ગુજરાતની 25 લોકસભા તથા 5 વિધાનસભા બેઠકો પરનું ચુંટણી ચિત્ર સ્પષ્ટ

ગુજરાતના લોકસભા ચૂંટણી જંગમાં 2009 પછી સૌથી ઓછા ઉમેદવાર

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Ahmedabad | 23 April, 2024 | 10:24 AM
◙ લોકસભા માટે 266 અને વિધાનસભાની 5 બેઠકો પર 24 ઉમેદવારો મેદાનમાં: અમદાવાદ પુર્વની બેઠક પર સૌથી વધુ 18 તથા બારડોલીમાં માત્ર 3 વચ્ચે મુકાબલો
સાંજ સમાચાર

◙ સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકોમાં 92 ઉમેદવારો વચ્ચે જંગ થશે: ભાવનગર તથા કચ્છ સિવાયની બેઠકોમાં 2019 કરતા સંખ્યા ઘટી

અમદાવાદ,તા.23
ગુજરાતમાં આગામી 7 મે ના રોજ યોજાનારી લોકસભાની 25 તથા વિધાનસભાની પાંચ બેઠકોની ચુંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. લોકસભા માટે 266 તથા પાંચ ધારાસભા બેઠકોની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો ગઈકાલે સોમવારે અંતિમ દિવસ હતો અને તે સાથે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હતું. સુરતની લોકસભા બેઠક બીનહરીફ થતા હવે 25 બેઠકો પર ચુંટણી થવાની છે અને તેમાં 266 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 2009 પછી ગુજરાતમાં સૌથી ઓછા ઉમેદવારો છે. 2019ની સરખામણીએ પણ 28 ટકા ઓછા ઉમેદવાર છે.

રાજયની લગભગ તમામ બેઠકોમાં નાના પક્ષો અથવા અપક્ષોને બાદ કરતા મુખ્યત્વે દ્વિપક્ષી સીધો મુકાબલો થવાનો છે. 25માંથી 23 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે તથા ભાવનગર-ભરૂચની બેઠકમાં ભાજપ-આપ વચ્ચે જંગ થશે. ચુંટણી જોડાણ અંતર્ગત આ બન્ને બેઠકો કોંગ્રેસે આમ આદમી પાર્ટી (આપ)ને ફાળવી હતી.

ગુજરાતની સૌથી વધુ 18 ઉમેદવાર અમદાવાદ પુર્વેની બેઠકમાં છે જયારે બારડોલીની બેઠક પર સૌથી ઓછા-માત્ર ત્રણ ઉમેદવાર મેદાનમાં છે. રાજકોટની બેઠક પર 9 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકોને લાગેવળગે છે ત્યાં સુધી 92 ઉમેદવારો ચુંટણી મેદાનમાં રહ્યા છે. 2019ની સરખામણીમાં ભાવનગર તથા કચ્છને બાદ કરતા અન્ય તમામ છ બેઠકો પર ઉમેદવારોની સંખ્યા ઘટી છે. રાજકોટમાં 2019માં 10 ઉમેદવારો હતા તે આ વખતે 9 છે.

અમરેલીમાં 12ની સરખામણીએ 8, જુનાગઢમાં 12 સામે 11, પોરબંદરમાં 17ની સરખામણીએ 12, જામનગરમાં 28ની સરખામણીએ 14, ભાવનગરમાં 10 સામે 13, સુરેન્દ્રનગરમાં 31 સામે 14 તથા કચ્છમાં 2019માં 10ની સરખામણીએ આ વખતે 11 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી કુલ 433 ઉમેદવારોએ ફોર્મ ભયા હતા. ચકાસણીમાં 105 રદ થતા 328 બાકી રહ્યા હતા. તેમાંથી 62 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા હવે 266 ચુંટણી મેદાનમાં રહ્યા છે.

પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીને લાગેવળગે છે ત્યાં સુધી કુલ 58 ફોર્મ ભરાયા હતા તેમાંથી 31 રદ થયા હતા અને ત્રણ પાછા ખેંચાતા હવે 24 ઉમેદવારો વચ્ચે જંગ રહ્યો છે. સૌથી વધુ આઠ ઉમેદવારો વિજાપુર બેઠકમાં રહ્યા છે જયારે વાઘોડીયા બેઠકમાં માત્ર બે જ ઉમેદવારો છે.

આ બેઠક પર પુર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ અપક્ષ તરીકે ઝુકાવ્યુ હતું પરંતુ પછી કોંગ્રેસને ટેકો જાહેર કરીને ફોર્મ પાછુ ખેંચી લીધુ હતું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં છેલ્લા ત્રણ દાયકામાં સૌથી વધુ 577 ઉમેદવાર 1996માં હતા.

ઉમેદવારોની સંખ્યા

ચુંટણીવર્ષ....ઉમેદવારો

► 1996...577

► 1998...139

► 1999...149

► 2004...162

► 2009...293

► 2014...284

► 2019...371

► 2024...266

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj