ફર્સ્ટ ટાઇમ વોટર હિટવેવમાં ઠંડા રહ્યા : વેકેશનની અસર : છેલ્લી બે કલાકમાં જમાવટ ન થઇ!

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 08 May, 2024 | 04:26 PM
◙ રાજકોટ લોકસભાની ચૂંટણીમાં શહેરની ચારે વિધાનસભા બેઠક પર એકંદરે એક સરખુ મતદાન : ટંકારા-પડધરી બેઠકના સૌથી ઉંચા મતદાનથી કોને ફાયદો? વાંકાનેરનું મતદાન પણ મહત્વનું : જસદણ વિસ્તાર પણ ઠંડો રહ્યો
સાંજ સમાચાર

◙ પ્રથમ વખત મત આપવાની જવાબદારી નિભાવવામાં યુવા વર્ગ ઉણો ઉતર્યાની છાપ : ભાજપને પરંપરાગત મતદારો પર પુરો ભરોસો, 4 લાખની લીડની વાતો : કોંગ્રેસને ગાબડુ પાડવાની આશા : મતદાનના દિવસે વિવાદો ન દેખાયા

 

રાજકોટ, તા. 8
રાજકોટ લોકસભાની બેઠકની ચૂંટણી માટે ગઇકાલે ભારે ગરમી વચ્ચે મતદાન સંપન્ન થયું છે. અગાઉની ચૂંટણીની સરખામણીમાં મતદાનમાં સાડા ત્રણ ટકા જેવો ઘટાડો નોંધાયો છે. પરંતુ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ કરતા વિવાદો વધુ ચાલ્યા હોય, અમુક મત વિસ્તારના ભાગોનું મતદાન સસ્પેન્સભર્યુ બન્યું છે. હવે તા.4 જુનના રોજ લોક ચૂકાદો જાહેર થાય ત્યારે મતદારોને કઇ બાબતમાં રસ પડયો અને કયા મુદ્દાઓમાં રસ ન પડયો તે પણ જાહેર થઇ જશે.

આ વખતે ચૂંટણી પર હિટવેવ હાવી રહ્યો હતો, જોકે પ્રથમ વખત મત આપનારા યુવા વર્ગની નિરસતા અને વેકેશનનો સમય પણ ખુબ સારા મતદાન આડે આવી ગયો તેવું પણ દેખાયું છે. 

2024ની ચૂંટણીમાં વડાપ્રધાનથી માંડી ચૂંટણી પંચનું ધ્યાન પ્રથમ વખત મત આપતા 18 વર્ષથી ઉપરના નવા મતદારો પર હતું પરંતુ આ વર્ગ મતદાનમાં એટલો બધો ઉત્સાહિત નહીં દેખાયાનું જાણકારોએ કહ્યું છે. તો દર વખતની જેમ પરંપરાગત અને વડીલોનું મતદાન રાબેતા મુજબ થયું હોય, ભાજપને છેલ્લી ચૂંટણી કરતા પણ વધુ લીડની આશા છે. તો બીજી તરફ કોંગ્રેસ સાંપ્રત પ્રશ્નો ઉપરાંત ભાજપના ઉમેદવાર સામેના વિરોધનો લાભ મળશે તેવી આશા ધરાવે છે. બંને પક્ષોએ જીતના દાવા કર્યા છે ત્યારે ક્ષત્રિય સમાજનું મતદાન પણ નિર્ણાયક બની શકે છે. 

રાજકોટ લોકસભામાં 7 મતક્ષેત્ર આવે છે. કુલ નોંધાયેલા 21.12 લાખ મતદારોમાંથી 7.04 લાખ પુરૂષો અને 5.54 લાખ મહિલાઓ મળી 12.58 લાખ નાગરિકોએ મતદાન કર્યુ છે. ગત વર્ષ કરતા 3.54 ટકા ઓછું એટલે કે  59.60 ટકા મતદાન નોંધાયું છે. આ ચૂંટણીમાં સૌપ્રથમ વખત રાજકોટમાંથી જિલ્લા બહારના બંને ઉમેદવાર હતા. આ બંને ઉમેદવાર અમરેલીથી ચૂંટણી લડવા રાજકોટ આવ્યા હતા.

એટલે શહેર અને જિલ્લાના મતદારો માટે તો બંને ઉમેદવાર બહારના હતા. ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણી બાદનું આંદોલન રાજયવ્યાપી બન્યું હતું તો કોંગ્રેસે પણ વાતાવરણનો લાભ લેવા અમરેલીથી પૂર્વ વિપક્ષી નેતા (વિધાનસભા)  પરેશભાઇ ધાનાણીને તેડાવ્યા હતા. જેમાંથી મતદારોએ કોને પસંદ કર્યા તે ચર્ચાનો વિષય છે. 

ભાજપ પાસે ગઢ ઉપરાંત નરેન્દ્રભાઇ મોદી અને દેશના વિકાસની વાત હતી. કોંગ્રેસે મોંઘવારી સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. આંદોલન કરનારા એક વર્ગે ભાજપ સામે કોંગ્રેસને સમર્થન પણ આપ્યું હતું. 

રાજકોટ દાયકાઓથી ભાજપનો ગઢ રહ્યો છે. મહાનગરની ચાર બેઠકોની વાત કરીએ તો લગભગ તમામ જગ્યાએ સરખુ મતદાન થયું છે. છતાં આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો 57.88 ટકા મત રાજકોટ-68(પૂર્વ)ની બેઠક પર પડયા છે. રાજકોટ-69માં 57.84, રાજકોટ ગ્રામ્યમાં 58.53 અને રાજકોટ દક્ષિણમાં 57.80 ટકા મતદાન થયું છે.   આ રીતે રાજકોટ ગ્રામ્યનું મતદાન થોડુક આગળ રહ્યું છે. 

ટંકારા-પડધરી વિસ્તાર કડવા પાટીદારોના પ્રભુત્વવાળો છે. અગાઉ મોહનભાઇ કુંડારીયાને અહીંથી જ મોટી લીડ મળી હતી. આ મતદારોનું વોટીંગ મહત્વનું છે. પુરા જિલ્લામાં સૌથી વધુ મતદાન ટંકારા બેઠકનું 65.88 ટકા છે. તો  વાંકાનેર મત વિસ્તારમાંથી પણ 64.67 ટકા મતદાન નોંધાયું છે. આ વિસ્તાર ક્ષત્રિય, કોળી, મુસ્લિમ સહિતના મતદારોના પ્રભુત્વવાળો છે. 

રાજકોટમાં રેલનગર, કાલાવડ રોડ પરની અમુક સોસાયટીમાં ક્ષત્રિય મતદારોની સંખ્યા વધુ છે. આ મતદાન કઇ તરફ ઢળ્યું તે મહત્વનું બનશે. રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના મત વિસ્તાર જસદણમાં પણ 55.69   ટકા જેવું સામાન્ય મતદાન થયું છે. ભારે ગરમીમાં આ મતદાન ઓછું ગણાવાતું નથી પરંતુ ભાજપની ધારણાથી થોડુ ઓછું જરૂર છે. 

મતદાનમાં વધારો ન થવાનું એક મોટુ કારણ ગરમી ઉપરાંત વેકેશન અને રજાનો માહોલ પણ બંને પક્ષને લાગ્યો છે. સવારમાં પોશ એરીયામાં મતદારોની લાઇન લાગી હતી. પરંતુ બપોર બાદ આ વર્ગ બહુ ઓછો દેખાયો હતો. સામાન્ય રીતે દર વખતે છેલ્લી બે કલાકના મતદાનના આંકડા વધી જતા હોય છે. પરંતુ આ વખતે છેલ્લી બે કલાકમાં પણ મતદાને  ગતિ પકડી ન હતી.

અમુક વિસ્તારમાં કડવા અને લેઉવા સમાજના મતદારો સાથે બેસીને મત આપવા જતા પણ જોવા મળ્યા હતા. ઘણા વિસ્તારમાં માત્ર વડાપ્રધાન અને દેશની વાત થતી હતી. એટલે કે અમુક મુદ્દા લોકોને પ્રભાવિત કરી શકયા નથી અને સ્વતંત્ર વિચારોથી મતદાન કર્યુ છે.  કોંગ્રેસ આ વખતે ભાજપના ગઢમાં ગાબડુ પાડવાની આશા રાખે છે તો પૂરા આત્મવિશ્વાસ સાથે ભાજપના ટોચના નેતાઓ તો ચાર લાખથી વધુ લીડની ગણતરી કરવા લાગ્યા છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj