીયરી મતદાન મથકો તૈયાર કરાયા
સાંજ સમાચાર

રાજકોટ, તા. 23
રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણી ચિત્ર ગઇકાલે સ્પષ્ટ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી ર3.પ0 લાખ  મતદારોને ડોર ટુ ડોર મતદાર સ્લીપનું વિતરણ શરૂ કરી દેવામાં આવેલ છે. આ મતદાર સ્લીપના વિતરણની કામગીરી  તા. ર સુધીમાં પૂર્ણ કરી દેવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી દ્વારા આદેશ આપવામાં આવેલ છે. 

મતદારોને આ વખતે સૌપ્રથમવાર ગુગલ મેપ-કયુઆર કોડવાળી મતદાર સ્લીપ આપવામાં આવી રહી છે. જેના થકી મતદારોને તેમના વિસ્તારોના મતદાન બુથ શોધવામાં આસાની થશે. મતદારો સહેલાઇથી મતદાન કરવા માટે મતદાન બુથ પર પહોંચી શકશે. રાજકોટ લોકસભા બેઠકની આ ચૂંટણી માટે રરરપ મતદાન મથકો તૈયાર કરાયા છે.  તેની સાથોસાથ 11 ઓકઝીલીયરી (હંગામી) મતદાન મથકો તૈયાર કરાયા છે. 

મતદારોને મતદાર સ્લીપ 2225 બીએલઓને કામે લગાડી દેવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં આ વખતે મહિલા સંચાલિત મતદાન મથક 56 (દરેક વિધાનસભામાં 7), પીડબલ્યુડી સંચાલિત મતદાન મથક 8,  યુવા સંચાલિત મતદાન મથક 1 (70-રાજકોટ દક્ષિણ) તેમજ મોડલ પોલીસ સ્ટેશન  8 તૈયાર કરાયા છે તેમજ 1118 મતદાન મથકો પર વેબકાસ્ટીંગ કરવામાં આવનાર છે. 

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 70 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. પરંતુ આગામી મે માસમાં ગરમીના પ્રકોપના કારણે મતદાનની ટકાવારી ઘટે તેવી શકયતા નકારી શકાતી નથી. જોકે વહીવટી તંત્ર દ્વારા ગત વિધાનસભાની ચૂંટણીમાં જયાં ઓછું મતદાન થવા પામેલ હતું. તેવા વિસ્તારોની  ખાસ યાદી તૈયાર કરવામાં આવી છે અને આવા વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધે તે માટે વિશેષ જોર આપવામાં આવી રહ્યું છે. 

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી તેમજ અધિક કલેકટર મુછારના માર્ગદર્શન હેઠળ રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં મતદાર જાગૃતિના કાર્યક્રમોને વેગ આપવામાં આવી રહ્યો છે. તેની સાથોસાથ આચારસંહિતાના  ચુસ્ત અમલીકરણ માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે ગઇકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકોટ લોકસભા બેઠકનો ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની જવા પામેલ હતું. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ સહિત 9 ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે. જેમાં મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ખેલાશે. 

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી ન્યાયી અને પારદર્શકતાથી યોજાઇ તે માટે ચૂંટણી તંત્ર દ્વારા કમર કસી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં 23.50 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 

► બપોરે EVMનું સેકન્ડ રેન્ડમાઇઝેશન
ઉમેદવારોની ઉપસ્થિતિમાં 3602 બીયુ,2976 સીયુ અને 3489 વીવીપેટને બુથ ફાળવાયા

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે આજે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી તેમજ અધિક કલેકટર (ચૂંટણી) મુંછાર દ્વારા ઇવીએમનું સેકન્ડ રેન્ડમાઇઝેશન ઉમેદવારોની ઉપસ્થિતિમાં આજે બપોરના જિલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવેલ હતું. 

જેમાં 3602 બીયુ 2976 સીયુ અને 3489 વીવીપેટને બુથ ફાળવી દેવામાં આવેલ હતા. અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ ઇવીએમના પ્રથમ રેન્ડમાઇઝેશનના વોટીંગ મશીનોને વિધાનસભા વિસ્તાર ફાળવવામાં આવેલ હતા.

જે બાદ આજે બીજુ રેન્ડમાઇઝેશન હાથ ધરી ઇવીએમ, બીયુ અને વીવીપેટને મતદાન બુથોની ફાળવણી કરી દેવામાં આવી હતી.અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ચૂંટણીની કામગીરી માટે ચૂંટણી સ્ટાફના પણ પ્રથમ અને દ્વિતીય રેન્ડમાઇઝેશનની   પ્રથમ અને દ્વિતીય રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

► મતદાન બુથો પર EVM સાથે ‘અવિલોપ્ય શાહી’ સહિત થોકબંધ મતદાન સામગ્રી પણ મોકલાશે
બ્રેઇલ મતપત્રો, વૈધાનિક-બીનવૈધાનિક કવર, મેટલ સીલ, મોકપોલ સ્લીપ, રબ્બર સ્ટેમ્પ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ
રાજકોટ લોકસભાની ચૂંટણીના મતદાન મથકો પર ઇવીએમ મશીનોની સાથે થોકબંધ મતદાન સામગ્રી પણ જિલ્લા  વહીવટી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવનાર છે. આ તમામ સામગ્રી રાજકોટ ખાતે આવી પહોંચી છે.

જેમાં મતદારો  મતદાન આપવા જાય છે શાહીનું ટપકુ કરવામાં આવે છે. તે અવિલોપ્ય શાહી ઉપરાંત મત કુટીર, મતોની યાદી, વૈધાનિક અને બીનવૈધાનિક પુસ્તિકા, ઉમેદવાર માહિતી પુસ્તિકા, પરબીડીયા, વૈધાનિક કવર, બીનવૈધાનિક કવર, બીયુ, સીયુ અને વીવીપેટ માટે સામાન્ય સરનામા ટેગ્જ, ઇવીએમ માટે ગ્રીન પેપર સીલ્સ, ચોકડીની નિશાનીવાળા રબ્બર સ્ટેમ્પ, મતદાન મથકના પ્રમુખ અધિકારી માટે મેટલ સીલ, વિશિષ્ટ ચિન્હ રબ્બર સ્ટેમ્પ, મોકપોલ સ્લીપ રબ્બર સ્ટેમ્પ, બ્રેઇલ મતપત્રો, ઇવીએમ અને વીવીપેટ ઉપર મત કેવી રીતે આપવો તે અંગેનું પોસ્ટર, સ્ટેમ્પ પેડ, દિવાસળીની પેટી, સાઇન બોર્ડ, પેન્સીલ, કોરા કાગળ, લાખ, ગમ પેસ્ટ, મીણબતીઓ, કાર્બન પેપર સહિતની થોકબંધ સામગ્રી મતદાન મથકો પર ચૂંટણી તંત્ર દ્વારા પહોંચાડાશે.

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj