વડાપ્રધાન મોદી-ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રારંભમાં જ મતદાન કરી મતદારોનો ઉત્સાહ વધાર્યો

ગુજરાતમાં તમામ 25 બેઠકો પર પ્રારંભિક ઉત્સાહભર્યું મતદાન

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 07 May, 2024 | 11:46 AM
♦ ગરમીની અસર ટાળવા મતદારોએ સવારથી જ મતદાન મથકો પર કતાર લગાવી : અનેક બેઠકો પર રૂપાલા ફેકટરની અસર: ક્ષત્રિય સમાજનું ભારે મતદાન થવાના સંકેત
સાંજ સમાચાર

♦ હવે ઉષ્ણતામાનનો પારો ચડયા બાદ મતદારોની સાચી કસોટી: રાજયમાં પક્ષો દ્વારા વહેલા મતદાન માટે પ્રયાસો

રાજકોટ: લોકસભા ચૂંટણીના ત્રીજા તબકકામાં આજે ગુજરાતની 25 લોકસભા બેઠક પર સવાર 7 વાગ્યાથી જ ભારે મતદાનના સંકેત છે. 17મી લોકસભાની ચૂંટણીમાં દેશમાં 12 રાજયોની 92 બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાતમાં બિનહરીફ થયેલી સુરત સિવાયની 25 બેઠકો પર હીટવેવ, ઈફેકટ ટાળવા માટે સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકો પર કતાર જોવા મળી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી શ્રી અમીત શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના પોલીટીકલ સેલીબ્રીટીએ પ્રથમ કલાકમાં જ મતદાન કરીને રાજયભરમાં મતદારોનો ઉત્સાહ વધાર્યો હતો.

રાજયમાં 4.23 કરોડથી વધુ મતદારો આજે 25 બેઠકો પર 266 ઉમેદવારોમાંથી 25 સાંસદોને ચુંટી કાઢવા મતદાન કરી રહ્યા છે અને 23 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ તથા બે બેઠકો પર ભાજપ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે જંગ છે. રાજયમાં રૂપાલા ફેકટરથી રાજકોટ સહિતની બેઠકો હોટ ટોપીક બની ગઈ છે અને આજે મતદાનમાં પણ તેની અસર જોવા મળી છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજકોટ સહિતની બેઠકો પર ક્ષત્રિય વિસ્તારોમાં કેસરી સાફા પહેરીને ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા કેસરી સાડી પહેરીને ક્ષત્રિય બહેનો મતદાન કરવા ઉમટી હતી અને મતદાન મથકો પર પણ જય ભવાનીના નારા સંભળાતા હતા. આજે લોકસભાની સાથે વિધાનસભાની પાંચ બેઠકો પર પણ પેટાચુંટણીનું મતદાન થઈ રહ્યું છે અને આ બેઠકો પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા તમામ પુર્વ ધારાસભ્યો તેમના જ પુર્વ સાથીદારો સામે ટકરાઈ રહ્યા છે.

જયાં સૌરાષ્ટ્રના બે હાઈપ્રોફાઈલ ઉમેદવારો પોરબંદર ધારાસભા બેઠક પર અર્જુન મોઢવાડીયા અને માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીનો પણ સમાવેશ થાય છે. કુલ પાંચ બેઠકા પર 24 ઉમેદવારો મેદાનમાં છે અને તેમનું ભાવી પણ લોકસભાના ઉમેદવારો સાથે નિશ્ર્ચિત થશે.

ગુજરાતમાં વિવાદોની હારમાળા વચ્ચે પ્રચારમાં ક્ષત્રિય ફેકટરની અસર જોવા મળી હતી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સૌરાષ્ટ્ર-ગુજરાતની છ બેઠકો પર રેલી યોજાઈ હતી તે સિવાય ગુજરાતનો ચુંટણી પ્રચાર લગભગ સ્થાનિક સ્તર પર આધારિત હતો તો સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા આ બેઠક પર ભાજપે અન્ય તમામ અપક્ષોને ‘સમજાવી’ને જે રીતે ઉમેદવારી પાછી ખેચાવી તે પણ દેશમાં હોટટોપીક બની હતી અને લોકસભા ચુંટણીમાં પ્રથમ બેઠક પર ભાજપે બિનહરીફ કબ્જો કર્યો હતો.

આજના મતદાનમાં ભાજપે તમામ 25 બેઠકો પર પાંચ લાખ મતોની લીડનો જે લક્ષ્યાંક નિશ્ર્ચિત કર્યો છે તેમાં હવે કેટલી સફળ થાય છે તેના પર નજર છે અને તા.3 જૂનના રોજ ગણતરી યોજાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj