7મી મેના ત્રીજા તબકકા પૂર્વે સટ્ટાબજાર પણ ‘જોર’માં આવવા લાગ્યું

ચૂંટણીનું સટ્ટાબજાર! ભાજપ-NDAને 338-342 બેઠકોનું અનુમાન: ગુજરાતમાં ચાર બેઠકો પર ‘ફાઇટ’, ભાજપને એકાદ-બે સીટ ગુમાવવી પડે

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | 02 May, 2024 | 05:50 PM
ભાવનગર, જામનગર, કચ્છ તથા આણંદ બેઠકોમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે જોરદાર સ્પર્ધા હોવાનું બૂકીઓનું તારણ
સાંજ સમાચાર

► ભાજપને એકલા હાથે 298 થી 305 તથા કોંગ્રેસને 45 થી 47 બેઠકોનું અનુમાન

► સટ્ટાબજારમાં ચૂંટણી ભાવ ખુલ્યા બાદ એનડીએની કુલ 30 બેઠકો ઓછી થઇ: પ્રારંભે 365 બેઠકોનું અનુમાન લગાવાતું હતું

રાજકોટ, તા.2
દેશમાં લોકસભાની ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં 7મી મેના રોજ ત્રીજા તબકકામાં ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે બુકી બજારમાં જોર આવવા લાગ્યું હોય તેમ સટ્ટાના દાવની સાથોસાથ ઉત્તેજના પણ વધવા લાગી છે. મતદાનના ચાર તબકકા પૂર્ણ થયા બાદ ઘણા અંશે ચિત્ર સામે આવવા લાગશે તેવા સૂર વચ્ચે સટ્ટાબજાર હાલ ભાજપ-એનડીએને 338-342 બેઠકો મળવાનું અનુમાન લગાવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે ચૂંટણી સટ્ટો ચાલુ થયો ત્યાર પછી ભાજપની સ્થિતિ ઘસાઇ રહી છે અને એનડીએને મળવાની સંભાવિત બેઠકોના અનુમાનમાં 30 સીટોનો ઘટાડો થઇ ગયો છે.

ચૂંટણી સટ્ટા બજારના સુત્રોએ જણાવ્યું છે કે ચૂંટણીના દાવ જોર પકડવા લાગ્યા છે અને મોટા પ્રમાણમાં દાવ લાગી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં તમામ 26 બેઠકોનું મતદાન ત્રીજા તબકકામાં હોવાથી ગુજરાતની બેઠકોમાં પણ રસ વધી રહ્યો છે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લી બે ટર્મથી તમામ 26 બેઠકો મેળવતા ભાજપને આ વખતે એક થી બે બેઠક ગુમાવાનો વખત આવે તેવું હાલનું અનુમાન છે. આ સંજોગોમાં ભાજપને 24 થી 25 બેઠક મળી શકશે. 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી તે અત્રે ઉલ્લેખનીય છે.

ભાજપને એકાદ-બે સીટ ગુમાવવાનો વખત આવે તેવા અનુમાનની સાથોસાથ સટ્ટા બજાર ગુજરાતની ચાર બેઠકો પર ‘ફાઇટ’ હોવાનો અંદાજ દર્શાવી રહ્યો છે. આ ચારમાંથી ત્રણ બેઠકો તો માત્ર સૌરાષ્ટ્ર-કચ્છની છે. સૌરાષ્ટ્રની ભાવનગર, જામનગર અને કચ્છ ઉપરાંત આણંદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો હોવાનું તેઓ માની રહ્યા છે.

જુદા જુદા કારણોના આધારે રાજકીય અનુમાન લગાવતા સટ્ટા બજારના સુત્રોએ એમ પણ કહ્યું કે ગુજરાતની અનેક બેઠકોમાં ક્ષત્રિયના વિરોધનું ફેક્ટર કામ કરી રહ્યું છે ઉપરાંત ભાજપમાં આંતરીક કલહ પણ મોટો ભાગ ભજવે છે. અમુક બેઠકમાં ભાજપમાં અંદરો-અંદરની ખાનગી લડાઇથી મુશ્કેલી છે. 

સુત્રોના કહેવા પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં સરકાર ભાજપ-એનડીએની બનશે તે વિશે સટ્ટાબજારમાં કોઇ શંકા નથી પરંતુ બેઠકના ગણિતમાં ઘણો ફેરફાર થતો રહ્યો છે. લોકસભાની ચૂંટણીના પ્રથમ ભાવ નીકળ્યા ત્યારે ભાજપ-એનડીએને 365 સીટ મળવાનું અનુમાન વ્યકત થતું હતું પરંતુ હવે આ આંકડો 338 થી 342 પર આવી ગયો છે. અગાઉના અંદાજની  સરખામણીએ 30 બેઠકો ઓછી થઇ ગઇ છે. એકલા હાથે ભાજપને 298 થી 305 બેઠકો મળવાનું અનુમાન વ્યકત થઇ રહ્યું છે જ્યારે કોંગ્રેસને એકલા હાથે માત્ર 45 થી 47 બેઠકો જ મળે તેવો અત્યારનો અંદાજ છે.

તેઓએ એવી ચોખવટ કરી હતી કે ચૂંટણીના હજુ પાંચ તબકકા બાકી છે અને સટ્ટા બજારમાં હજુ ઘણા બદલાવો અને ફેરફાર આવતા રહેવાનું નિશ્ર્ચિત છે. 7મી મેના ત્રીજા તબકકાનું મતદાન છે અને ત્યારબાદ ચોથા તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ ઘણા અંશે રાજકીય ચિત્ર સ્પષ્ટ થઇ શકશે અને ત્યારપછી ભાવમાં મોટા બદલાવ થવાની શકયતા ઓછી થઇ જશે. 

► રામ, રાશન, રીઝર્વેશન (અનામત) તથા રીલીજીયન (ધર્મ) જેવા ચાર ‘R’ પર થતું વિશ્લેષણ
સટ્ટા બજારના સુત્રોએ તેમના દ્વારા થતાં રાજકીય ચૂંટણી વિશ્ર્લેષણ વિશે એવી મહત્વની માહિતી આપતા એમ કહ્યું કે આ વખતની ચૂંટણીમાં માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશ લેવલે ચાર ‘આર’ મોટો ભાગ ભજવી શકે તેમ છે અને સટ્ટા બજારના વિશ્લેષકો પણ આ ચાર ફેક્ટરને અગત્યના ગણીને  તારણ કાઢી રહ્યા છે. 

ચાર ‘આર’માં પ્રથમ ‘રામ’ છે. મોદી સરકારમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે અને બે મહિના પહેલા તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. રામ મંદિરનો લાભ લેવાનો ભાજપ પ્રયત્ન કરતું હોવાનું સ્પષ્ટ છે. 

બીજો  ‘આર’ રાશનનો છે. ચૂંટણી પૂર્વે મોદી સરકારે દેશના 85 કરોડ જરૂરીયાતમંદોને આવતા પાંચ વર્ષ સુધી મફત રાશન આપવું જાહેર કર્યું હતું. તેનો પણ રાજકીય લાભ લેવામાં આવે તે નક્કી વાત છે. 
ત્રીજો ‘આર’ રીઝર્વેશન (અનામત)નો છે આ મામલો ઘણો પેચીદો રહ્યો છે અને દેશભરમાં તેના વ્યાપક પ્રત્યાઘાતો પડતા હોવાનું સ્પષ્ટ છે. અમિત શાહનો ફેક વીડિયો તાજેતરમાં જ બહાર પડ્યો હતો જેમાં તેમનું અનામત વિષે ખોટું નિવેદન વાયરલ કરવામાં આવ્યું હતું.

ભાજપ દ્વારા ક્યારેય અનામત દૂર નહીં થવાનું હવે જાહેર કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા પણ અનામત વિશે વ્યાપક પ્રચાર કરવામાં આવે જ છે. દેશભરમાં મોટી વસ્તી ધરાવતા અનામત વર્ગમાં આ મુદાની ઘણી અસર થતી હોય છે. 

ચોથો ‘આર’ રીલીજીયન (ધર્મ)નો છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વખતો વખત આચાર સંહિતાની છટકબારીનો ઉપયોગ કરીને ધર્મના નામે પ્રચાર કે વિવાદ સર્જીને મત મેળવવાના પ્રયત્નો કરતાં જ હોય છે. 
સુત્રોના કહેવા પ્રમાણે રામ અને રાશનના મુદે ભાજપનો હાથ ઉપર છે પરંતુ અનામત અને ધર્મના ફેક્ટરમાં વિપક્ષ બરાબરની ટક્કર આપી રહ્યો છે એટલે આ ચારેય ફેકટરમાં કેવા વળાંક આવે છે તે પણ આવતા દિવસોમાં મહત્વનું રહેશે.

                          ગરમી મોટો પડકાર સર્જી શકે
► ગુજરાત ‘ગઢ’ હોવાથી નુકશાનીની આશંકાથી ભાજપ અત્યારથી સજાગ

રાજકીય સટ્ટાબજારના ખેલૈયાઓ મતદારોના માનસની સાથોસાથ કુદરતી વાતાવરણ અને રાજકીય પક્ષો દ્વારા ઘડાતી રણનીતિ પર પણ નજર રાખતા હોય છે. સટ્ટા બજારના એક નિષ્ણાંતે એમ કહ્યું કે 7મેના રોજ યોજાનારી ત્રીજા તબકકાની ચૂંટણી વખતે આકરી ગરમી અને ઉંચુ તાપમાન રહેવાની આગાહી થઇ છે. ગુજરાતને લાગે-વળગે છે ત્યાં સુધી રાજ્ય ભાજપનો ગઢ છે.

છેલ્લી બે ટર્મથી તમામ 26 બેઠક પર ભાજપ વિજય મેળવી રહ્યું છે અને તે પાછળનું એક કારણ ખુબ સારુ મતદાન હોય છે. આ વખતે આકરા ઉનાળાના કારણે મતદાનમાં અસર થઇ શકે છે. ભાજપના ગઢમાં મતદાન ઓછુ થાય તો દેખીતી રીતે તેને જ નુકશાન થાય.

આ સંજોગોમાં ભાજપની નેતાગીરી અત્યારથી જ સજાગ બની ગઇ છે અને શક્ય તેટલું વધુ મતદાન કરવા માટે પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પરિણામ અને લીડમાં મતદાનના આંકડા પણ ભાગ ભજવી શકે છે. 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj