રાજકીય પક્ષો અને ઉમેદવારો જ ચૂંટણી લડતા હતા પ્રજાને ભાગ્યે જ રસ હતો

ઓછું મતદાન: હીટવેવ નાનૂ ફેકટર; કોઈ મુદા નહી તે મોટું કારણ

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 08 May, 2024 | 12:24 PM
♦ 2019ની સરખામણીમાં દેશની પેટર્ન પર ગુજરાતમાં પણ ઓછું મતદાન દર્શાવે છે કે 2014-2019માં જે મુદા હતા તે આ ચૂંટણીમાં જોવા મળ્યા નથી
સાંજ સમાચાર

♦ ભરૂચ-ભાવનગર જેવી બેઠકોમાં સમજુતી છતાં ‘આપ’ એકલી જ લડી રહી હોય તેવા માહોલ પણ મતદાન ઘટાડી ગયો

♦ મંગળસૂત્ર-મુસલમાન-ભેસના ભાગલા અને અનામત જેવા મુદાઓથી ગુજરાત ઘણું આગળ ચાલ્યુ ગયુ છે તે ભાજપ સમજી શકયો નહી અને તેનાથી લોકોને નેગેટીવ ફિલીંગ થઈ

♦ કોંગ્રેસમાં પક્ષ નહી ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હોય તેવી સ્થિતિ જ નથી: પક્ષ માહોલ સર્જી શકયો નહી: મુદાઓમાં ફકત મોદી હટાવના જ એજન્ડા: અનેક બેઠકો પર ટોકન ફાઈટ જેવા ઉમેદવાર મુક્તા મતદારો નિરાશ થયા

♦ ગુજરાતનો પ્રશ્ન છે તો 26 બેઠકો પર હેટ્રીક પાંચ લાખની લીડનો નેરેટીવનો ‘ઓવરડોઝ’ આપીને લોકોને કોઈ પસંદ જ નથી તેવું સ્થાપિત કરવા કરેલા પ્રયત્નથી પણ એક વર્ગ મતદાનથી દુર રહ્યો

♦ અમદાવાદ-ગાંધીનગર-મહેસાણા સહિતની અનેક બેઠકો પર ભાજપના કમીટેડ મતદારો નિકળ્યા તે સ્વીકાર્ય પણ રાજયભરમાં આ ફોર્મ્યુલા લાગુ પાડી શકાય નહી

♦ વલસાડમાં ગત ચુંટણી કરતા ઓછું છતાં 70% પ્લસ મતદાન- બનાસકાંઠામાં ગત ચૂંટણી ક્રતા વધુ મતદાનથી રસપ્રદ સ્થિતિ: વિપક્ષને આ પોકેટમાંજ આશા

♦ ગરમી છતા ભાજપનું બુથ મેનેજમેન્ટ તે રીતે ગોઠવાયુ નહી, કાર્યકર્તાઓને સતત ઓવરકોન્ફીડન્સનો ડોઝ અપાતા તેઓ પણ મતદારોને ખેચી શકયા નહી

♦ કોઈ સ્ટાર પ્રચારક નહી: ફ્રી થયેલા સુરતની ઈફેકટ પણ અમરેલીમાં ન દેખાઈ

♦ દિલીપ સંઘાણી સહિતના નેતાઓની ઉપેક્ષા: રૂપાલા જૂથ પુરેપુરુ રાજકોટમાં ખડકાઈ ગયુ

રાજકોટ: લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠકો પર ગઈકાલે ‘હીટ-વેવ’ની સ્થિતિ વચ્ચે થયેલા મતદાનથી હવે પરિણામનું સસ્પેન્સ અપાવી દીધુ છે અને આગામી તા.4ના રોજ મતગણતરી સમયે આ ઓછા મતદાનની અસરથી કોઈ અપસેટ સર્જાતો કે પછી ભાજપની હેટ્રીક જ જોવા મળશે તે ચર્ચા છે એ વાસ્તવિકતા છે કે 2019 કરતા રાજયમાં મતદાન ટકાવારી ઘટી છે.

પાંચ વર્ષ પુર્વેની લોકસભા ચૂંટણીમાં 64.51% મતો પડયા હતા અને તેઓ ભાજપે તમામ 26 બેઠકો પર મોટી લીડથી વિજય મેળવ્યો હતો. તે સમયે આ ચૂંટણીમાં ઓછુ મતદાન એ ભાજપ માટે પણ ચિંતા છે. જો કે આ પક્ષના નેતાઓ દાવો કરે છે કે અમારા કમીટેડ મતદારો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે જેઓ ઈચ્છે છે તેઓએ મતદાન કર્યુ છે અને વિપક્ષો નબળા હતા તેથી તેઓ મતદાન કરાવી શકયા નહી તેથી મતદાન પર અસર પડી છે.

ગુજરાતમાં મતદાન સમયે હીટવેવ હશે તે આગાહી લાંબા સમય પુર્વે થઈ હતી અને તેમાં ભાજપે વહેલા મતદાન માટે તેના જે બૂથ મેનેજમેન્ટની ચિંતા કરી હતી તે કારગર નિવડી નહી હોવાનું પક્ષના સૂત્રો સ્વીકારી રહ્યા છે જે રીતે મતદાન મથકો આસપાસ ‘ટેબલ’ ગોઠવવા જોઈએ કે સોસાયટી અને ચોકકસ પોકેટના મતદારોનું વોટીંગ થવું જોઈએ તેનો સવારથી જ અભાવ જણાતો હતો અને બપોર થતા જ મતદાનનો પ્રવાહ ઘટવા લાગ્યો હતો અને પછી સાંજે આખરી કલાકોમાં પણ તે જોર પકડી શકયો નહી તે વાસ્તવિકતા છે.

મુદાઓનો અભાવ
દેશમાં લોકસભા ચૂંટણી ફકત ફરી મોદી કે મોદી નહી તેવા જ મુદા પર ચાલી ગઈ છે અને સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય મુદાઓનો અભાવ જોવા મળ્યો હતો. સૌથી મહત્વનું એ છે કે રાજયમાં એક માત્ર બનાસકાંઠા બેઠક પર જ 2019 કરતા વધુ મતદાન થયુ તેમાં હવે ઉમેદવારોની ભૂમિકા મહત્વની બની હોવાનું માનવામાં આવે છે. લોકસભા ચૂંટણીમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છ રેલીઓ પર જ ભાજપ કોઈ મુદા સર્જવા આધારીત હતો અથવા મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે મત માંગ્યા હતા. ભાજપે આ ચૂંટણીના પ્રારંભે જ જે રીતે ત્રીજી ટર્મ નિશ્ચિત હોવાનો નેરેટીવ બનાવ્યો અને ફકત 400ને પાર માટે જ અને પાંચ લાખની લીડ જ જોઈએ તે નેરેટીવ બનાવ્યો પછી કોઈ એવા મુદા મુકયા નહી કે લોકોને તે માટે મતદાન કરવા માટે પણ પ્રેરણા મળે.

આ માટે રસપ્રદ વિશ્ર્લેષણમાં એવું કહેવાયું કે જેમાં એવું માનવા લાગ્યા કે મોદી ફરી આવવાના જ છે તેઓમાં એક વર્ગ મતદાનથી દુર રહ્યો. આપણા પક્ષની જરૂર નથી તે ભાવ પણ થોડો કામ કરી ગયો તો બીજો વર્ગ એ કે જેઓ નેગેટીવ હતા કે આપણા મતથી હારવાનો નથી તેથી મત આપવા ગયા નહી તે પણ ઓછા મતદાનનું એક કારણ છે. ભાજપે તેનો 400 પાર પાંચ લાખની લીડનો જે નેરેટીવ ઓવર ચગાવ્યો તે પણ લોકોને નિરઉત્સાહ કરી ગયો તો તેના કારણે કાર્યકર્તાઓની આક્રમકતા ઘટી ગઈ હતી અને તેમાં કોંગ્રેસ પાસે અનેક બેઠકો પર ફકત ટોકન ફાઈટ આપી નહી હોવા જેવા જ ઉમેદવાર મૂકયા હતા તે પણ એક કારણ બની રહ્યું હોવાનું માનવામાં આવે છે.

તો ભાજપમાં જે રીતે પેરેશુટ ઉમેદવાર મુકાયા કે મોદીના નામે કમળ પર મત પડશે તેવું નિશ્ર્ચિત કરીને જેઓ પ્રજા સાથે સંપર્ક નહીવત હોય તેવા ચહેરાને ઉમેદવાર બનાવ્યા તેનાથી પણ મતદાનનો ઉત્સાહ ઘટયો. ઉમેદવારને ચુંટવા નહી પણ મોદીને હરાવવા કે જીતાડવા જ મતદાન કરાયુ હતું. ગુજરાતમાં મંગળસૂત્ર કે ભેસ જેવા મુદા અથવા તો અનામત- હિન્દુ મુસ્લીમ જેવા મુદાઓ ગુજરાતમાં અસરકારક નિવડતા નથી અને રામમંદિર એ ઘસાઈ ગયેલો મુદો છે તેવું રાજકીય વિશ્ર્લેષણ થયું છે અને ગુજરાત નવી સમૃદ્ધિ, નવા પ્રોજેકટ ઈચ્છે છે પણ તેવું કંઈ પ્રેઝન્ટેશન ભાજપ મતદારો સમક્ષ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

ક્રીમ બેઠકો પર મતદાન ઘટયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રભાવવાળા મતક્ષેત્ર ગાંધીનગર-અમદાવાદ પુર્વ અને પશ્ર્ચીમ મતદાન 5થી6% ઘટયુ છે અને ખાસ કરીને અમદાવાદમાં જે રીતે ઘાટલોડીયા સહિતના મતવિસ્તારોમાં મતદાન ઘટયું તેનો ભાજપ પાસે પણ જવાબ નથી. આ તમામ બેઠકો પર જીત નિશ્ચિત છે અને મોદી-શાહ-ભુપેન્દ્ર પટેલના મતક્ષેત્રોના મતદારો પુરી રીતે પણ બહાર આવ્યા નહી.

કોંગ્રેસ ફેકટર
ભાજપથી સાવ ઉંધુ કોંગ્રેસમાં પક્ષ નહી ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હોય તેવું દ્રશ્ય હતું અને તેથી બનાસકાંઠા જયાં સૌથી વધુ મતદાન 2019 કરતા વધુ થયુ તે કોંગ્રેસની આક્રમકતા ને કારણે હોવાનું માનવામાં આવે છે. ભરૂચમાં 2019ના 77.55% મતદાન સામે આ ચૂંટણીમાં 68.55% મતો પડયા તેમાં આ બેઠક પર ‘ઈન્ડી’ ગઠબંધનની સમજુતીના ભાગરૂપે આમ આદમી પાર્ટીને લડવા અપાઈ હતી જયાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉમેદવાર હતા પણ કોંગ્રેસ પક્ષ છેલ્લે સુધી તેને સાથ આપતો હોય તેવું ચિત્ર ન હતું.

પ્રિયંકા ગાંધી પણ આવ્યા તો પણ આ ક્ષેત્રમાં નહી વલસાડમાં ગયા અને ગેનીબેન માટે બનાસકાંઠામાં પ્રચાર કર્યો. ભાવનગરમાં પણ કોંગ્રેસ પક્ષ જે રીતે પ્રચારમાં જોડાવાથી દુર રહ્યો છે તે પણ એક કારણ ગણાય છે.

ક્ષત્રિય ઈફેકટ
રાજયમાં ચૂંટણી સમયે જ સર્જાયેલા ક્ષત્રિય વિવાદમાં અનેક બેઠકો પર ક્ષત્રિયોના સામુહિક મતદાનના દ્રશ્યો જોવા મળ્યા. ભાજપે ક્ષત્રિય સમાજમાં ભાગલા પાડવા પ્રયાસો કર્યા છતાં આક્રમક મતદાન થયુ છે કે કેમ તે પ્રશ્ન છે. હવે આ સમુદાયનું મતદાન કેટલું અસરકારક બની શકે છે તે પ્રશ્ન છે તો તેની સામે કોઈ બેઠક પર પાટીદાર કે અન્ય સમાજ તેટલો આક્રમક ન હતો. વલસાડમાં મતદાન હતા. ચૂંટણીમાં સૌથી વધુ થયુ તેમાં આ બેઠક પર ભાજપ માટે ‘જોખમ’ વધ્યુ છે. અહી 2019ના 75.48% સામે આ વખતે 72.24% થયુ છતા પુરા રાજયમાં તે સૌથી વધુ રહ્યું તે નોંધ લેવી પડે એકંદરે આ ચૂંટણી રાજકીય પક્ષો અને ઉમેદવાર લડી રહ્યા હતા તે માહોલ મતદારોને નિરૂત્સાહી કરી ગયો હોવાનું માનવામાં આવે છે.

લોકોને ચૂંટણીમાં રસ ઘટી ગયો છે: ડો. કાનાબાર
અમરેલીમાં સૌથી ઓછુ મતદાન: ઉમેદવારથી લઈ અનેક ફેકટરો જવાબદાર
ભાજપે સૌને ચોંકાવે તેવા ચહેરાને ચૂંટણી લડવા પસંદ કર્યા: કોંગ્રેસ પક્ષે જેનીબેન ઠુમરને તેમની તાકાત પર ચુંટણી લડવા કહ્યું

રાજકોટ: સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતમાં અમરેલી લોકસભા બેઠક પર રાજયમાં સૌથી ઓછું મતદાન ભાજપમાં પણ ચર્ચાનું કારણ બની ગયું છે અને ખાસ કરીને આ બેઠક પર લોકલ ફેકટરની ભૂમિકાની ચર્ચા છે. સૌ પ્રથમ તો આ બેઠક પરના ઉમેદવાર જાહેર કરવામાં ભાજપે વિલંબ કર્યો હતો અને અંતે જીલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયાને ટિકીટ આપી સમગ્ર અમરેલી પંથકમાં આંચકો આપ્યો હતો. પક્ષના સિનીયર નેતા અને અમરેલી વિસ્તારમાં જાણીતા ડો. ભરતભાઈ કાનાબાર કહે છે કે લોકો કોના માટે મતદાન કરે તે પ્રશ્ન હતો અને જે મતદાન થયુ છે તે મોદી માટે હતું.

ગરમી ફેકટરની ભૂમિકા હતી પણ તે પાછળ ઓછું મતદાન કરાવી શકે તેટલી પ્રભાવી ન હતી. બન્ને ઉમેદવારો ચૂંટણીનો માહોલ સર્જી શકયા નહી અને કોઈ મોટી સભા કે રેલી કે કોઈ સ્ટાર પ્રચારક પણ નહી આવતા ચૂંટણી રસહીન બની ગઈ હતી. તેઓએ એક ચોંકાવનારા વિધાનમાં કહ્યું કે લોકોને ચૂંટણીમાં રસ ઘટી રહ્યો છે તે ચિંતાજનક છે. એક તબકકે સુરતમાં ભાજપને બિનહરીફ બેઠક મળતા હવે અમરેલીમાંથી જે સુરતમાં સ્થાયી થયા છે તેઓ હવે આ જીલ્લા અને ભાવનગરમાં પ્રચાર માટે આવશે તેવા સંકેત હતા પણ તેવું કઈ થયુ નહી.

અગાઉ સુરતથી બસો ભરીને અમરેલી ભાવનગરમાં જે રીતે પહોંચતા હતા તેવું થયું નથી અને સૌથી મોટુ આ બેઠક પર પક્ષના જૂના જોગીઓની જે અવગણના થઈ તે પણ ભૂમિકા ભજવી ગયું છે. દિલીપ સંઘાણી જેવા લોકસભા અને રાજયસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા નેતાઓને પણ છેલ્લા દિવસ સુધી તેઓ અમરેલીમાં હોવા છતાં પ્રચારમાં કે લોકસંપર્કમાં પણ બોલાયા ન હતા તેવી ચર્ચા ભાજપમાં થઈ છે.

આ જ રીતે ડો. કાનાબાર સહિતના અનેક નેતાઓની પણ અવગણના થઈ કે જેઓ લોકમિજાજ પારખતા હતા જયારે રૂપાલા કેમ્પ પુરેપુરી રીતે રાજકોટમાં પહોંચી ગયું અને તેના કારણે પણ મતદાન પર અસર પડી હતી.

કોંગ્રેસ પક્ષ તેના કાયમના દર્દથી પીડાય છે. પક્ષ અહી ભાગ્યે જ ચૂંટણી લડતો હતો અને જેનીબેન ઠુમર અને વિરજીભાઈ ઠુમર એ તમામ તાકાત લગાવી પરંતુ જે રીતે ભાજપ અગાઉ અમરીશ ડેર સહિતના અગ્રણીઓ ભાજપમાં જોડાઈ ગયા તેના કારણે કોંગ્રેસને જીલ્લામાં નેતૃત્વની જે ખોટ થઈ છે તે ચૂંટણીમાં નજરે ચડી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj