ક્ષત્રિય સમાજ અંગે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારે કરેલા વિધાનો ગુજરાતની અનેક બેઠકો પર છવાઇ ગયા

પરસોતમ રૂપાલાથી કનુભાઇ દેસાઇ : મુદ્દા નહીં વિવાદો પર લડાઇ ગુજરાતની ચૂંટણી

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 06 May, 2024 | 05:41 PM
◙ રૂપાલાના વિધાનોનું ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપની મદદે રાહુલ ગાંધી આવી ગયા અને રાજા-મહારાજાઓની ગરીબોના લુંટારા ગણાવતા કોંગ્રેસને બચાવ મુશ્કેલ થઇ પડયો
સાંજ સમાચાર

◙ વડાપ્રધાન ડેમેજ કંટ્રોલ કરશે તેવી આશા ભાજપને હતી : જામનગરમાં મોદી મહારાજા શત્રુશલ્યસિંહજીને પણ મળ્યા પરંતુ બીજા જ દિવસે ક્ષત્રિયોની વિરાટ સભાથી ડેમેજ કંટ્રોલ સામે પ્રશ્ન સર્જાયા

 

◙ રાહુલ ગાંધી પણ હડફેટમાં આવી ગયા : આપના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ કોંગ્રેસના નેતાને નપુસંક કહ્યા તો બીજી તરફ રાજકોટમાં ઇન્દ્રનીલ રાજગુરૂએ ગાંધીજીને થોડા લુચ્ચા ગણાવીને રાહુલની પ્રશંસા કરતા વિવાદ સર્જાયો

 

◙ ધાનાણીએ પાટીદારોને હરખપદુડા ગણાવ્યા તો ચૂંટણી પંચ સુધી વાત પહોંચી ગઇ : ઉમેશ મકવાણાએ તો રાજા-મહારાજાઓને અફીણ અને ગાંજામાં પડયા રહેતા હોવાનું નિવેદન કરીને ભાજપને કામચલાઉ રાહત આપી

 

રાજકોટ, તા. 6
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રારંભે લગભગ એક તરફી વાતાવરણમાં અચાનક જ પલ્ટો લાવવામાં રાજકોટ સંસદીય બેઠક લડી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સહિતના અનેક નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને કદાચ પ્રથમ વખત ગુજરાતની લોકસભા ચૂંટણી વિવાદી વિધાનો પર લડાઇ હતી. 

ગઇકાલે સાંજે પૂરા થયેલા જાહેર પ્રચાર સાથે હવે કોઇ વિધાનો વાયરલ નહીં થાય અને કોઇ રાજકીય પક્ષોને ડેમેજ નહીં કરે તેવી આશા નેતા અને રાજકીય પક્ષો રાખી રહ્યા છે પરંતુ સૌથી મોટી ચિંતા પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિધાનો કેટલા ડેમેજ કરી શકે છે કેટલી બેઠકો પર તે ભાજપની લીડમાં ઘટાડો કરી શકે છે તેના પર સૌની નજર છે.

ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ મોટા ભાગે ડેમેજ કંટ્રોલ થઇ ગયું છે પરંતુ ક્ષત્રિય સમાજ કહે છે કે અમારા કેટલાક આગેવાનોને બાદ કરો તો સમગ્ર સમાજ અમારી સાથે છે અને આવતીકાલે મતદાનમાં તેની અસર દેખાશે. રૂપાલાના વિધાનો બાદ સૌપ્રથમ ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જે રીતે સમાધાનના પ્રયાસો કર્યા તે નિષ્ફળ ગયા બાદ ભાજપે અનેક રીતે ક્ષત્રિય સમાજને સમજાવવાના પ્રયત્નો કર્યા અને તેમાં કમલમથી લઇને મુખ્યમંત્રીના આવાસ સુધી બેઠકોનો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓની સાથે વાટાઘાટનો દૌર કરાયો હતો.

તો બીજી તરફ ક્ષત્રિય સમાજે પહેલા રાજકોટ અને પછી પાંચ ઝોનમાં જે રીતે વિશાળ સંમેલન બોલાવાયા અને તેમાં જંગી હાજરીથી આ વિવાદની અસર મોટી હશે તે નિશ્ચિત થઇ ગયું હતું છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની બેઠકમાં પ્રચાર  માટે આવતા રાજવી શત્રુશલ્યસિંહની મુલાકાત લઇને ક્ષત્રિય સમાજને સંદેશો આપવાની કોશીશ કરી હતી પણ બીજા દિવસે ક્ષત્રિય સમાજનું મોટુ સંમેલન મળ્યુ અને તેમાં જે પ્રકારે શત્રુશલ્યસિંહજીની આમાન્ય સ્વીકારી નહીં હોવાનો સંદેશ આપ્યો તે પછી હવે મતદાન ઉપર નજર છે. 

જોકે ફકત પરસોતમ રૂપાલાની અનેક નેતાઓના નિવેદનો ચર્ચામાં રહ્યા છે જેમાં છેલ્લે બે દિવસ પહેલા જ રાજયના  લો-પ્રોફાઇલ ગણાતા નેતા અને નાણામંત્રી કનુભાઇ દેસાઇએ કોળી સમાજ અંગે જે નિવેદન કર્યુ તે પણ મોટો વિવાદ સર્જી શકે તેમ હતો પરંતુ તે મુદો કોળી સમાજ ઉઠાવે તે પૂર્વે જ તેઓએ માફી માંગી લીધી તેને કારણે તેનુ ડેમેજ મર્યાદિત હોય તેમ માનવામાં આવે છે.

જોકે આ સમય દરમ્યાન રાહુલ ગાંધીએ ગુજરાત બહારના પ્રચારમાં રાજા મહારાજાઓએ  ઇચ્છા પડે તેની જમીન છીનવી લીધી હતી અને તેમને ગરીબ જમીનના લુટારા ગણાવ્યા તેથી ભાજપને ગુજરાતમાં રૂપાલાના નિવેદન સામે ડેમેજ કરવાની તક મળી ગઇ અને તે અધુરૂ હતું ત્યાં ભાવનગર લોકસભા બેઠક લડી રહેલા  આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજા મહારાજા અફીણમાં પડયા રહ્યા તેવું નિવેદન કરીને ભાજપને પણ એક હથિયાર આપી દીધુ હતું. 

જોકે રૂપાલાના નિવેદનના કારણે સર્જાયેલા વિવાદના પગલે લોકસભા બેઠક પર ચૂંટણી લડવા આવેલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પાટીદારોને હરખપદુડા કહ્યા હતા અને અત્યાર સુધી ભાજપની સાથે જતા હતા અને ઉમેર્યુ કે જે રીતે ક્ષત્રિય સમાજને ભાજપનો પરચો મળી ગયો છે તો પાટીદાર સમાજને મળશે જોકે રૂપાલામાં નિવેદન આપનરા કલીનચીટ આપનાર ચૂંટણી પંચે ધાનાણીના હરખપદુડા નિવેદન પર ચૂંટણી આચારસંહિતાના ભંગની તપાસ શરૂ કરી છે આ રીતે ચૂંટણી પંચે વિચિત્ર વલણ લીધુ હતું.

તો બીજી તરફ અનેક વખત વિવાદાસ્પદ વિધાનો કરનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂએ ગાંધીજી અને રાહુલ ગાંધીની સરખામણી કરતા કહ્યું હતું કે ગાંધીજીમાં થોડી ઘણી લુચ્ચાઇ હતી રાહુલ ગાંધી તો સાવ નિર્દોષ માણસ છે તેમ કહીને ગાંધીજીને વિવાદમાં ધસેડયા હતા.

એટલું જ નહીં જુનાગઢમાં ભાજપના જિલ્લા પ્રમુખે પણ ક્ષત્રિય સમાજ અંગે આડા અવળા વિધાનો કર્યા તો ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરએ પણ પોતાને બનાસની બેટી ગણાવવાની સાથે જે રીતે બનાસ ડેરી સામે પ્રશ્ન ઉઠાવ્યા આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુસંક કહ્યા હતા અને તે વિધાનો પર હજુ ચૂંટણી પંચ કોઇ એકશનમાં આવ્યો નથી તો છેલ્લે કનુભાઇ દેસાઇએ જે રીતે કોળી સમાજ અંગે વિધાનો કર્યા તેનું માંડ ડેમેજ કંટ્રોલ થયું છે.

નેતાઓ અને વિવાદી વિધાનો
પ્રજા રાજા રામની પણ ન્હોતી થઇ તો મારી શું થશે: રાજેશ ચુડાસમાનું વિધાન વાયરલ
વડોદરામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર કહેવાય કે નહીં: વિવાદ સર્જાયો

► જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલે એક સભામાં એવું વિધાન કર્યું હતું કે રાજા-મહારાજાઓની પટરાણી હોય તેના દિકરાને જ રાજા બનાવતા પછી પટરાણી લુલી-લંગડી, બાડી, બોબડી ગમે તે હોય પણ તેનો દિકરો જ રાજા બનતો હતો. તેણે કહ્યું કે રાજા હવે મત પેટ્ટીમાંથી પેદા થાય છે. બાદમાં તેણે પોતાના વિધાનો પર માફી માંગી લીધી હતી. 

► વાઘોડીયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ આ ચૂંટણીમાં વિવાદી વિધાનો કરી ચૂક્યા છે તેણે આજે કહ્યું કે વડોદરામાં ભાજપનો જન્મ મારા હાથે થયો છે અને હવે ખત્મ પણ મારા હાથે જ થશે. તેઓએ ધારાસભા ચૂંટણીમાં ટીકીટ ન મળતા ભાજપમાંથી બળવો કર્યો હતો પણ અપક્ષ લડીને પરાજીત થયા હતા. 

► જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ચોરવાડ ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન સમયે એવું વિધાન કર્યું હતું કે પ્રજા રાજા રામની પણ નહોતી થઇ તો પણ મારી પણ નો થાય. આમ કહીને રામાયણમાં જે રીતે સીતાની અગ્નિપરીક્ષા લેવાની પ્રજાએ માંગણી કરી હતી તે આગળ ધરી હતી. 

► અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ લોકસભાની 400 નહીં 500 બેઠકો મોદી સાહેબ જીતશે તેવો દાવો કર્યો હતો. 

► વડોદરામાં ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોષી ખરેખર ડોક્ટર છે કે તે અંગે પણ પ્રશ્ર્ન છે અને તેઓએ પોતાને ડોક્ટર ગણાવ્યા પરંતુ હોમીયોપેથીના અભ્યાસ કરનાર ડોક્ટર શબ્દનો ઉપયોગ કરી શકે નહીં તેવું જણાવીને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના એક આદેશને આગળ ધરીને આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી હતી તેની સામે વડોદરાની ફીજિયોથેરાપી ડોક્ટર મેદાને પડ્યા છે અને તેઓએ કોંગ્રેસ માફી માંગે તેવી માંગણી સાથે દેખાવો કરતાં નવો વિવાદ સર્જાયો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj